પહેલો કાળવૃત્તાંત ૧૯:૧-૧૯

  • આમ્મોનીઓએ દાઉદના માણસોનું અપમાન કર્યું (૧-૫)

  • આમ્મોન અને સિરિયા પર જીત (૬-૧૯)

૧૯  પછી આમ્મોનીઓના રાજા નાહાશનું મરણ થયું અને તેનો દીકરો તેની જગ્યાએ રાજા બન્યો.+ ૨  એ સાંભળીને દાઉદે કહ્યું: “હું નાહાશના દીકરા હાનૂન પર કૃપા* બતાવીશ,+ જેમ તેના પિતાએ મારા પર કૃપા બતાવી હતી.” દાઉદે હાનૂનને દિલાસો આપવા માણસો મોકલ્યા, કેમ કે તેના પિતાનું મરણ થયું હતું. પણ દાઉદના સેવકો હાનૂનને દિલાસો આપવા આમ્મોનીઓના+ દેશમાં પહોંચ્યા ત્યારે, ૩  આમ્મોનીઓના આગેવાનોએ હાનૂનને કહ્યું: “શું તમને એવું લાગે છે કે દાઉદે તમને દિલાસો આપવા અને તમારા પિતાને માન આપવા સેવકો મોકલ્યા છે? શું દાઉદે પોતાના સેવકોને દેશની તપાસ કરવા અને જાસૂસી કરવા નથી મોકલ્યા, જેથી એને ઊથલાવી નાખે?” ૪  હાનૂને દાઉદના સેવકોને પકડી લીધા. તેણે તેઓની દાઢી મૂંડાવી નાખી+ અને તેઓનાં કપડાં કમર નીચેથી કાપી નાખીને તેઓને પાછા મોકલી આપ્યા. ૫  દાઉદને એ સેવકો વિશે ખબર આપવામાં આવી. દાઉદે તરત તેઓને મળવા માણસો મોકલ્યા, કેમ કે તેઓનું ઘોર અપમાન થયું હતું. રાજાએ તેઓને જણાવ્યું: “તમારી દાઢી પાછી ઊગે ત્યાં સુધી યરીખોમાં+ રહેજો અને પછી આવજો.” ૬  સમય જતાં, આમ્મોનીઓ સમજી ગયા કે તેઓએ દાઉદ સાથે દુશ્મની વહોરી લીધી છે. એટલે હાનૂન અને આમ્મોનીઓએ રથ તથા ઘોડેસવારો ભાડે રાખ્યા. એ માટે તેઓએ મેસોપોટેમિયા,* અરામ-માખાહ અને સોબાહના+ લોકોને ૧,૦૦૦ તાલંત* ચાંદી મોકલી. ૭  તેઓએ માખાહના રાજા, તેના લોકો અને ૩૨,૦૦૦ રથો ભાડે રાખ્યા. તેઓએ આવીને મેદબા+ આગળ છાવણી નાખી. આમ્મોનીઓ ભેગા થઈને પોતાનાં શહેરોમાંથી લડાઈ માટે નીકળી આવ્યા. ૮  દાઉદે એ સાંભળ્યું ત્યારે, તેણે યોઆબ+ અને આખા સૈન્યને પોતાના શૂરવીર યોદ્ધાઓ સાથે મોકલ્યા.+ ૯  આમ્મોનીઓનું લશ્કર શહેરના દરવાજા પાસે લડવા માટે ગોઠવાઈ ગયું, જ્યારે કે રાજાઓ ખુલ્લા મેદાનમાં ગોઠવાઈ ગયા. ૧૦  યોઆબે જોયું કે લશ્કર આગળ અને પાછળથી તેની સામે લડવા આવી રહ્યું છે. તેણે ઇઝરાયેલના સૌથી સારા સૈનિકો પસંદ કર્યા અને સિરિયાના લશ્કર* સામે યુદ્ધ કરવા ગોઠવી દીધા.+ ૧૧  યોઆબે બાકીના માણસોને પોતાના ભાઈ અબીશાયના+ હાથ નીચે રાખ્યા, જેથી તેઓ આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા ગોઠવાઈ જાય. ૧૨  પછી તેણે અબીશાયને કહ્યું: “જો હું સિરિયાના+ લશ્કરને પહોંચી ન વળું, તો તું આવીને મને બચાવજે. જો તું આમ્મોનીઓને પહોંચી ન વળે, તો હું આવીને તને બચાવીશ. ૧૩  આપણે આપણા લોકો માટે અને આપણા ઈશ્વરનાં શહેરો માટે બળવાન અને હિંમતવાન બનીએ.+ પછી યહોવાને જે સારું લાગે એ કરશે.” ૧૪  યોઆબ અને તેના માણસો સિરિયાના લશ્કર સામે લડવા આગળ વધ્યા. સિરિયાનું લશ્કર તેઓ આગળથી નાસી છૂટ્યું.+ ૧૫  જ્યારે આમ્મોનીઓએ જોયું કે સિરિયાનું લશ્કર નાસી છૂટ્યું છે, ત્યારે તેઓ પણ યોઆબના ભાઈ અબીશાય આગળથી નાસી છૂટ્યા અને શહેરમાં ભરાઈ ગયા. એ પછી યોઆબ યરૂશાલેમ આવ્યો. ૧૬  સિરિયાના માણસોએ જોયું કે પોતે ઇઝરાયેલીઓ આગળ હાર ખાધી છે ત્યારે, તેઓએ સંદેશો મોકલીને યુફ્રેટિસ નદીના+ વિસ્તારમાંથી સિરિયાના લશ્કરને બોલાવ્યું. હદાદએઝેરનો સેનાપતિ શોફાખ એ લશ્કરની આગેવાની લેતો હતો.+ ૧૭  એની ખબર મળતાં જ દાઉદે ઇઝરાયેલનું આખું લશ્કર ભેગું કર્યું. તે તેઓની સાથે યર્દન પાર કરીને દુશ્મનો સામે ગયો અને લશ્કર ગોઠવી દીધું. દાઉદનું લશ્કર સિરિયા સામે યુદ્ધ કરવા ગોઠવાઈ ગયું અને તેની સામે લડાઈ કરી.+ ૧૮  પણ ઇઝરાયેલ આગળથી સિરિયાનું લશ્કર ભાગવા લાગ્યું. દાઉદે સિરિયાના ૭,૦૦૦ રથસવારો અને ૪૦,૦૦૦ પાયદળ સૈનિકોને મારી નાખ્યા. તેણે તેઓના સેનાપતિ શોફાખને પણ ખતમ કરી નાખ્યો. ૧૯  હદાદએઝેરના સેવકોએ જોયું કે તેઓએ ઇઝરાયેલ આગળ હાર ખાધી છે.+ તેઓએ તરત દાઉદ સાથે સુલેહ-શાંતિ કરી અને તેને શરણે થઈ ગયા.+ ત્યાર બાદ, સિરિયાએ ક્યારેય આમ્મોનીઓને મદદ કરી નહિ.

ફૂટનોટ

અથવા, “અતૂટ પ્રેમ.”
મૂળ, “અરામ-નાહરાઇમ.”
એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
૧કા ૧૯:૬, ૭માં જણાવેલા લશ્કરની વાત થાય છે.