પહેલો કાળવૃત્તાંત ૧૫:૧-૨૯

  • લેવીઓ કરારકોશ ઊંચકીને યરૂશાલેમ લાવ્યા (૧-૨૯)

    • મીખાલ દાઉદને નફરત કરે છે (૨૯)

૧૫  દાઉદે પોતાના માટે દાઉદનગરમાં ઘરો બાંધવાનું ચાલુ રાખ્યું. તેણે સાચા ઈશ્વરના કરારકોશ માટે જગ્યા તૈયાર કરી અને એના માટે મંડપ બાંધ્યો.+ ૨  પછી દાઉદે કહ્યું: “સાચા ઈશ્વરનો કરારકોશ લેવીઓ સિવાય કોઈએ ઊંચકવો નહિ. યહોવાનો કરારકોશ ઊંચકવા અને હંમેશાં તેમની સેવા કરવા, યહોવાએ લેવીઓને પસંદ કર્યા છે.”+ ૩  દાઉદે તૈયાર કરેલી જગ્યાએ યહોવાનો કરારકોશ લઈ આવવા,+ તેણે બધા ઇઝરાયેલીઓને યરૂશાલેમમાં ભેગા કર્યા. ૪  દાઉદે હારુનના આ વંશજોને+ અને લેવીઓને+ ભેગા કર્યા: ૫  કહાથીઓમાંથી આગેવાન ઉરીએલ અને તેના ૧૨૦ ભાઈઓ; ૬  મરારીઓમાંથી આગેવાન અસાયા+ અને તેના ૨૨૦ ભાઈઓ; ૭  ગેર્શોમીઓમાંથી આગેવાન યોએલ+ અને તેના ૧૩૦ ભાઈઓ; ૮  અલીસાફાનના+ વંશજોમાંથી આગેવાન શમાયા અને તેના ૨૦૦ ભાઈઓ; ૯  હેબ્રોનના વંશજોમાંથી આગેવાન અલીએલ અને તેના ૮૦ ભાઈઓ; ૧૦  ઉઝ્ઝિએલના+ વંશજોમાંથી આગેવાન અમિનાદાબ અને તેના ૧૧૨ ભાઈઓ. ૧૧  દાઉદે સાદોક+ અને અબ્યાથાર+ યાજકોને બોલાવ્યા. તેણે લેવીઓમાંથી ઉરીએલ, અસાયા, યોએલ, શમાયા, અલીએલ અને અમિનાદાબને પણ બોલાવ્યા. ૧૨  દાઉદે તેઓને કહ્યું: “તમે લેવીઓનાં કુટુંબોના વડાઓ છો. તમે પોતાને અને તમારા ભાઈઓને પવિત્ર કરો. ઇઝરાયેલના ઈશ્વર યહોવાના કરારકોશ માટે મેં જે જગ્યા તૈયાર કરી છે, ત્યાં તમે એને લઈ આવો. ૧૩  પહેલી વાર એ લાવતી વખતે તમે એને ઊંચક્યો ન હતો,+ કેમ કે આપણે તેમના માર્ગદર્શન પ્રમાણે કર્યું ન હતું.+ એટલે આપણા ઈશ્વર યહોવાનો કોપ આપણા પર ઊતરી આવ્યો હતો.”+ ૧૪  ઇઝરાયેલના ઈશ્વર યહોવાનો કરારકોશ લાવવા યાજકો અને લેવીઓએ પોતાને પવિત્ર કર્યા. ૧૫  લેવીઓએ સાચા ઈશ્વરના કરારકોશના દાંડા પકડી ખભા પર ઉઠાવી લીધો.+ યહોવાએ જણાવ્યું હતું અને મૂસાએ આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ તેઓએ કર્યું. ૧૬  દાઉદે લેવીઓના આગેવાનોને કહ્યું કે તેઓના જે ભાઈઓ ગાયક છે, એમાંથી અમુકને પસંદ કરે. તેઓ તારવાળાં વાજિંત્રો, વીણા+ અને ઝાંઝોના+ સંગીત સાથે ખુશીથી ગાય. ૧૭  લેવીઓએ આ ગાયકો પસંદ કર્યા: યોએલનો દીકરો હેમાન,+ તેના ભાઈઓમાંથી બેરેખ્યાનો દીકરો આસાફ+ અને મરારીઓના કુટુંબમાંથી કૂશાયાનો દીકરો એથાન.+ ૧૮  તેઓની સાથે બીજા સમૂહના આ ભાઈઓ હતા:+ ઝખાર્યા, બની, યઅઝીએલ, શમીરામોથ, યહીએલ, ઉન્‍ની, અલીઆબ, બનાયા, માઅસેયા, માત્તિથ્યા, અલીફલેહૂ, મિકનેયા અને દરવાનો ઓબેદ-અદોમ તથા યેઈએલ. ૧૯  ગાયકો હેમાન,+ આસાફ+ અને એથાને તાંબાની ઝાંઝો વગાડવાની હતી.+ ૨૦  ઝખાર્યા, અઝીએલ, શમીરામોથ, યહીએલ, ઉન્‍ની, અલીઆબ, માઅસેયા અને બનાયા અલામોથની* ધૂન+ પર તારવાળાં વાજિંત્રો વગાડતા હતા. ૨૧  માત્તિથ્યા,+ અલીફલેહૂ, મિકનેયા, ઓબેદ-અદોમ, યેઈએલ અને અઝાઝ્યા શમીનીથની* ધૂન પર વીણા વગાડતા હતા,+ જેથી તેઓ સંગીત વગાડવામાં આગેવાની લે. ૨૨  લેવીઓના આગેવાન કનાન્યાએ+ કરારકોશ લઈ જવાની દેખરેખ રાખી, કેમ કે તે કુશળ હતો. ૨૩  બેરેખ્યા અને એલ્કાનાહ કરારકોશના દરવાનો હતા. ૨૪  શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાય, ઝખાર્યા, બનાયા અને એલીએઝર યાજકો સાચા ઈશ્વરના કરારકોશ આગળ જોરશોરથી રણશિંગડાં વગાડતા હતા.+ ઓબેદ-અદોમ અને યહિયા પણ કરારકોશના દરવાનો હતા. ૨૫  દાઉદ, ઇઝરાયેલના વડીલો અને હજાર હજારની ટુકડીના મુખીઓ ઓબેદ-અદોમના ઘરે ગયા,+ જેથી યહોવાનો કરારકોશ આનંદ મનાવતાં મનાવતાં લાવી શકે.+ ૨૬  સાચા ઈશ્વર યહોવાએ લેવીઓને કરારકોશ ઊંચકવા મદદ કરી. એટલે તેઓએ સાત આખલા અને સાત નર ઘેટાનું બલિદાન ચઢાવ્યું.+ ૨૭  દાઉદે બાંય વગરનો શણનો ઝભ્ભો પહેર્યો હતો. કરારકોશ ઊંચકનારા લેવીઓ અને ગાયકોએ એવો જ ઝભ્ભો પહેર્યો હતો. ગાયકોની અને કરારકોશ લઈ જવાની દેખરેખ રાખનાર કનાન્યાએ પણ એવો જ ઝભ્ભો પહેર્યો હતો. દાઉદે શણનો એફોદ* પણ પહેર્યો હતો.+ ૨૮  યહોવાનો કરારકોશ લઈને બધા ઇઝરાયેલીઓ જયજયકાર કરતાં કરતાં આવતા હતા.+ તેઓ રણશિંગડું અને તુરાઈઓના મોટા અવાજ સાથે,+ ઝાંઝો, તારવાળાં વાજિંત્રો અને વીણા વગાડતાં વગાડતાં આવતા હતા.+ ૨૯  યહોવાનો કરારકોશ દાઉદનગર આવ્યો+ ત્યારે, શાઉલની દીકરી મીખાલે+ બારીમાંથી નીચે નજર કરી. તેણે રાજા દાઉદને નાચતો-કૂદતો જોયો અને તેના દિલમાં દાઉદ માટે નફરત જાગી.+

ફૂટનોટ

એટલે કે, ઍપ્રન જેવું વસ્ત્ર. શબ્દસૂચિ જુઓ.