પહેલો કાળવૃત્તાંત ૧૩:૧-૧૪
૧૩ દાઉદે હજાર હજારના મુખીઓ, સો સોના મુખીઓ અને દરેક આગેવાન સાથે વાત કરી.+
૨ એ પછી દાઉદે બધા ઇઝરાયેલીઓને* કહ્યું: “જો તમને સારું લાગે અને આપણા ઈશ્વર યહોવાની મંજૂરી હોય, તો એક કામ કરીએ. આપણે ઇઝરાયેલના બધા વિસ્તારોમાં રહેતા આપણા બાકીના ભાઈઓને, શહેરોમાં* રહેતા યાજકોને અને લેવીઓને+ સંદેશો મોકલીએ. તેઓને જણાવીએ કે તેઓ આવીને આપણી સાથે ભેગા મળે.
૩ પછી આપણા ઈશ્વરનો કરારકોશ પાછો લઈ આવીએ.”+ લોકોએ શાઉલના દિવસોમાં એની સંભાળ રાખી ન હતી.+
૪ બધા ઇઝરાયેલીઓ તેની સાથે સહમત થયા, કેમ કે તેઓને એ સારું લાગ્યું.
૫ દાઉદે ઇજિપ્તની નદીથી* છેક લીબો-હમાથ*+ સુધીના બધા ઇઝરાયેલીઓને ભેગા કર્યા, જેથી સાચા ઈશ્વરનો કરારકોશ કિર્યાથ-યઆરીમથી લઈ આવે.+
૬ દાઉદ અને બધા ઇઝરાયેલીઓ સાચા ઈશ્વર યહોવાનો કરારકોશ લઈ આવવા બાઅલાહ,+ એટલે કે કિર્યાથ-યઆરીમ ગયા, જે યહૂદામાં આવેલું છે. લોકો કરારકોશ આગળ, કરૂબો* પર* બિરાજનાર+ ઈશ્વરના નામે જયજયકાર કરતા હતા.
૭ અબીનાદાબના ઘરેથી સાચા ઈશ્વરનો કરારકોશ લઈ આવવા તેઓએ એને નવા ગાડા પર મૂક્યો.+ ઉઝ્ઝાહ અને આહયો ગાડાની આગળ આગળ ચાલતા હતા.+
૮ દાઉદ અને બધા ઇઝરાયેલીઓ સાચા ઈશ્વર આગળ પૂરા દિલથી ખુશી મનાવતા હતા. તેઓ વીણા, તારવાળાં વાજિંત્રો, ખંજરી,+ ઝાંઝ+ અને રણશિંગડાં*+ વગાડતાં વગાડતાં નાચતાં-ગાતાં હતા.
૯ પણ તેઓ કીદોનની ખળી* પાસે પહોંચ્યા ત્યારે, ગાડું ખેંચતા બળદોએ* ઠોકર ખાધી. કરારકોશ પડવાની તૈયારીમાં હતો, એટલે ઉઝ્ઝાહે પોતાનો હાથ લંબાવીને એ પકડી લીધો.
૧૦ એ જોઈને યહોવાનો ગુસ્સો ઉઝ્ઝાહ પર સળગી ઊઠ્યો. ઉઝ્ઝાહે હાથ લંબાવીને કરારકોશ પકડી લીધો હોવાથી તેમણે તેને મારી નાખ્યો.+ તે ઈશ્વર આગળ માર્યો ગયો.+
૧૧ પણ દાઉદને ખોટું લાગ્યું,* કેમ કે ઉઝ્ઝાહ પર યહોવાનો કોપ ઊતરી આવ્યો હતો. એ જગ્યા આજ સુધી પેરેસ-ઉઝ્ઝાહ* તરીકે ઓળખાય છે.
૧૨ એ દિવસે દાઉદને સાચા ઈશ્વરનો ડર લાગ્યો અને તે બોલ્યો: “સાચા ઈશ્વરનો કરારકોશ હું મારા શહેરમાં કઈ રીતે લાવું?”+
૧૩ દાઉદ રહેતો હતો એ દાઉદનગરમાં તે કરારકોશ લાવ્યો નહિ. તે કરારકોશને ગિત્તી ઓબેદ-અદોમના ઘરે લઈ ગયો.
૧૪ સાચા ઈશ્વરનો કરારકોશ ઓબેદ-અદોમના ઘરે ત્રણ મહિના સુધી રહ્યો. યહોવાએ ઓબેદ-અદોમના ઘરના લોકોને અને તેની પાસે જે કંઈ હતું એ બધાને આશીર્વાદ આપ્યો.+
ફૂટનોટ
^ મૂળ, “ઇઝરાયેલના મંડળને.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.
^ મૂળ, “ગૌચરોવાળાં શહેરોમાં.”
^ અથવા, “શીહોરથી.”
^ અથવા, “હમાથના પ્રવેશદ્વાર.”
^ અથવા કદાચ, “વચ્ચે.”
^ મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.
^ અથવા, “આખલાઓએ.”
^ અથવા, “ગુસ્સો આવ્યો.”
^ અર્થ, “ઉઝ્ઝાહ પર ઊતરી આવેલો કોપ.”