પહેલો કાળવૃત્તાંત ૧૭:૧-૨૭
૧૭ દાઉદ પોતાના મહેલમાં સુખચેનથી રહેતો હતો. તેણે નાથાન+ પ્રબોધકને કહ્યું: “જો, હું દેવદારનાં લાકડાંથી બનેલા મહેલમાં રહું છું,+ જ્યારે કે યહોવાનો કરારકોશ કાપડના મંડપમાં છે.”+
૨ નાથાને દાઉદને જવાબ આપ્યો: “તમારા દિલની જે તમન્ના હોય એ કરો, કેમ કે સાચા ઈશ્વર તમારી સાથે છે.”
૩ એ જ રાતે, નાથાન પાસે ઈશ્વરનો આવો સંદેશો આવ્યો:
૪ “જા અને મારા સેવક દાઉદને કહે, ‘યહોવા આમ જણાવે છે: “મારા માટે રહેવાનું મંદિર તું નહિ બાંધે.+
૫ ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો ત્યારથી લઈને આજ સુધી હું કોઈ મંદિરમાં રહ્યો નથી. હું એક તંબુથી બીજા તંબુમાં અને એક મંડપથી બીજા મંડપમાં ફર્યો છું.*+
૬ બધા ઇઝરાયેલીઓ સાથે હું ફર્યો એ દરમિયાન શું મેં કંઈ કહ્યું હતું? મારા લોકોની સંભાળ રાખવા મેં ઇઝરાયેલના ન્યાયાધીશોને* પસંદ કર્યા હતા. શું મેં તેઓને ક્યારેય કહ્યું હતું, ‘તમે મારા માટે દેવદારનાં લાકડાંનું મંદિર કેમ નથી બાંધ્યું?’”’
૭ “હવે મારા સેવક દાઉદને કહે, ‘સૈન્યોના ઈશ્વર યહોવા જણાવે છે કે “તું ઘેટાં ચરાવતો હતો, ત્યાંથી મેં તને મારા ઇઝરાયેલી લોકો પર આગેવાન થવા બોલાવ્યો.+
૮ તું જ્યાં જ્યાં જઈશ, ત્યાં ત્યાં હું તારી સાથે રહીશ.+ તારી આગળથી તારા બધા દુશ્મનોનો હું સફાયો કરી નાખીશ.+ દુનિયામાં જે મહાન માણસો થઈ ગયા છે, તેઓની જેમ હું તારું નામ પણ મહાન કરીશ.+
૯ હું મારા ઇઝરાયેલી લોકો માટે રહેવાની જગ્યા પસંદ કરીશ અને તેઓ એમાં ઠરીઠામ થશે. તેઓ ત્યાં રહેશે અને હેરાન-પરેશાન થશે નહિ. અગાઉની જેમ તેઓ પર દુષ્ટ માણસો જુલમ કરશે નહિ.+
૧૦ મારા ઇઝરાયેલી લોકો પર મેં ન્યાયાધીશો ઠરાવ્યા+ ત્યારે પણ દુષ્ટો જુલમ કરતા હતા. હું તારા બધા દુશ્મનો પર જીત મેળવીશ.+ હું તને જણાવું છું કે ‘યહોવા તારા માટે ઘર બાંધશે.’*
૧૧ “‘“જ્યારે તારા દિવસો પૂરા થશે અને તારું મરણ થશે,* ત્યારે હું તારા વંશજને ઊભો કરીશ. હા, તારા દીકરાઓમાંથી એકને ઊભો કરીશ.+ હું તેનું રાજ્ય કાયમ માટે ટકાવી રાખીશ.+
૧૨ તે જ મારા નામના મહિમા માટે મંદિર બાંધશે.+ હું તેની રાજગાદી કાયમ ટકાવી રાખીશ.+
૧૩ હું તેનો પિતા થઈશ અને તે મારો દીકરો થશે.+ હું તેના પરથી મારી કૃપા* હટાવી લઈશ નહિ,+ જેમ તારી અગાઉ જે હતો એના પરથી હટાવી લીધી હતી.+
૧૪ મારા મંદિરમાં અને મારા રાજ્યમાં હું તેને હંમેશ માટે અડગ બનાવીશ.+ તેની રાજગાદી કાયમ માટે ટકી રહેશે.”’”+
૧૫ નાથાને દાઉદને એ સંદેશો આપ્યો અને આખા દર્શન વિશે જણાવ્યું.
૧૬ એ સાંભળીને દાઉદ રાજા યહોવાની આગળ આવીને બેઠો અને બોલ્યો: “હે યહોવા ઈશ્વર, હું કોણ અને મારું ઘર કોણ કે તમે મને અહીં સુધી લઈ આવ્યા છો?+
૧૭ હે ઈશ્વર, એટલું જ નહિ, તમે મને એ પણ જણાવ્યું કે તમારા સેવકનું ઘર લાંબા સમય સુધી ટકશે.+ હે યહોવા ઈશ્વર, તમારી કેટલી મહેરબાની કે તમે મને હજુ વધારે મોટો* બનાવો છો.
૧૮ તમે આપેલા માન વિશે તમારો સેવક દાઉદ તમને બીજું શું કહે? તમે તમારા સેવકને સારી રીતે જાણો છો.+
૧૯ હે યહોવા, તમારા સેવકને લીધે અને તમારા દિલની ઇચ્છાને લીધે, તમે આ મોટાં મોટાં કામો કર્યાં છે. તમે બતાવી આપ્યું છે કે તમે કેટલા મહાન છો!+
૨૦ હે યહોવા, અમે જે જે સાંભળ્યું છે, એ સાબિતી આપે છે કે તમારા જેવું કોઈ જ નથી+ અને તમારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.+
૨૧ ધરતી પર તમારા ઇઝરાયેલી લોકો જેવા શું કોઈ બીજા લોકો છે?+ હે સાચા ઈશ્વર, તમે પોતે જઈને તેઓને છોડાવ્યા અને પોતાના લોકો બનાવ્યા.+ તમે મોટા મોટા ચમત્કારો કરીને તમારું નામ મોટું મનાવ્યું.+ તમે તેઓને ઇજિપ્તમાંથી છોડાવી લાવ્યા. તમારા લોકો આગળથી તમે બીજી પ્રજાઓને હાંકી કાઢી.+
૨૨ તમે ઇઝરાયેલીઓને હંમેશ માટે તમારા લોકો તરીકે અપનાવી લીધા.+ હે યહોવા, તમે તેઓના ઈશ્વર બન્યા.+
૨૩ હે યહોવા, તમારા સેવક અને તેના ઘર વિશે આપેલું વચન તમે હંમેશ માટે નિભાવજો. તમે જે વચન આપ્યું છે, એ પ્રમાણે જ થવા દેજો.+
૨૪ તમારું નામ કાયમ ટકી રહે* અને સદાને માટે મોટું મનાય,+ જેથી લોકો કહે કે ‘સૈન્યોના ઈશ્વર યહોવા ઇઝરાયેલના ઈશ્વર છે, સાચે જ ઇઝરાયેલીઓના ઈશ્વર છે.’ તમારી આગળ તમારા સેવક દાઉદનું ઘર કાયમ ટકી રહે+ એવું થવા દો.
૨૫ હે મારા ઈશ્વર, તમે તમારા સેવકને જણાવ્યું છે કે તમે તેના માટે ઘર બાંધશો.* એ કારણે તમારા સેવકે તમને આવી પ્રાર્થના કરવાની હિંમત કરી છે.
૨૬ હે યહોવા, તમે જ સાચા ઈશ્વર છો અને તમે તમારા સેવકને આ આશીર્વાદોનું વચન આપ્યું છે.
૨૭ એટલે કૃપા કરીને તમારા સેવકના ઘરને આશીર્વાદ આપો. એ કાયમ માટે તમારી આગળ ટકી રહે. હે યહોવા, તમે જ આશીર્વાદ આપ્યો છે અને તમારો આશીર્વાદ આ ઘર પર કાયમ રહે.”
ફૂટનોટ
^ કદાચ એનો અર્થ, “હું તંબુઓના એક પડાવથી બીજા પડાવે અને એક ઘરેથી બીજા ઘરે ફર્યો છું.”
^ અથવા, “રાજવંશ સ્થાપશે.”
^ મૂળ, “તું તારા પિતાઓની સાથે ઊંઘી જશે.”
^ અથવા, “મારો અતૂટ પ્રેમ.”
^ અથવા, “તમે મને ઊંચી પદવીનો માણસ.”
^ અથવા, “ભરોસાપાત્ર સાબિત થાય.”
^ અથવા, “રાજવંશ સ્થાપશો.”