પહેલો કાળવૃત્તાંત ૨૨:૧-૧૯

  • દાઉદે મંદિર માટે કરેલી તૈયારીઓ (૧-૫)

  • દાઉદ સુલેમાનને સૂચનાઓ આપે છે (૬-૧૬)

  • સુલેમાનને મદદ કરવા આગેવાનોને હુકમ (૧૭-૧૯)

૨૨  પછી દાઉદે કહ્યું: “સાચા ઈશ્વર યહોવાનું મંદિર અહીં બનશે અને ઇઝરાયેલીઓ અહીં વેદી પર અગ્‍નિ-અર્પણ ચઢાવશે.”+ ૨  દાઉદે ઇઝરાયેલ દેશમાં રહેતા પરદેશીઓને+ ભેગા કરવાનો હુકમ આપ્યો. તેણે તેઓને પથ્થર કાપવાનું કામ સોંપ્યું, જેથી તેઓ સાચા ઈશ્વરના મંદિર માટે પથ્થરો કાપે અને ઘાટ આપે.+ ૩  દાઉદે દરવાજાનાં પાંખિયાં માટેના ખીલા અને મિજાગરાં બનાવવા પુષ્કળ લોઢું ભેગું કર્યું. તેણે એટલું બધું તાંબું પણ ભેગું કર્યું કે એને તોળી ન શકાય.+ ૪  તેણે દેવદારનાં લાકડાં+ પણ ભેગાં કર્યાં, જેની કોઈ ગણતરી ન હતી. સિદોન+ અને તૂરના+ લોકો દાઉદ માટે દેવદારનાં પુષ્કળ લાકડાં લાવ્યા હતા. ૫  દાઉદે કહ્યું: “યહોવા માટે તો ભવ્ય અને શાનદાર મંદિર બનવું જોઈએ.+ એ એટલું સુંદર હોય+ કે બધા દેશોમાં જાણીતું થઈ જાય.+ મારો દીકરો સુલેમાન હજુ તો યુવાન છે. તેને કોઈ અનુભવ નથી.+ એટલે હું તેના માટે બધી તૈયારી કરી રાખું.” દાઉદે પોતાના મરણ પહેલાં પુષ્કળ માલ-સામાન ભેગો કર્યો. ૬  દાઉદે પોતાના દીકરા સુલેમાનને બોલાવ્યો અને તેને ઇઝરાયેલના ઈશ્વર યહોવાનું મંદિર બાંધવા વિશે સૂચનાઓ આપી. ૭  દાઉદે પોતાના દીકરા સુલેમાનને જણાવ્યું: “મારા ઈશ્વર યહોવાના નામને મહિમા મળે, એ માટે મંદિર બાંધવાની મારા દિલની તમન્‍ના હતી.+ ૮  પણ યહોવાએ મને જણાવ્યું, ‘તેં ઘણું લોહી વહાવ્યું છે અને મોટી મોટી લડાઈઓ લડી છે. મારા નામને મહિમા આપવા માટે તું મંદિર નહિ બાંધે,+ કેમ કે મારી આગળ પૃથ્વી પર તેં ઘણું લોહી વહાવ્યું છે. ૯  પણ તને દીકરો થશે,+ જે શાંતિ ચાહનાર હશે. હું તેને આસપાસના બધા દુશ્મનોથી શાંતિ આપીશ.+ તેનું નામ સુલેમાન*+ હશે અને તેના દિવસોમાં આખા ઇઝરાયેલમાં સુખ-શાંતિ હશે.+ ૧૦  મારા નામને મહિમા આપવા તે જ મારું મંદિર બાંધશે.+ તે મારો દીકરો બનશે અને હું તેનો પિતા થઈશ.+ ઇઝરાયેલ પર હું તેની રાજગાદી કાયમ માટે સ્થાપીશ.’+ ૧૧  “હવે મારા દીકરા, યહોવા તારી સાથે હોય. તારા વિશે તેમણે જે કહ્યું છે, એ પ્રમાણે યહોવા તારા ઈશ્વરનું મંદિર બાંધવામાં તું સફળ થા.+ ૧૨  યહોવા તને ઇઝરાયેલ પર અધિકાર આપે ત્યારે, તે તને બુદ્ધિ અને સમજણ આપે,+ જેથી તું તારા ઈશ્વર યહોવાના નિયમો પાળે.+ ૧૩  યહોવાએ જે નિયમો અને કાયદા-કાનૂન ઇઝરાયેલને આપવાની મૂસાને આજ્ઞા કરી હતી,+ એ જો તું ધ્યાનથી પાળીશ,+ તો તું સફળ થઈશ. હિંમતવાન અને બળવાન થા. ડરીશ નહિ કે ગભરાઈશ નહિ.+ ૧૪  મેં સખત મહેનત કરીને યહોવાના મંદિર માટે ૧,૦૦,૦૦૦ તાલંત* સોનું અને ૧૦,૦૦,૦૦૦ તાલંત ચાંદી ભેગાં કર્યાં છે. તાંબું અને લોઢું+ તો એટલું બધું છે કે તોળી ન શકાય. મેં લાકડાં અને પથ્થરો+ પણ ભેગાં કર્યાં છે, તું એમાં ઉમેરો કરતો રહેજે. ૧૫  તારી પાસે ઘણા કારીગરો છે, જેમ કે પથ્થર કાપનારાઓ, કડિયાઓ,+ સુથારો અને બધી રીતે હોશિયાર કારીગરો.+ ૧૬  તારી પાસે એટલું બધું સોનું, ચાંદી, તાંબું અને લોઢું છે, જેનો કોઈ હિસાબ નથી.+ ઊઠ અને કામ શરૂ કર. યહોવા તારી સાથે રહો!”+ ૧૭  દાઉદે પોતાના દીકરા સુલેમાનને મદદ કરવા ઇઝરાયેલના બધા આગેવાનોને આવો હુકમ કર્યો: ૧૮  “શું યહોવા તમારા ઈશ્વર તમારી સાથે નથી? શું તેમણે તમને ચારે બાજુથી શાંતિ આપી નથી? તેમણે દેશના લોકોને મારા હાથમાં સોંપી દીધા છે. યહોવા અને તેમના લોકો આગળ દેશ હારી ગયો છે. ૧૯  હવે તમારા ઈશ્વર યહોવાને પૂરા દિલથી અને પૂરા જીવથી ભજવાનું નક્કી કરો.+ સાચા ઈશ્વર યહોવાનું મંદિર* બાંધવાનું શરૂ કરી દો.+ પછી યહોવાના નામને મહિમા આપવા માટે બંધાયેલા એ મંદિરમાં+ તમે યહોવાનો કરારકોશ અને સાચા ઈશ્વરનાં પવિત્ર વાસણો લઈ જજો.”+

ફૂટનોટ

આ નામ હિબ્રૂ શબ્દ પરથી છે, જેનો અર્થ થાય, “શાંતિ.”
એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
શબ્દસૂચિમાં “પવિત્ર જગ્યા” જુઓ.