કોરીંથીઓને પહેલો પત્ર ૧૩:૧-૧૩

  • પ્રેમ, સૌથી સારો માર્ગ (૧-૧૩)

૧૩  જો હું માણસોની કે દૂતોની ભાષામાં બોલું પણ મારામાં પ્રેમ ન હોય, તો હું રણકાર કરનાર ઘંટ જેવો અથવા ઝમકાર કરનાર મંજીરા જેવો છું. ૨  જો મારી પાસે ભવિષ્યવાણી કરવાનું દાન હોય અને હું બધાં પવિત્ર રહસ્યો તથા બધું જ્ઞાન સમજતો હોઉં+ અને જો મારામાં એટલી શ્રદ્ધા હોય કે હું પર્વતો ખસેડી શકું, પણ પ્રેમ ન હોય તો હું કંઈ જ નથી.*+ ૩  જો હું લોકોને જમાડવા* મારી બધી માલ-મિલકત આપી દઉં+ અને જો મારો જીવ પણ આપી દઉં, જેથી હું અભિમાન કરી શકું, પણ મારામાં પ્રેમ ન હોય+ તો મને જરાય લાભ નથી. ૪  પ્રેમ+ ધીરજ રાખે છે*+ અને દયાળુ છે.+ પ્રેમ ઈર્ષા કરતો નથી.+ એ બડાઈ મારતો નથી, ફુલાઈ જતો નથી.+ ૫  પ્રેમ અયોગ્ય રીતે* વર્તતો નથી,+ પોતાનો જ લાભ જોતો નથી,+ ઉશ્કેરાઈ જતો નથી,+ કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો એનો હિસાબ રાખતો નથી.+ ૬  પ્રેમ અન્યાયમાં ખુશ થતો નથી,+ પણ સત્યમાં ખુશ થાય છે. ૭  પ્રેમ બધું સહન કરે છે,+ બધામાં ભરોસો રાખે છે,*+ બધાની આશા રાખે છે,+ બધું ધીરજ રાખીને સહન કરે છે.*+ ૮  પ્રેમ કાયમ ટકી રહે છે.* પણ જો ભવિષ્ય ભાખવાનું દાન હોય, તો એ રહેશે નહિ. જો બીજી ભાષાઓ* બોલવાનું દાન હોય, તો એનો અંત આવશે. જો જ્ઞાન હોય, તો એ જતું રહેશે. ૯  કેમ કે આપણું જ્ઞાન અધૂરું છે+ અને આપણે ભાખેલી ભવિષ્યવાણીઓ પણ અધૂરી છે. ૧૦  જ્યારે આપણને પૂરેપૂરું જ્ઞાન મળશે અને આપણે પૂરી રીતે ભવિષ્ય ભાખી શકીશું, ત્યારે અધૂરું જ્ઞાન અને અધૂરી ભવિષ્યવાણીઓનો અંત આવશે. ૧૧  હું બાળક હતો ત્યારે, હું બાળકની જેમ બોલતો, બાળકની જેમ વિચારતો અને બાળકની જેમ સમજતો. પણ હવે મોટા થયા પછી મેં બાળકની જેમ વર્તવાનું છોડી દીધું છે. ૧૨  કેમ કે હમણાં આપણે અરીસામાં* ઝાંખું ઝાંખું* જોઈએ છીએ, પણ પછીથી જાણે આપણે નજરોનજર જોતા હોઈએ એમ સ્પષ્ટ જોઈશું. અત્યારે હું ઈશ્વર વિશે બધું* જાણતો નથી, પણ જેમ તે મને પૂરી રીતે જાણે છે તેમ ભાવિમાં હું તેમને પૂરી રીતે જાણીશ. ૧૩  હવે શ્રદ્ધા, આશા અને પ્રેમ આ ત્રણે ટકી રહે છે, પણ એ બધામાં પ્રેમ સૌથી મહત્ત્વનો છે.+

ફૂટનોટ

અથવા, “નકામો છું.”
અથવા, “સંભાળ રાખવા.”
અથવા, “સહનશીલ છે.”
અથવા, “તોછડાઈથી.”
અથવા, “માને છે.”
અથવા, “કશામાં હિંમત હારતો નથી.”
અથવા, “કદી નિષ્ફળ જતો નથી.”
અથવા, “બોલીઓ.”
જૂના જમાનામાં લોકો ધાતુના અરીસા વાપરતા હતા.
અથવા, “ધૂંધળું.”
અથવા, “સંપૂર્ણ રીતે.”