પહેલો કાળવૃત્તાંત ૧૬:૧-૪૩

  • કરારકોશ મંડપમાં મુકાયો (૧-૬)

  • દાઉદે આભાર માનવા રચેલું ગીત (૭-૩૬)

    • “યહોવા રાજા બન્યા છે!” (૩૧)

  • કરારકોશ આગળ સેવા (૩૭-૪૩)

૧૬  તેઓ સાચા ઈશ્વરનો કરારકોશ શહેરમાં લઈ આવ્યા અને દાઉદે એના માટે જે મંડપ બાંધ્યો હતો એમાં મૂક્યો.+ તેઓએ સાચા ઈશ્વર આગળ અગ્‍નિ-અર્પણો અને શાંતિ-અર્પણો* ચઢાવ્યાં.+ ૨  દાઉદે અગ્‍નિ-અર્પણો+ અને શાંતિ-અર્પણો+ ચઢાવ્યાં પછી યહોવાને નામે લોકોને આશીર્વાદ આપ્યો. ૩  તેણે બધા ઇઝરાયેલીઓને, દરેક સ્ત્રી-પુરુષને એક રોટલી, ખજૂરનું એક ચકતું અને સૂકી દ્રાક્ષનું એક ચકતું વહેંચી આપ્યાં. ૪  તેણે અમુક લેવીઓને યહોવાના કરારકોશ આગળ સેવા કરવા પસંદ કર્યા,+ જેથી તેઓ ઇઝરાયેલના ઈશ્વર યહોવાને મહિમા આપે,* તેમનો આભાર માને અને તેમની સ્તુતિ કરે. ૫  આસાફ+ મુખી હતો અને તેના પછી ઝખાર્યા હતો. યેઈએલ, શમીરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલીઆબ, બનાયા, ઓબેદ-અદોમ અને યેઈએલ+ તારવાળાં વાજિંત્રો અને વીણા વગાડતા હતા.+ આસાફ ઝાંઝ વગાડતો હતો.+ ૬  બનાયા અને યાહઝીએલ યાજકો સાચા ઈશ્વરના કરારકોશ આગળ સતત રણશિંગડાં વગાડતા હતા. ૭  એ દિવસે દાઉદે યહોવાનો આભાર માનવા પહેલી વાર એક ગીત રચ્યું. તેણે આસાફ+ અને તેના ભાઈઓને એ ગાવા માટે આપ્યું: ૮  “યહોવાનો આભાર માનો,+ તેમના નામનો પોકાર કરો,લોકોમાં તેમનાં કામો જાહેર કરો!+ ૯  તેમનાં ગીત ગાઓ,* તેમની સ્તુતિ કરો.+ તેમનાં બધાં અજાયબ કામો પર મનન કરો.*+ ૧૦  તેમના પવિત્ર નામને લીધે ગર્વ કરો.+ યહોવાની ભક્તિ કરનારાનાં દિલ ખુશીથી ઝૂમી ઊઠો.+ ૧૧  યહોવાનું માર્ગદર્શન શોધો+ અને તેમની શક્તિ માંગો. તેમની કૃપા માટે વિનંતી કરો.+ ૧૨  તેમણે કરેલાં શાનદાર કામો,+ચમત્કારો અને તેમણે જાહેર કરેલા ન્યાયચુકાદાઓ યાદ કરો. ૧૩  તેમના સેવક ઇઝરાયેલના વંશજો,+તેમના પસંદ કરેલા યાકૂબના દીકરાઓ, એ યાદ કરો.+ ૧૪  યહોવા જ આપણા ઈશ્વર છે.+ તેમના ન્યાયચુકાદાઓની અસર આખી પૃથ્વી પર થાય છે.+ ૧૫  તેમણે હજાર પેઢીઓને આપેલું વચન,*+એટલે કે તેમણે પોતે કરેલો કરાર હંમેશાં યાદ રાખો. ૧૬  એ કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કર્યો હતો+અને ઇસહાક આગળ એના સમ ખાધા હતા.+ ૧૭  એ તેમણે યાકૂબને નિયમ તરીકે+અને ઇઝરાયેલને કાયમી કરાર તરીકે આપ્યો હતો. ૧૮  તેમણે કહ્યું હતું: ‘હું તમને કનાન દેશવારસા તરીકે વહેંચી આપીશ.’+ ૧૯  તેઓની સંખ્યા ઘણી ઓછી, હા, ઘણી જ ઓછી હતીઅને તેઓ એ દેશમાં પરદેશી હતા+ ત્યારે ઈશ્વરે એ કહ્યું હતું. ૨૦  તેઓ એક પ્રજાથી બીજી પ્રજામાં,એક રાજ્યથી બીજા રાજ્યમાં ફરતા હતા.+ ૨૧  ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ.+ પણ તેઓના કારણે તેમણે રાજાઓને સજા આપી.+ ૨૨  તેમણે કહ્યું, ‘મારા અભિષિક્તોને આંગળી પણ લગાડશો નહિ,મારા પ્રબોધકોને* કંઈ નુકસાન કરશો નહિ.’+ ૨૩  આખી પૃથ્વી યહોવા આગળ ગીત ગાઓ! તેમના તરફથી મળનાર ઉદ્ધાર વિશે દરરોજ જાહેર કરો.+ ૨૪  બીજી પ્રજાઓને તેમના ગૌરવ વિશે જણાવો,બધા લોકોમાં તેમનાં અજાયબ કામો જાહેર કરો. ૨૫  યહોવા જ મહાન છે અને તે જ સ્તુતિને યોગ્ય છે. બીજા બધા દેવો કરતાં તે વધારે ભય અને માનને યોગ્ય* છે.+ ૨૬  લોકોના બધા દેવો નકામા છે.+ પણ યહોવા તો આકાશોના સર્જનહાર છે.+ ૨૭  તેમની હજૂરમાં માન-મહિમા* અને ગૌરવ છે.+ તેમના રહેઠાણમાં તાકાત અને આનંદ છે.+ ૨૮  હે લોકોનાં કુળો, યહોવાની સ્તુતિ કરો. તેમનાં મહિમા અને બળ માટે યહોવાની સ્તુતિ કરો.+ ૨૯  યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપો.+ ભેટ લઈને તેમની આગળ આવો.+ પવિત્ર શણગાર સજીને* યહોવાને નમન* કરો.+ ૩૦  આખી પૃથ્વી તેમની આગળ થરથર કાંપો! પૃથ્વીને અડગ રીતે સ્થાપન કરવામાં આવી છે, એને ખસેડી શકાતી નથી.+ ૩૧  આકાશો ખુશી મનાવે અને ધરતી આનંદથી ઝૂમી ઊઠે.+ પ્રજાઓમાં જાહેર કરો: ‘યહોવા રાજા બન્યા છે!’+ ૩૨  સમુદ્ર અને એમાં રહેનારા બધા આનંદનો પોકાર કરે. ખેતરો અને એમાંનું બધું જ હરખાઈ ઊઠે. ૩૩  એ જ સમયે જંગલનાં બધાં વૃક્ષો આનંદથી યહોવા આગળ પોકારી ઊઠે,કેમ કે તે પૃથ્વીનો ન્યાય કરવા આવે* છે. ૩૪  યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે.+ તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.+ ૩૫  તેમને કહો, ‘હે અમારા તારણહાર ઈશ્વર, અમને બચાવો.+ પ્રજાઓમાંથી અમને ભેગા કરો અને અમને છોડાવો,જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ+અને જોરશોરથી તમારી સ્તુતિ ગાઈએ.+ ૩૬  યુગોના યુગો સુધીઇઝરાયેલના ઈશ્વર યહોવાના ગુણગાન ગાવામાં આવે.’” અને બધા લોકોએ કહ્યું, “આમેન!”* તેઓએ યહોવાનો જયજયકાર કર્યો. ૩૭  દાઉદે યહોવાના કરારકોશ આગળ આસાફ+ અને તેના ભાઈઓને પસંદ કર્યા, જેથી તેઓ દરરોજ+ કરારકોશ આગળ સતત સેવા કરે.+ ૩૮  ઓબેદ-અદોમ અને તેના ભાઈઓ મળીને કુલ ૬૮ હતા. તેઓ બધા અને હોસાહ તથા યદૂથૂનનો દીકરો ઓબેદ-અદોમ દરવાનો હતા. ૩૯  યહોવાનો મંડપ ગિબયોનના ભક્તિ-સ્થળમાં* હતો.+ એમાં સાદોક+ યાજક અને તેના સાથી યાજકો સેવા આપતા હતા. ૪૦  તેઓ અગ્‍નિ-અર્પણની વેદી પર યહોવા આગળ સવાર-સાંજ નિયમિત અગ્‍નિ-અર્પણો ચઢાવતા હતા. ઇઝરાયેલને આપેલા યહોવાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓ બધું જ કરતા હતા.+ ૪૧  તેઓની સાથે હેમાન, યદૂથૂન+ અને બીજા પસંદ કરેલા માણસો હતા. તેઓને નામ લઈને પસંદ કરવામાં આવ્યા હતા, જેથી યહોવાનો આભાર માને,+ કેમ કે “તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.”+ ૪૨  તેઓની સાથે હેમાન+ અને યદૂથૂન હતા, જેઓ રણશિંગડું અને ઝાંઝ વગાડતા હતા. તેઓ સાચા ઈશ્વરની સ્તુતિ કરવા વાજિંત્રો વગાડતા હતા. યદૂથૂનના દીકરાઓ+ દરવાનો હતા. ૪૩  ત્યાર બાદ બધા લોકો પોતપોતાનાં ઘરે ગયા. દાઉદ પોતાના ઘરના લોકોને આશીર્વાદ આપવા ગયો.

ફૂટનોટ

મૂળ, “યાદ કરે.”
અથવા, “ગીત ગાવા સંગીત વગાડો.”
અથવા કદાચ, “જાહેર કરો.”
મૂળ, “આપેલી આજ્ઞા.”
અથવા, “અદ્‍ભુત.”
અથવા, “ભવ્યતા.”
અથવા, “ભક્તિ.”
અથવા કદાચ, “તે ભવ્ય અને પવિત્ર હોવાથી.”
અથવા, “આવ્યા.”
અથવા, “એમ થાઓ!” શબ્દસૂચિ જુઓ.
મૂળ, “ઉચ્ચ સ્થાનમાં.” શબ્દસૂચિ જુઓ.