પહેલો કાળવૃત્તાંત ૧૦:૧-૧૪

  • શાઉલ અને તેના દીકરાઓનું મરણ (૧-૧૪)

૧૦  હવે પલિસ્તીઓ ઇઝરાયેલીઓ સામે લડાઈ કરતા હતા. ઇઝરાયેલના માણસો પલિસ્તીઓ આગળથી નાસી છૂટ્યા. ગિલ્બોઆ પર્વત પર ઘણા ઇઝરાયેલીઓની કતલ થઈ.+ ૨  પલિસ્તીઓએ શાઉલ અને તેના દીકરાઓનો પીછો કર્યો. તેઓએ શાઉલના દીકરાઓ યોનાથાન, અબીનાદાબ અને માલ્કી-શૂઆને+ મારી નાખ્યા. ૩  પલિસ્તીઓએ શાઉલ સામે ભારે લડાઈ કરી. તીરંદાજોએ તેને શોધી કાઢીને સખત ઘાયલ કર્યો.+ ૪  શાઉલે પોતાનાં હથિયાર ઊંચકનારને કહ્યું: “સુન્‍નત* વગરના આ માણસો આવીને મારી સાથે ક્રૂરતાથી વર્તે,*+ એ પહેલાં તારી તલવાર કાઢીને મારી આરપાર ઉતારી દે.” પણ હથિયાર ઊંચકનાર બહુ ડરી ગયો હોવાથી, એમ કરવા ચાહતો ન હતો. એટલે શાઉલ પોતાની તલવાર લઈને એના પર પડ્યો.+ ૫  જ્યારે હથિયાર ઊંચકનારે જોયું કે શાઉલ મરી ગયો છે, ત્યારે તે પણ પોતાની તલવાર પર પડ્યો અને મરણ પામ્યો. ૬  આમ શાઉલ, તેના ત્રણ દીકરાઓ અને તેના ઘરના બધા માણસો મરણ પામ્યા.+ ૭  નીચાણ પ્રદેશના* બધા ઇઝરાયેલીઓએ જોયું કે ઇઝરાયેલના સૈનિકો નાસી છૂટ્યા છે અને શાઉલ તથા તેના દીકરાઓ માર્યા ગયા છે. એટલે તેઓ પોતાનાં શહેરો છોડીને નાસવા લાગ્યા. પછી પલિસ્તીઓએ આવીને એ શહેરો પર કબજો જમાવ્યો. ૮  બીજા દિવસે પલિસ્તીઓ લાશો પરથી ચીજવસ્તુઓ લૂંટવા આવ્યા. તેઓએ ગિલ્બોઆ પર્વત પર શાઉલ અને તેના દીકરાઓની લાશો જોઈ.+ ૯  પલિસ્તીઓએ શાઉલનું માથું કાપી નાખ્યું અને તેનું બખ્તર ઉતારી લીધું.* તેઓએ માણસો મોકલીને પલિસ્તીઓના આખા વિસ્તારનાં મંદિરોમાં+ અને લોકોમાં એ સમાચાર ફેલાવી દીધા. ૧૦  પછી તેઓએ પોતાના દેવના મંદિરમાં શાઉલનું બખ્તર મૂક્યું* અને તેનું માથું દાગોનના મંદિરમાં+ લટકાવી દીધું. ૧૧  ગિલયાદમાં આવેલા યાબેશના બધા લોકોએ+ સાંભળ્યું કે પલિસ્તીઓએ શાઉલના કેવા હાલ કર્યા છે.+ ૧૨  એટલે બધા લડવૈયાઓ ત્યાંથી નીકળ્યા અને શાઉલ તેમજ તેના દીકરાઓની લાશો લઈ આવ્યા. તેઓએ એ લાશો યાબેશમાં બાળી અને એનાં હાડકાં એક મોટા વૃક્ષ નીચે દાટ્યાં.+ તેઓએ સાત દિવસ ઉપવાસ કર્યા. ૧૩  આમ શાઉલનું મરણ થયું, કેમ કે તે યહોવાને વફાદાર ન હતો, તેણે યહોવાની આજ્ઞા પાળી ન હતી.+ તેણે મરેલા સાથે વાત કરનાર સ્ત્રીની સલાહ લીધી,+ ૧૪  પણ યહોવાની સલાહ પૂછી ન હતી. એટલે ઈશ્વરે તેને મારી નાખ્યો અને તેની રાજગાદી યિશાઈના દીકરા દાઉદને આપી.+

ફૂટનોટ

અથવા, “અપમાન કરે.”
અથવા, “ખીણના.”
અથવા, “તેનાં હથિયાર લઈ લીધાં.”
અથવા, “શાઉલનાં હથિયાર મૂક્યાં.”