પહેલો કાળવૃત્તાંત ૧૨:૧-૪૦
-
દાઉદને રાજા તરીકે સાથ આપનારા (૧-૪૦)
૧૨ કીશના દીકરા શાઉલથી+ નાસતો-ફરતો દાઉદ સિકલાગ+ આવ્યો હતો. એ વખતે જે માણસો તેની પાસે આવ્યા હતા, તેઓ તેને યુદ્ધમાં સાથ આપનારા શૂરવીર યોદ્ધાઓમાંના હતા.+
૨ તેઓ ધનુષ્ય ચલાવનારા હતા. તેઓ ડાબા+ અને જમણા બંને હાથે ગોફણ વીંઝી શકતા હતા+ અથવા તીર મારી શકતા હતા. તેઓ શાઉલના ભાઈઓ* હતા, જે બિન્યામીન+ કુળનો હતો.
૩ અહીએઝેર મુખી હતો, તેની સાથે યોઆશ હતો. તેઓ બંને ગિબયાહના+ શમાઆહના દીકરાઓ હતા. બાકી રહેલાનાં નામ આ હતાં: આઝ્માવેથના+ દીકરાઓ યઝીએલ અને પેલેટ, બરાખાહ, અનાથોથનો યેહૂ,
૪ ગિબયોનનો+ યિશ્માયા, જે ત્રીસ આગેવાનોમાં+ શૂરવીર યોદ્ધો અને તેઓનો ઉપરી હતો; તેમ જ યર્મિયા, યાહઝીએલ, યોહાનાન, ગદેરાહનો યોઝાબાદ,
૫ એલઉઝાય, યરીમોથ, બઆલ્યા, શમાર્યા, હારીફનો શફાટિયા,
૬ એલ્કાનાહ, યિશ્શિયા, અઝારએલ, યોએઝેર અને કોરાહી+ યાશોબઆમ;
૭ ગદોરના યરોહામના દીકરાઓ યોએલાહ અને ઝબાદ્યા.
૮ વેરાન પ્રદેશમાં જે સલામત જગ્યાએ દાઉદ હતો+ ત્યાં અમુક ગાદીઓ ગયા. તેઓ શૂરવીર યોદ્ધાઓ અને લડાઈ માટે તાલીમ પામેલા સૈનિકો હતા. તેઓ મોટી ઢાલ અને બરછી લઈને હંમેશાં તૈયાર રહેતા હતા. તેઓનાં મોં સિંહ જેવા હતાં અને તેઓ પર્વતોનાં હરણો જેવા ચપળ હતા.
૯ એઝેર મુખી હતો, બીજો ઓબાદ્યા, ત્રીજો અલીઆબ,
૧૦ ચોથો મિશ્માન્નાહ, પાંચમો યર્મિયા,
૧૧ છઠ્ઠો આત્તાય, સાતમો અલીએલ,
૧૨ આઠમો યોહાનાન, નવમો એલ્ઝાબાદ,
૧૩ દસમો યર્મિયા અને અગિયારમો માખ્બાન્નાય.
૧૪ તેઓ ગાદીઓ+ હતા અને લશ્કરના મુખીઓ હતા. તેઓમાં જે સૌથી કમજોર હતો, તે ૧૦૦ સૈનિકો બરાબર હતો અને સૌથી બળવાન હતો, તે ૧,૦૦૦ સૈનિકો બરાબર હતો.+
૧૫ વર્ષના પહેલા મહિનામાં યર્દન નદીના કાંઠા પાણીથી છલકાતા હતા ત્યારે, એ માણસોએ નદી પાર કરી હતી. તેઓએ નીચાણ પ્રદેશોમાં રહેતા બધા લોકોને પૂર્વ તરફ અને પશ્ચિમ તરફ નસાડી મૂક્યા હતા.
૧૬ બિન્યામીન અને યહૂદાના અમુક માણસો પણ દાઉદ પાસે સલામત જગ્યાએ આવ્યા.+
૧૭ એટલે દાઉદે બહાર આવીને તેઓને કહ્યું: “જો તમે મદદ કરવા અને શાંતિના ઇરાદાથી આવ્યા હો, તો મારું દિલ તમારી સાથે એક ગાંઠ થશે. પણ જો તમે દગાથી મને દુશ્મનોના હાથમાં સોંપવા આવ્યા હો જ્યારે કે મારો કોઈ વાંક-ગુનો નથી, તો આપણા બાપદાદાઓના ઈશ્વર એ ધ્યાનમાં લે અને ઇન્સાફ કરે.”+
૧૮ પછી અમાસાય જે ત્રીસનો મુખી હતો, તેના પર ઈશ્વરની શક્તિ આવી.+ તેણે કહ્યું:
“ઓ દાઉદ, અમે તારા છીએ. ઓ યિશાઈના દીકરા, અમે તારી સાથે છીએ.+
તને શાંતિ થાઓ, શાંતિ થાઓ. તને મદદ કરનારને શાંતિ થાઓ.
તારા ઈશ્વર તને મદદ કરે છે.”+
એટલે દાઉદે તેઓનો સ્વીકાર કર્યો અને તેઓને લશ્કરના આગેવાનો બનાવ્યા.
૧૯ દાઉદ પલિસ્તીઓ સાથે મળીને શાઉલ સામે લડાઈ કરવા ગયો. એ વખતે મનાશ્શા કુળના અમુક લોકો શાઉલનું લશ્કર છોડીને દાઉદ સાથે ભળી ગયા. દાઉદે પલિસ્તીઓને મદદ કરી ન હતી, કેમ કે પલિસ્તીઓના શાસકોએ+ અંદરોઅંદર વાત કરીને તેને પાછો મોકલી દીધો હતો. તેઓએ કહ્યું હતું: “તે આપણને દગો દઈને પોતાના માલિક શાઉલ પાસે જતો રહેશે. એનાથી આપણાં જીવન જોખમમાં આવી પડશે.”+
૨૦ દાઉદ સિકલાગ ગયો હતો+ ત્યારે, તેની સાથે મનાશ્શા કુળમાંથી આ માણસો ભળી ગયા હતા: આદનાહ, યોઝાબાદ, યદીઅએલ, મિખાયેલ, યોઝાબાદ, અલીહૂ અને સિલ્લાથાય. તેઓ મનાશ્શા કુળમાં હજારોના+ આગેવાનો હતા.
૨૧ તેઓએ દાઉદને લુટારાઓની ટોળકી સામે લડવા મદદ કરી હતી. તેઓ બધા શૂરવીર અને બહાદુર માણસો હતા.+ તેઓ સૈનિકોના મુખીઓ બન્યા.
૨૨ દાઉદને મદદ કરવા લોકો દરરોજ તેની પાસે આવતા હતા.+ ધીમે ધીમે દાઉદનું સૈન્ય ઈશ્વરના સૈન્ય જેટલું મોટું થઈ ગયું.+
૨૩ યહોવાના હુકમ પ્રમાણે+ શાઉલનું રાજ્ય દાઉદને મળે એ માટે માણસો દાઉદ પાસે હેબ્રોન આવ્યા હતા.+ યુદ્ધ માટે તૈયાર થયેલા એ માણસોના આગેવાનોની સંખ્યા આ પ્રમાણે હતી:
૨૪ યહૂદામાંથી ૬,૮૦૦ માણસો હતા, જેઓ મોટી ઢાલ અને બરછી લઈને યુદ્ધ માટે તૈયાર રહેતા હતા.
૨૫ શિમયોનમાંથી ૭,૧૦૦ હતા, જેઓ લશ્કરના શૂરવીર અને બહાદુર માણસો હતા.
૨૬ લેવીઓમાંથી ૪,૬૦૦ હતા.
૨૭ હારુનના દીકરાઓનો+ આગેવાન યહોયાદા+ હતો અને તેની સાથે ૩,૭૦૦ હતા.
૨૮ તેમ જ શૂરવીર અને બહાદુર યુવાન સાદોક+ તેની સાથે હતો. સાદોકની સાથે તેના પિતાના કુટુંબના ૨૨ મુખીઓ હતા.
૨૯ બિન્યામીનમાંથી શાઉલના ૩,૦૦૦ ભાઈઓ* હતા.+ તેઓમાંના મોટા ભાગના અગાઉ શાઉલના ઘરનાં કામોની દેખરેખ રાખતા હતા.
૩૦ એફ્રાઈમમાંથી ૨૦,૮૦૦ શૂરવીર અને બહાદુર માણસો હતા. તેઓ પોતાના પિતાનાં કુટુંબોમાં જાણીતા હતા.
૩૧ મનાશ્શાના અડધા કુળમાંથી ૧૮,૦૦૦ માણસોનાં નામ પસંદ કરવામાં આવ્યાં હતાં. તેઓ દાઉદને રાજા બનાવવા આવ્યા હતા.
૩૨ ઇસ્સાખાર કુળમાંથી ૨૦૦ મુખીઓ હતા. તેઓ સમય અને સંજોગો સમજતા હતા. તેઓ જાણતા હતા કે ઇઝરાયેલે શું કરવું જોઈએ. તેઓના સર્વ ભાઈઓ* તેઓની આજ્ઞા પ્રમાણે કરતા હતા.
૩૩ ઝબુલોનમાંથી ૫૦,૦૦૦ માણસો હતા, જેઓ હથિયારોથી સજ્જ હતા અને યુદ્ધ માટે તૈયાર હતા. તેઓ બધા દાઉદને પૂરા દિલથી સાથ આપતા હતા.*
૩૪ નફતાલીમાંથી ૧,૦૦૦ મુખીઓ હતા. તેઓની સાથે ૩૭,૦૦૦ માણસો હતા. દરેકની પાસે એક મોટી ઢાલ અને એક ભાલો હતાં.
૩૫ દાનમાંથી ૨૮,૬૦૦ માણસો યુદ્ધ માટે તૈયાર હતા.
૩૬ આશેરમાંથી ૪૦,૦૦૦ માણસો યુદ્ધ માટે તૈયાર હતા.
૩૭ યર્દનને પેલે પારથી+ રૂબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાના અડધા કુળમાંથી ૧,૨૦,૦૦૦ સૈનિકો હતા. તેઓ પાસે યુદ્ધ માટે દરેક પ્રકારનાં હથિયારો હતાં.
૩૮ એ સર્વ લડવૈયાઓ હતા, જેઓ યુદ્ધ માટે તૈયાર રહેતા હતા. તેઓ દાઉદને આખા ઇઝરાયેલનો રાજા બનાવવા એકદિલ થઈને હેબ્રોન આવ્યા. બાકીના ઇઝરાયેલીઓ પણ દાઉદને રાજા બનાવવા એકમત* હતા.+
૩૯ તેઓએ ત્રણ દિવસ દાઉદ સાથે રહીને ખાધું-પીધું, કેમ કે તેઓના ભાઈઓએ તેઓ માટે તૈયારી કરી હતી.
૪૦ તેઓની નજીક રહેનારાઓ અને છેક ઇસ્સાખાર, ઝબુલોન અને નફતાલીમાં રહેનારાઓ પણ ગધેડાઓ, ઊંટો, ખચ્ચરો અને ઢોરઢાંક પર ખાવાનું લાવ્યા હતા. તેઓ લોટ, અંજીરનાં ચકતાં, સૂકી દ્રાક્ષનાં ચકતાં, દ્રાક્ષદારૂ અને તેલ લાવ્યા હતા. તેઓ ઢોરઢાંક અને ઘેટાં પણ લાવ્યા હતા. ઇઝરાયેલમાં આનંદ આનંદ છવાઈ ગયો હતો.
ફૂટનોટ
^ એટલે કે, એક જ કુળના.
^ એટલે કે, એક જ કુળના.
^ એટલે કે, એક જ કુળના.
^ અથવા, “દાઉદને સાથ આપનારા બે મનના ન હતા.”
^ મૂળ, “એકદિલના.”