પહેલો કાળવૃત્તાંત ૧૪:૧-૧૭

  • દાઉદનું રાજ્ય અડગ થયું (૧, ૨)

  • દાઉદનું કુટુંબ (૩-૭)

  • પલિસ્તીઓની હાર (૮-૧૭)

૧૪  તૂરના રાજા હીરામે+ દાઉદ પાસે સંદેશવાહકો મોકલ્યા. તેણે દાઉદ માટે મહેલ બાંધવા દેવદારનાં લાકડાં, કડિયા અને સુથારો પણ મોકલ્યા.+ ૨  દાઉદને ખાતરી થઈ ગઈ કે યહોવાએ તેને ઇઝરાયેલ પર રાજા બનાવ્યો છે,+ કેમ કે તેમણે પોતાના ઇઝરાયેલી લોકો માટે તેનું રાજ્ય અડગ કર્યું હતું.+ ૩  દાઉદે યરૂશાલેમમાં બીજી પત્નીઓ કરી.+ તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.+ ૪  યરૂશાલેમમાં દાઉદને જે બાળકો થયાં, તેઓનાં નામ આ છે:+ શામ્મૂઆ, શોબાબ, નાથાન,+ સુલેમાન,+ ૫  યિબ્હાર, અલીશૂઆ, એલ્પેલેટ, ૬  નોગાહ, નેફેગ, યાફીઆ, ૭  અલિશામા, બએલ્યાદા અને અલીફેલેટ. ૮  પલિસ્તીઓને ખબર પડી કે ઇઝરાયેલના રાજા તરીકે દાઉદનો અભિષેક થયો છે.+ એટલે તેઓ બધા તેને શોધવા આવ્યા.+ દાઉદને એની જાણ થતાં જ તે તેઓ સામે લડવા ગયો. ૯  પલિસ્તીઓ આવીને રફાઈમની ખીણમાં+ રહેતા લોકો પર હુમલો કરવા લાગ્યા. ૧૦  દાઉદે ઈશ્વરને પૂછ્યું: “શું હું પલિસ્તીઓ સામે લડવા જાઉં? શું તમે તેઓને મારા હાથમાં સોંપી દેશો?” યહોવાએ કહ્યું: “જા, હું તેઓને ચોક્કસ તારા હાથમાં સોંપી દઈશ.”+ ૧૧  એટલે દાઉદ બઆલ-પરાસીમ+ ગયો અને પલિસ્તીઓને હરાવી દીધા. દાઉદે કહ્યું: “જેમ પૂરનું પાણી ધસી આવે, તેમ સાચા ઈશ્વરે મારી આગળ જઈને મારા દુશ્મનોનો નાશ કર્યો.” તેથી દાઉદે એ જગ્યાનું નામ બઆલ-પરાસીમ* પાડ્યું. ૧૨  પલિસ્તીઓ પોતાના દેવોની મૂર્તિઓ ત્યાં જ મૂકી ગયા. એ મૂર્તિઓ દાઉદના હુકમથી બાળી નાખવામાં આવી.+ ૧૩  પછી પલિસ્તીઓએ ફરીથી આવીને ખીણમાં હુમલો કર્યો.+ ૧૪  દાઉદે ફરીથી ઈશ્વરની સલાહ માંગી. સાચા ઈશ્વરે કહ્યું: “તું સીધેસીધો હુમલો ન કરતો. પણ ફરીને તેઓની પાછળ જજે અને બાકા ઝાડીઓની આગળ તેઓ પર હુમલો કરજે.+ ૧૫  જ્યારે બાકા ઝાડીઓમાં કૂચ કરવાનો અવાજ સંભળાય ત્યારે તરત હુમલો કરજે, કેમ કે પલિસ્તીઓના સૈન્યનો સંહાર કરવા સાચા ઈશ્વર તારી આગળ નીકળી ગયા હશે.”+ ૧૬  દાઉદે સાચા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે જ કર્યું.+ તેણે અને તેના માણસોએ ગિબયોનથી ગેઝેર+ સુધી પલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો. ૧૭  દાઉદનું નામ બધા દેશોમાં રોશન થઈ ગયું. યહોવાએ બધી પ્રજાઓમાં તેનો ડર ફેલાવી દીધો.+

ફૂટનોટ

અર્થ, “નાશ કરનાર માલિક.”