પહેલો કાળવૃત્તાંત ૨૮:૧-૨૧

  • મંદિરના બાંધકામ વિશે દાઉદના બે બોલ (૧-૮)

  • સુલેમાનને સૂચનાઓ, બાંધકામનો નકશો આપ્યો (૯-૨૧)

૨૮  પછી દાઉદે ઇઝરાયેલના આ બધા આગેવાનોને યરૂશાલેમમાં ભેગા કર્યા: કુળોના આગેવાનો, રાજાની સેવા કરતા સમૂહોના મુખીઓ,+ હજાર હજાર અને સો સોની ટુકડીના મુખીઓ,+ રાજાની અને તેના દીકરાઓની બધી માલ-મિલકત તથા ઢોરઢાંકની દેખરેખ રાખનારાઓ.+ દાઉદે તેઓની સાથે રાજદરબારીઓને, દરેક શૂરવીર અને હોશિયાર માણસને પણ બોલાવ્યા.+ ૨  દાઉદ રાજાએ ઊભા થઈને કહ્યું: “મારા ભાઈઓ અને મારા લોકો, સાંભળો. મારા દિલની તમન્‍ના હતી કે યહોવાનો કરારકોશ રાખવા એક મંદિર બાંધું, જે આપણા ઈશ્વરના પગનું આસન બને.+ એ બાંધવાની બધી તૈયારીઓ મેં કરી લીધી હતી.+ ૩  પણ સાચા ઈશ્વરે મને કહ્યું, ‘મારા નામને મહિમા આપવા માટે તું મંદિર નહિ બાંધે,+ કેમ કે તેં લડાઈઓ લડી છે અને લોહી વહાવ્યું છે.’+ ૪  ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ ઇઝરાયેલ પર કાયમ રાજ કરવા મારા પિતાના કુટુંબમાંથી મને પસંદ કર્યો.+ તેમણે યહૂદાને આગેવાન તરીકે પસંદ કર્યો.+ યહૂદા કુળમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યું.+ મારા પિતાના દીકરાઓમાંથી મને પસંદ કર્યો અને આખા ઇઝરાયેલ પર રાજા બનાવ્યો.+ ૫  યહોવાએ મને ઘણા દીકરાઓ આપ્યા છે.+ તેઓમાંથી ઇઝરાયેલ પર યહોવાની રાજગાદીએ બેસવા+ તેમણે મારા દીકરા સુલેમાનને+ પસંદ કર્યો છે. ૬  “તેમણે મને કહ્યું, ‘તારો દીકરો સુલેમાન મારા માટે મંદિર અને આંગણાઓ બાંધશે. તે મારો દીકરો બનશે અને હું તેનો પિતા થઈશ.+ ૭  તે હમણાં કરે છે તેમ, જો તે મક્કમ મનથી મારી આજ્ઞાઓ અને મારા કાયદા-કાનૂન પાળશે,+ તો હું તેની રાજગાદી કાયમ માટે સ્થાપીશ.’+ ૮  એટલે હું આખા ઇઝરાયેલ સામે, યહોવાના લોકો* સામે અને આપણા ઈશ્વર સાંભળે એમ જણાવું છું: તમારા ઈશ્વર યહોવાની બધી આજ્ઞાઓ સમજો અને પાળો. એમ કરશો તો તમે સારા દેશનો વારસો મેળવશો.+ તમે એ કાયમ માટેના વારસા તરીકે તમારા દીકરાઓને આપશો. ૯  “સુલેમાન મારા દીકરા, તું તારા પિતાના ઈશ્વરને સારી રીતે ઓળખ. પૂરા દિલથી અને રાજીખુશીથી તેમની ભક્તિ કર.+ યહોવા બધાનાં દિલની પરખ કરે છે.+ તે દરેકના ઇરાદાઓ અને વિચારો જાણે છે.+ જો તું તેમની શોધ કરીશ, તો તે તને મળશે.+ જો તું તેમને છોડી દઈશ તો તે સદાને માટે તને છોડી દેશે.+ ૧૦  યાદ રાખ, યહોવાએ તને પસંદ કર્યો છે કે તું એક મંદિર બાંધે, હા, પવિત્ર જગ્યા બનાવે. હિંમત રાખ અને કામ શરૂ કરી દે.” ૧૧  પછી દાઉદે તેના દીકરા સુલેમાનને બાંધકામનો નકશો+ આપ્યો. એ નકશો મંદિરની પરસાળ,+ એની ઓરડીઓ, ભંડારો, ધાબા પરની ઓરડીઓ, અંદરની ઓરડીઓ અને કરારકોશના ઢાંકણના* ઓરડાનો હતો.+ ૧૨  દાઉદે તેને જે નકશો આપ્યો, એ પવિત્ર શક્તિની* પ્રેરણાથી મળ્યો હતો. એ નકશો યહોવાના મંદિરનાં આંગણાં,+ એની આસપાસના ભોજનખંડો, સાચા ઈશ્વરના મંદિરના ભંડારો અને પવિત્ર* કરેલી ચીજવસ્તુઓના ભંડારોનો હતો.+ ૧૩  તેણે સુલેમાનને યાજકોના સમૂહો વિશે+ અને લેવીઓના સમૂહો વિશે, યહોવાના મંદિરમાં સેવા કરવાની ફરજો વિશે ને યહોવાના મંદિરમાં સેવા કરવાનાં બધાં વાસણો વિશે સૂચનો આપ્યાં. ૧૪  તેણે એ પણ જણાવ્યું કે અલગ અલગ સેવાનાં બધાં વાસણો માટે કેટલું સોનું વાપરવું, અલગ અલગ સેવાનાં બધાં વાસણો માટે કેટલી ચાંદી વાપરવી. ૧૫  સોનાની દીવીઓ+ અને સોનાના દીવાઓ માટે કેટલું સોનું વાપરવું, ચાંદીની દીવીઓ અને ચાંદીના દીવાઓ માટે કેટલી ચાંદી વાપરવી. ૧૬  અર્પણની રોટલી મૂકવાની દરેક મેજ+ માટે કેટલું સોનું વાપરવું અને ચાંદીની દરેક મેજ માટે કેટલી ચાંદી વાપરવી. ૧૭  ચોખ્ખા સોનાના કાંટાઓ, વાટકાઓ, કુંજાઓ અને સોનાના દરેક નાના વાટકા+ માટે કેટલું સોનું વાપરવું. ચાંદીના દરેક નાના વાટકા માટે કેટલી ચાંદી વાપરવી. ૧૮  તેણે એ પણ જણાવ્યું કે ધૂપવેદી+ માટે ચોખ્ખું સોનું કેટલું વાપરવું; રથને રજૂ કરતા+ સોનાના કરૂબો,+ જે પાંખો ફેલાવીને યહોવાના કરારકોશને ઢાંકે છે, એના માટે કેટલું સોનું વાપરવું. ૧૯  દાઉદે કહ્યું: “યહોવાનો હાથ મારા પર હતો. બાંધકામના નકશાની+ બધી વિગતો લખી લેવા+ તેમણે મને સમજણ આપી.” ૨૦  દાઉદે તેના દીકરા સુલેમાનને કહ્યું: “હિંમતવાન અને બળવાન થા, કામ શરૂ કરી દે. ડરીશ નહિ કે ગભરાઈશ નહિ. યહોવા ઈશ્વર, મારા ઈશ્વર તારી સાથે છે.+ તે તને ત્યજી દેશે નહિ કે છોડી દેશે નહિ.+ યહોવાના મંદિરની સેવા માટેનું બધું કામ પૂરું ન થાય ત્યાં સુધી તે તારી સાથે હશે. ૨૧  સાચા ઈશ્વરના મંદિરમાં બધી સેવા કરવા માટે તારી પાસે યાજકોના સમૂહો+ અને લેવીઓના સમૂહો+ છે. દરેક પ્રકારનું કામ પૂરા દિલથી કરે એવા કુશળ કારીગરો, આગેવાનો+ અને બધા લોકો પણ તારી પાસે છે,+ જેઓ તારી બધી વાત માનશે.”

ફૂટનોટ

મૂળ, “મંડળ.”
અથવા, “અર્પણ.”