પહેલો કાળવૃત્તાંત ૨૩:૧-૩૨

  • દાઉદ લેવીઓની ગોઠવણ કરે છે (૧-૩૨)

    • હારુન અને તેના દીકરાઓ અલગ કરાયા (૧૩)

૨૩  દાઉદ વૃદ્ધ થયો હતો અને તેની ઘણી ઉંમર થઈ હતી. એટલે તેણે પોતાના દીકરા સુલેમાનને ઇઝરાયેલનો રાજા બનાવ્યો.+ ૨  તેણે ઇઝરાયેલના બધા આગેવાનો, યાજકો+ અને લેવીઓને+ ભેગા કર્યા. ૩  જે લેવીઓ ૩૦ વર્ષ કે એનાથી મોટી ઉંમરના હતા, તેઓની ગણતરી કરવામાં આવી.+ તેઓની સંખ્યા ૩૮,૦૦૦ હતી. ૪  એમાંથી ૨૪,૦૦૦ લેવીઓ યહોવાના મંદિરના કામની દેખરેખ રાખતા હતા, ૬,૦૦૦ અધિકારીઓ અને ન્યાયાધીશો હતા,+ ૫  ૪,૦૦૦ દરવાનો+ હતા અને ૪,૦૦૦ યહોવાની સ્તુતિ કરવા+ વાજિંત્રો વગાડતા હતા. એ વાજિંત્રો વિશે દાઉદે કહ્યું હતું, “એ વાજિંત્રો મેં સ્તુતિ કરવા બનાવેલાં છે.” ૬  પછી દાઉદે લેવીના દીકરાઓ પ્રમાણે આ સમૂહો પાડ્યા:*+ ગેર્શોન, કહાથ અને મરારી.+ ૭  ગેર્શોનીઓમાં લાઅદાન અને શિમઈ. ૮  લાઅદાનના ત્રણ દીકરાઓ હતા, યહીએલ, ઝેથામ અને યોએલ.+ યહીએલ કુટુંબનો મુખી હતો. ૯  શિમઈના* ત્રણ દીકરાઓ હતા, શલોમોથ, હઝીએલ અને હારાન. તેઓ લાઅદાનના પિતાનાં કુટુંબોના વડાઓ હતા. ૧૦  શિમઈના દીકરાઓ યાહાથ, ઝીના,* યેઉશ અને બરીઆહ હતા. એ ચાર દીકરાઓ શિમઈના હતા. ૧૧  તેઓમાં યાહાથ વડો હતો, તેના પછી ઝીઝાહ હતો. યેઉશ અને બરીઆહને ઘણા દીકરાઓ ન હતા. એટલે તેઓ પિતાના એક કુટુંબ તરીકે ગણાયા અને તેઓને એક જવાબદારી સોંપવામાં આવી. ૧૨  કહાથના ચાર દીકરાઓ હતા, આમ્રામ, યિસ્હાર,+ હેબ્રોન અને ઉઝ્ઝિએલ.+ ૧૩  આમ્રામના દીકરાઓ હારુન+ અને મૂસા+ હતા. પણ હારુનને પરમ પવિત્ર સ્થાન* શુદ્ધ કરવા કાયમ માટે અલગ કરવામાં આવ્યો હતો.+ હા, તેને અને તેના દીકરાઓને યહોવા આગળ બલિદાનો ચઢાવવાનું, તેમની સેવા કરવાનું અને હંમેશાં તેમના નામે આશીર્વાદ આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું.+ ૧૪  સાચા ઈશ્વરના ભક્ત મૂસાના દીકરાઓનાં નામ લેવીઓના કુળમાં ગણવામાં આવ્યાં. ૧૫  મૂસાના દીકરાઓ ગેર્શોમ+ અને એલીએઝર+ હતા. ૧૬  ગેર્શોમના દીકરાઓમાં શબુએલ+ મુખી હતો. ૧૭  એલીએઝરના વંશજોમાં* રહાબ્યા+ મુખી હતો. એલીએઝરને બીજા દીકરાઓ ન હતા. પણ રહાબ્યાને ઘણા દીકરાઓ હતા. ૧૮  યિસ્હારના+ દીકરાઓમાં શલોમીથ+ મુખી હતો. ૧૯  હેબ્રોનના દીકરાઓમાં યરિયા મુખી હતો, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામઆમ+ હતો. ૨૦  ઉઝ્ઝિએલના દીકરાઓમાં+ મીખાહ મુખી હતો અને બીજો યિશ્શિયા હતો. ૨૧  મરારીના દીકરાઓ માહલી અને મૂશી હતા.+ માહલીના દીકરાઓ એલઆઝાર અને કીશ હતા. ૨૨  એલઆઝારનું મરણ થયું. પણ તેને કોઈ દીકરો ન હતો, ફક્ત દીકરીઓ હતી. એટલે તેઓનાં સગાંમાંથી* કીશના દીકરાઓએ તેઓની સાથે લગ્‍ન કર્યું. ૨૩  મૂશીના ત્રણ દીકરાઓ હતા, માહલી, એદેર અને યરેમોથ. ૨૪  એ બધા લેવીઓના દીકરાઓ હતા, જેઓની નોંધ તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે, એટલે કે પિતાનાં કુટુંબોના વડાઓ પ્રમાણે થઈ હતી. તેઓની ગણતરી થઈ હતી અને તેઓનાં નામની યાદી બનાવવામાં આવી હતી. તેઓ યહોવાના મંદિરમાં સેવા આપવાની અલગ અલગ જવાબદારીઓ ઉપાડતા હતા. તેઓની ઉંમર ૨૦ વર્ષ કે એનાથી વધારે હતી. ૨૫  દાઉદે કહ્યું હતું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ પોતાના લોકોને શાંતિ આપી છે.+ તે યરૂશાલેમમાં હંમેશ માટે રહેશે.+ ૨૬  લેવીઓએ મંડપ અથવા ભક્તિ માટેનો કોઈ સામાન ઊંચકવો નહિ પડે.”+ ૨૭  દાઉદનાં છેલ્લાં સૂચનો પ્રમાણે, ૨૦ વર્ષ કે એનાથી વધારે ઉંમરના લેવીઓની ગણતરી કરવામાં આવી હતી. ૨૮  તેઓએ યહોવાના મંદિરમાં સેવા આપતા હારુનના દીકરાઓને+ મદદ કરવાની હતી. તેઓએ આંગણાં,*+ ભોજનખંડો અને દરેક પવિત્ર વસ્તુને શુદ્ધ કરવાના કામ પર દેખરેખ રાખવાની હતી. સાચા ઈશ્વરના મંદિરમાં સેવાના કોઈ પણ કામમાં મદદ કરવાની હતી. ૨૯  તેઓ અર્પણની રોટલી માટે મદદ કરતા હતા.+ અનાજ-અર્પણ માટે મેંદો, ખમીર* વગરના પાપડ,+ તવા રોટલીઓ, બાંધેલો લોટ+ અને એ બધાના તોલમાપમાં પણ તેઓ મદદ કરતા હતા. ૩૦  તેઓએ રોજ સવારે+ યહોવાનો આભાર માનવા અને સ્તુતિ કરવા ઊભા રહેવાનું હતું. તેઓએ સાંજે પણ એમ જ કરવાનું હતું.+ ૩૧  સાબ્બાથ,+ ચાંદરાત*+ અને તહેવારોના સમયે+ જ્યારે પણ યહોવાને અગ્‍નિ-અર્પણો ચઢાવવામાં આવતાં, ત્યારે તેઓએ મદદ કરવાની હતી. એ વિશે આપેલા નિયમો પ્રમાણે જેટલાની જરૂર હોય, એટલા લેવીઓ યહોવા આગળ સતત સેવા કરતા. ૩૨  તેઓ મંડપની અને પવિત્ર સ્થાનની* પોતાની જવાબદારીઓ નિભાવતા હતા. તેઓ પોતાના ભાઈઓ, એટલે કે હારુનના દીકરાઓને પણ યહોવાના મંદિરમાં સેવા આપવા મદદ કરતા હતા.

ફૂટનોટ

અથવા, “બનાવ્યા.”
આ શિમઈ ૧કા ૨૩:૭, ૧૦માં જણાવેલા શિમઈ કરતાં જુદો છે.
મૂળ, “દીકરાઓમાં.”
મૂળ, “ભાઈઓમાંથી.”