પહેલો કાળવૃત્તાંત ૫:૧-૨૬

 ઇઝરાયેલના પ્રથમ જન્મેલા રૂબેનના+ દીકરાઓનાં નામ નીચે આપેલાં છે. રૂબેન પ્રથમ જન્મેલો હતો, પણ તે પોતાના પિતાની ઉપપત્ની સાથે સૂઈ ગયો.*+ એટલે પ્રથમ જન્મેલાનો હક ઇઝરાયેલના દીકરા યૂસફના દીકરાઓને આપવામાં આવ્યો.+ તેઓની વંશાવળીમાં રૂબેનનું નામ પ્રથમ જન્મેલા તરીકે નોંધાયું ન હતું. ૨  ભલે યહૂદા+ પોતાના ભાઈઓ કરતાં ચઢિયાતો હતો અને તેના વંશમાંથી આગેવાન આવવાનો હતો,+ પણ પ્રથમ જન્મેલાનો હક યૂસફને મળ્યો. ૩  ઇઝરાયેલના પ્રથમ જન્મેલા રૂબેનના દીકરાઓ હનોખ, પાલ્લૂ, હેસરોન અને કાર્મી હતા.+ ૪  યોએલના દીકરાઓ આ હતા: શમાયા, તેનો દીકરો ગોગ, તેનો દીકરો શિમઈ, ૫  તેનો દીકરો મીખાહ, તેનો દીકરો રઆયા, તેનો દીકરો બઆલ ૬  અને તેનો દીકરો બએરાહ. બએરાહને આશ્શૂરનો રાજા તિગ્લાથ-પિલ્નેસેર+ ગુલામીમાં* લઈ ગયો હતો. બએરાહ રૂબેનીઓનો મુખી હતો. ૭  તેઓનાં કુટુંબોની વંશાવળી પ્રમાણે બએરાહના ભાઈઓ આ હતા: યેઈએલ મુખી હતો અને ઝખાર્યા; ૮  તેમ જ બેલા જે આઝાઝનો દીકરો, જે શેમાનો દીકરો, જે યોએલનો દીકરો હતો. બેલાના ઘરના લોકો અરોએરમાં+ ને છેક નબો અને બઆલ-મેઓન+ સુધી રહેતા હતા. ૯  ગિલયાદ દેશમાં+ તેઓનાં ઢોરઢાંક ઘણાં વધી ગયાં હતાં. એટલે તેઓ પૂર્વમાં યુફ્રેટિસ* નદી+ પાસે વેરાન પ્રદેશ શરૂ થાય ત્યાં સુધી વસેલા હતા. ૧૦  શાઉલના દિવસોમાં તેઓએ હાગ્રીઓ સામે લડાઈ કરી અને તેઓને હરાવી દીધા. ગિલયાદની પૂર્વ તરફના આખા વિસ્તારમાં તેઓ હાગ્રીઓના તંબુઓમાં રહેવા લાગ્યા. ૧૧  ગાદના વંશજો રૂબેનના વંશજોની બાજુમાં બાશાન દેશમાં છેક સાલખાહ+ સુધી રહેતા હતા. ૧૨  બાશાનમાં યોએલ મુખી હતો, બીજો શાફામ હતો, પછી યાનાઈ અને શાફાટ હતા. ૧૩  તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે તેઓના કુલ સાત ભાઈઓ મિખાયેલ, મશુલ્લામ, શેબા, યોરાય, યાકાન, ઝીઆ અને એબેર હતા. ૧૪  એ અબીહાઈલના દીકરાઓ હતા. અબીહાઈલ હૂરીનો દીકરો, જે યારોઆહનો દીકરો, જે ગિલયાદનો દીકરો, જે મિખાયેલનો દીકરો, જે યશીશાયનો દીકરો, જે યાહદોનો દીકરો, જે બૂઝનો દીકરો હતો. ૧૫  તેઓના પિતાના કુટુંબનો વડો અહી હતો, જે આબ્દીએલનો દીકરો, જે ગૂનીનો દીકરો હતો. ૧૬  તેઓ ગિલયાદમાં,+ બાશાનમાં+ અને એની આસપાસનાં નગરોમાં તથા શારોનનાં બધાં ગૌચરોમાં* દૂર દૂર સુધી રહેતા હતા. ૧૭  યહૂદાના રાજા યોથામના+ સમયમાં અને ઇઝરાયેલના રાજા યરોબઆમના*+ સમયમાં તેઓ બધાની વંશાવળી પ્રમાણે નોંધ થઈ હતી. ૧૮  રૂબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાના અડધા કુળ પાસે ૪૪,૭૬૦ શૂરવીર યોદ્ધાઓનું લશ્કર હતું. એ શૂરવીરો પાસે ઢાલ, તલવાર અને ધનુષ્ય હતાં. તેઓ યુદ્ધમાં કુશળ લડવૈયા હતા. ૧૯  તેઓએ હાગ્રીઓ,+ યટૂર, નાફીશ+ અને નોદાબ સામે લડાઈ કરી હતી. ૨૦  તેઓ હાગ્રીઓ સામે લડતા હતા ત્યારે, તેઓએ ઈશ્વરને મદદનો પોકાર કર્યો. એટલે ઈશ્વરે તેઓના હાથમાં હાગ્રીઓને અને તેઓની સાથેના બધાને સોંપી દીધા. ઈશ્વરે તેઓની વિનંતી સાંભળી, કેમ કે તેઓએ તેમના પર ભરોસો મૂક્યો હતો.+ ૨૧  તેઓએ એ લોકોનાં ૫૦,૦૦૦ ઊંટ, ૨,૫૦,૦૦૦ ઘેટાં, ૨,૦૦૦ ગધેડાં અને ૧,૦૦,૦૦૦ લોકો પકડી લીધાં. ૨૨  ત્યાં ભારે કતલ થઈ, કારણ કે એ સાચા ઈશ્વરનું* યુદ્ધ હતું.+ તેઓ ગુલામીમાં ગયા ત્યાં સુધી એ જગ્યાએ રહ્યા.+ ૨૩  મનાશ્શાના અડધા કુળના વંશજો+ બાશાનથી બઆલ-હેર્મોન સુધી, સનીર અને હેર્મોન પર્વતના વિસ્તારમાં રહેતા હતા.+ તેઓ ઘણા બધા હતા. ૨૪  તેઓના પિતાનાં કુટુંબોના વડાઓ આ હતા: એફેર, યિશઈ, અલીએલ, આઝ્રીએલ, યર્મિયા, હોદાવ્યા અને યાહદીએલ. તેઓ શૂરવીર યોદ્ધાઓ, જાણીતા ને માનીતા હતા અને તેઓના પિતાનાં કુટુંબોના વડાઓ હતા. ૨૫  પણ તેઓ પોતાના બાપદાદાઓના ઈશ્વરને બેવફા બન્યા. તેઓની આગળથી ઈશ્વરે જેઓનો નાશ કર્યો હતો, તેઓના દેવોને ભજવા લાગ્યા.*+ ૨૬  એટલે ઇઝરાયેલના ઈશ્વરે આશ્શૂરના રાજા પૂલને+ (એટલે કે આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલ્નેસેરને)+ તેઓ વિરુદ્ધ ઉશ્કેર્યો. તે આવીને રૂબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાના અડધા કુળને ગુલામીમાં લઈ ગયો. તેણે તેઓને હલાહ, હાબોર, હારામ અને ગોઝાન નદીના વિસ્તારમાં વસાવ્યા.+ તેઓ આજ સુધી ત્યાં જ રહે છે.

ફૂટનોટ

મૂળ, “પિતાની પથારી અશુદ્ધ કરી.”
અથવા, “ફ્રાત.”
અથવા, “ચરાવવાની જગ્યાઓમાં.”
એટલે કે, યરોબઆમ બીજો.
અથવા, “બીજા દેવોને ભજીને જાણે વેશ્યાગીરી કરવા લાગ્યા.”