પહેલો કાળવૃત્તાંત ૧૮:૧-૧૭
૧૮ અમુક સમય પછી, દાઉદે પલિસ્તીઓને હરાવ્યા અને તાબે કરી લીધા. દાઉદે પલિસ્તીઓના હાથમાંથી ગાથ+ અને એની આસપાસનાં નગરો લઈ લીધાં.+
૨ પછી તેણે મોઆબીઓને હરાવી દીધા.+ મોઆબીઓ દાઉદના ગુલામ બન્યા અને તેને વેરો ભરવા* લાગ્યા.+
૩ દાઉદે હદાદએઝેરને+ હરાવ્યો, જે સોબાહનો+ રાજા હતો. હદાદએઝેર યુફ્રેટિસ નદી+ પાસે પોતાની સત્તા પાછી મેળવવા જતો હતો ત્યારે દાઉદે તેને હમાથ+ પાસે હરાવ્યો.
૪ દાઉદે તેની પાસેથી ૧,૦૦૦ રથો, ૭,૦૦૦ ઘોડેસવારો અને ૨૦,૦૦૦ પાયદળ સૈનિકો કબજે કર્યા.+ તેણે રથના ૧૦૦ ઘોડા બાકી રાખીને બીજા બધા ઘોડાઓના પગની નસો કાપી નાખી.+
૫ દમસ્કમાં રહેતા સિરિયાના લોકો સોબાહના રાજા હદાદએઝેરને મદદ કરવા દોડી આવ્યા. દાઉદે સિરિયાના ૨૨,૦૦૦ માણસોને મારી નાખ્યા.+
૬ પછી દાઉદે દમસ્કના સિરિયામાં ચોકીઓ ગોઠવી. સિરિયાના માણસો દાઉદના ગુલામ બન્યા અને તેને વેરો ભરવા* લાગ્યા. દાઉદ જ્યાં પણ જતો, યહોવા તેને જીત અપાવતા.*+
૭ દાઉદે હદાદએઝેરના ચાકરો પાસેથી સોનાની ઢાલો લઈ લીધી અને એ યરૂશાલેમ લઈ આવ્યો.
૮ હદાદએઝેરનાં શહેરો ટિબ્હાથ અને કૂનમાંથી દાઉદ ઢગલેબંધ તાંબું લઈ આવ્યો. એમાંથી સુલેમાને તાંબાનો હોજ,*+ સ્તંભો અને તાંબાનાં વાસણો+ બનાવ્યાં.
૯ હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાહના+ રાજા હદાદએઝેરના+ લશ્કરને ધૂળ ચાટતું કરી દીધું છે.
૧૦ તરત જ તોઉએ પોતાના દીકરા હદોરામને રાજા દાઉદ પાસે મોકલ્યો. તોઉએ દાઉદના ખબરઅંતર પુછાવ્યા અને શાબાશી આપી, કારણ કે દાઉદે હદાદએઝેર સામે લડાઈ કરીને તેને હરાવ્યો હતો. (હદાદએઝેર ઘણી વાર તોઉ સામે યુદ્ધ કરતો હતો.) હદોરામ પોતાની સાથે સોના-ચાંદી અને તાંબામાંથી બનાવેલી વસ્તુઓ દાઉદ માટે લઈ આવ્યો.
૧૧ રાજા દાઉદે એ બધું યહોવા માટે પવિત્ર કર્યું,+ જે રીતે તેણે પ્રજાઓ પાસેથી મેળવેલું સોનું અને ચાંદી પવિત્ર કર્યું હતું. એટલે કે, અદોમીઓ, મોઆબીઓ, આમ્મોનીઓ,+ પલિસ્તીઓ+ અને અમાલેકીઓ+ પાસેથી મેળવેલું સોનું અને ચાંદી.
૧૨ સરૂયાના દીકરા+ અબીશાયે+ ૧૮,૦૦૦ અદોમીઓને મીઠાની ખીણમાં મારી નાખ્યા.+
૧૩ તેણે અદોમમાં ચોકીઓ ગોઠવી અને બધા અદોમીઓ દાઉદના ગુલામ બન્યા.+ દાઉદ જ્યાં પણ જતો, યહોવા તેને જીત અપાવતા.*+
૧૪ દાઉદ આખા ઇઝરાયેલ પર રાજ કરતો રહ્યો.+ તે પોતાના બધા લોકોનો અદ્દલ ઇન્સાફ કરતો અને સચ્ચાઈથી રાજ કરતો.+
૧૫ સરૂયાનો દીકરો યોઆબ સેનાપતિ હતો+ અને અહીલૂદનો દીકરો યહોશાફાટ+ ઇતિહાસકાર હતો.
૧૬ અહીટૂબનો દીકરો સાદોક અને અબ્યાથારનો દીકરો અહીમેલેખ યાજકો હતા અને શાવ્શા મંત્રી* હતો.
૧૭ કરેથીઓ+ અને પલેથીઓનો+ ઉપરી યહોયાદાનો દીકરો બનાયા હતો. દાઉદના દીકરાઓ રાજા પછીની પદવી પર હતા.
ફૂટનોટ
^ અથવા, “ભેટો આપવા.”
^ અથવા, “ભેટો આપવા.”
^ અથવા, “તેનો ઉદ્ધાર કરતા.”
^ મૂળ, “ધાતુનો સમુદ્ર.”
^ અથવા, “તેનો ઉદ્ધાર કરતા.”