પહેલો કાળવૃત્તાંત ૨૦:૧-૮
૨૦ બધા રાજાઓ વર્ષની શરૂઆતમાં* યુદ્ધ કરવા જતા. એ સમયે યોઆબ+ સૈન્ય લઈને લડવા ગયો અને તેણે આમ્મોનીઓના દેશને ખેદાન-મેદાન કરી નાખ્યો. તેણે જઈને રાબ્બાહ+ ઘેરી લીધું, પણ દાઉદ યરૂશાલેમમાં રહ્યો.+ યોઆબે રાબ્બાહ પર હુમલો કરીને એને તોડી પાડ્યું.+
૨ દાઉદે માલ્કામના* માથા પરથી મુગટ ઉતારી લીધો. એ મુગટના સોનાનું વજન એક તાલંત* હતું અને એ કીમતી રત્નોથી જડેલો હતો. એ મુગટ દાઉદના માથા પર મૂકવામાં આવ્યો. દાઉદ એ શહેરમાંથી પુષ્કળ લૂંટ પણ લઈ આવ્યો.+
૩ દાઉદ એ શહેરના લોકોને પણ લઈ આવ્યો. તેણે તેઓને પથ્થર કાપવાના કામે લગાડ્યા, લોઢાનાં અણીદાર સાધનો અને કુહાડીઓ વડે મજૂરી કરાવી.+ આમ્મોનીઓનાં બધાં શહેરોના દાઉદે આવા જ હાલ કર્યા. પછી દાઉદ પોતાના આખા લશ્કર સાથે યરૂશાલેમ પાછો ફર્યો.
૪ પછી ગેઝેરમાં પલિસ્તીઓ સામે યુદ્ધ થયું. એ સમયે હૂશાના સિબ્બખાયે+ રફાઈમના+ વંશજ સિપ્પાયને મારી નાખ્યો અને પલિસ્તીઓ હારી ગયા.
૫ ફરીથી પલિસ્તીઓ સામે યુદ્ધ થયું. યાઈરના દીકરા એલ્હાનાને ગિત્તી ગોલ્યાથના+ ભાઈ લાહ્મીને મારી નાખ્યો. લાહ્મીના ભાલાનો દાંડો વણકરની તોર* જેવો હતો.+
૬ ગાથમાં+ ફરીથી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર+ માણસ હતો. તેના બંને હાથે ૬ આંગળીઓ અને બંને પગે ૬ આંગળીઓ, કુલ ૨૪ આંગળીઓ હતી. તે પણ રફાઈમનો વંશજ હતો.+
૭ તે ઇઝરાયેલને લલકારતો હતો.+ એટલે દાઉદના ભાઈ શિમઆના+ દીકરા યોનાથાને તેને મારી નાખ્યો.
૮ રફાઈમના+ એ વંશજો ગાથના+ હતા. તેઓ દાઉદ અને તેના સેવકોના હાથે માર્યા ગયા.
ફૂટનોટ
^ એટલે કે, વસંત ૠતુ.
^ એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ વણેલું કાપડ વીંટવા માટે વપરાતો દાંડો.