કોરીંથીઓને પહેલો પત્ર ૧૫:૧-૫૮
૧૫ હવે ભાઈઓ, મેં તમને જે ખુશખબર જણાવી હતી,+ એ વિશે હું તમને યાદ કરાવું છું. એ ખુશખબર તમે સ્વીકારી છે અને તમે એ પ્રમાણે ચાલો છો.
૨ જો તમે એ ખુશખબરને વળગી રહેશો, તો એનાથી તમારો ઉદ્ધાર થશે. પણ જો એને વળગી નહિ રહો, તો ખુશખબરમાં તમે મૂકેલો ભરોસો નકામો છે.
૩ મને એક સૌથી મહત્ત્વની વાત જણાવવામાં આવી, જે મેં તમને પણ જણાવી છે. એ વાત આ છે: શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપ માટે મર્યા,+
૪ તેમને દફનાવવામાં આવ્યા+ અને શાસ્ત્રવચનોમાં લખવામાં આવ્યું હતું+ તેમ તેમને ત્રીજા દિવસે+ જીવતા કરવામાં આવ્યા.+
૫ તે કેફાસને*+ અને પછી બાર પ્રેરિતોને દેખાયા.+
૬ પછી તે ૫૦૦ કરતાં વધારે ભાઈઓને એકસાથે દેખાયા,+ જેમાંના મોટા ભાગના હજુ આપણી સાથે છે, પણ અમુક મરણની ઊંઘમાં છે.
૭ ત્યાર બાદ, તે યાકૂબને+ દેખાયા અને પછી બધા પ્રેરિતોને દેખાયા.+
૮ જાણે હું અધૂરા મહિને જન્મેલો હોઉં તેમ સૌથી છેલ્લે તે મને પણ દેખાયા.+
૯ હું તો પ્રેરિતોમાં સાવ મામૂલી છું અને પ્રેરિત ગણાવાને પણ લાયક નથી, કેમ કે મેં ઈશ્વરના મંડળની સતાવણી કરી હતી.+
૧૦ પણ આજે હું જે કંઈ છું એ ઈશ્વરની અપાર કૃપાથી છું. મને બતાવવામાં આવેલી અપાર કૃપા નકામી ગઈ નથી. મેં બીજા પ્રેરિતો કરતાં વધારે મહેનત કરી છે. મેં મારા બળથી નહિ, ઈશ્વરે બતાવેલી અપાર કૃપાના બળથી એ મહેનત કરી છે.
૧૧ તેથી હું હોઉં કે બીજા પ્રેરિતો, અમે એક જ ખુશખબરનો પ્રચાર કરીએ છીએ અને તમે એમાં જ ભરોસો મૂક્યો છે.
૧૨ હવે જો એવો પ્રચાર કરવામાં આવતો હોય કે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં* આવ્યા છે,+ તો તમારામાંના કેટલાક એવું કેમ કહે છે કે મરી ગયેલાઓને ઉઠાડવામાં નહિ આવે?
૧૩ જો મરી ગયેલાઓને ઉઠાડવામાં ન આવે, તો ખ્રિસ્તને પણ મરણમાંથી ઉઠાડવામાં આવ્યા નથી.
૧૪ જો ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા ન હોય, તો અમારો પ્રચાર નકામો છે અને તમારી શ્રદ્ધા પણ નકામી છે.
૧૫ વધુમાં, આપણે ઈશ્વર વિશે જૂઠી સાક્ષી આપીએ છીએ+ કે તેમણે ખ્રિસ્તને મરણમાંથી જીવતા કર્યા છે.+ જો મરી ગયેલાઓને ઈશ્વર સાચે જ ઉઠાડવાના ન હોય, તો તેમણે ખ્રિસ્તને ઉઠાડ્યા જ નથી.
૧૬ કેમ કે જો મરી ગયેલાઓને ઉઠાડવાના ન હોય, તો ખ્રિસ્તને પણ ઉઠાડવામાં આવ્યા નથી.
૧૭ જો ખ્રિસ્તને ઉઠાડવામાં આવ્યા ન હોય, તો તમારી શ્રદ્ધા નકામી છે. તમે હજુ તમારાં પાપમાં ડૂબેલા છો.+
૧૮ ખ્રિસ્તના જે શિષ્યો મરણની ઊંઘમાં સરી ગયા છે, તેઓનો પણ હંમેશ માટે નાશ થઈ ગયો છે.+
૧૯ જો આપણે હાલના જીવન માટે જ ખ્રિસ્તમાં આશા રાખી હોય, તો બીજા લોકો કરતાં આપણી હાલત વધારે દયાજનક છે.
૨૦ હકીકતમાં, ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે અને મરણની ઊંઘમાં છે એ લોકોમાંથી પ્રથમ તેમને જીવતા કરવામાં આવ્યા છે.*+
૨૧ કેમ કે જેમ એક માણસને લીધે મરણ આવ્યું,+ તેમ એક માણસને લીધે મરણમાંથી જીવતા કરવામાં આવશે.+
૨૨ જેમ આદમને લીધે બધા મરે છે,+ તેમ ખ્રિસ્તને લીધે બધાને જીવતા કરવામાં આવશે.+
૨૩ પણ દરેકને પોતાના યોગ્ય ક્રમમાં ઉઠાડવામાં આવે છે: પ્રથમ* ખ્રિસ્તને ઉઠાડવામાં આવ્યા,+ પછી ખ્રિસ્તના છે તેઓને ખ્રિસ્તની હાજરી* દરમિયાન ઉઠાડવામાં આવશે.+
૨૪ પછી અંતમાં, જ્યારે ખ્રિસ્ત બધી સરકારો, બધી સત્તાઓ અને બધા અધિકારોનો નાશ કરશે, ત્યારે તે પોતાના ઈશ્વર અને પિતાને રાજ્ય સોંપી દેશે.+
૨૫ કેમ કે ઈશ્વર બધા દુશ્મનોને ખ્રિસ્તના પગ નીચે ન લાવે ત્યાં સુધી, ખ્રિસ્તે રાજા તરીકે રાજ કરવાનું છે.+
૨૬ આખરે, છેલ્લા દુશ્મન મરણનું નામનિશાન મિટાવી દેવામાં આવશે.+
૨૭ ઈશ્વરે “બધું જ તેમના પગ નીચે લાવીને આધીન કર્યું.”+ પણ જ્યારે કહેવામાં આવ્યું કે ‘બધું આધીન કરવામાં આવ્યું છે,’+ ત્યારે દેખીતું છે કે એમાં ઈશ્વરનો સમાવેશ થતો નથી, જેમણે દીકરાને બધું આધીન કર્યું છે.+
૨૮ પણ બધું દીકરાને આધીન કરી દેવામાં આવશે ત્યારે, દીકરો પણ પોતાને બધું આધીન કરનાર ઈશ્વરને આધીન થઈ જશે,+ જેથી ઈશ્વર જ બધા પર રાજ કરે.+
૨૯ તો પછી એ લોકોનું શું થશે, જેઓ મરણ માટે બાપ્તિસ્મા લે છે?+ જો મરી ગયેલાઓને ઉઠાડવાના જ ન હોય, તો તેઓ મરણ માટે બાપ્તિસ્મા કેમ લે છે?
૩૦ આપણે પણ કેમ દરેક પળે* જોખમ ઉઠાવીએ છીએ?+
૩૧ ભાઈઓ, જેટલી આ વાત સાચી છે કે આપણા માલિક ખ્રિસ્ત ઈસુમાં હું તમારા વિશે અભિમાન કરું છું, એટલી જ આ વાત પણ સાચી છે કે હું રોજ મોતની છાયામાં જીવું છું.
૩૨ જો હું બીજા માણસોની જેમ* એફેસસમાં જંગલી પ્રાણીઓ સાથે લડ્યો હોઉં,+ તો એનાથી મને શો ફાયદો થયો? જો મરી ગયેલાઓને ઉઠાડવામાં આવતા ન હોય, તો પછી “ચાલો, ખાઈ-પીને જલસા કરીએ, કાલે તો મરવાના જ છીએ ને!”+
૩૩ છેતરાશો નહિ. ખરાબ સંગત સારી આદતોને* બગાડે છે.+
૩૪ નેક કામો કરવા હોશમાં આવો અને પાપ કરતા ન રહો, કેમ કે તમારામાંથી અમુકને ઈશ્વરનું જરાય જ્ઞાન નથી. તમને શરમમાં નાખવા હું આમ કહું છું.
૩૫ કદાચ કોઈક કહે: “મરી ગયેલા લોકોને કઈ રીતે જીવતા કરવામાં આવશે? તેઓને જીવતા કરવામાં આવશે ત્યારે તેઓનું શરીર કેવું હશે?”+
૩૬ અરે મૂર્ખ! તું જે બીજ વાવે છે એ જો પહેલા મરે નહિ, તો કઈ રીતે ઊગશે!*
૩૭ તું જે વાવે છે, એ ઊગી ગયેલો છોડ* નથી, પણ એક બીજ છે, ભલે એ ઘઉંનો હોય કે બીજા કશાકનો.
૩૮ પણ ઈશ્વર પોતાને પસંદ પડે એમ એ બીજને વૃદ્ધિ* આપે છે અને એ છોડ બને ત્યારે બીજથી અલગ હોય છે.*
૩૯ બધાં જ શરીર એકસરખાં હોતાં નથી. મનુષ્યોનું શરીર જુદું છે અને જાનવરોનું જુદું છે. પક્ષીઓનું શરીર જુદું છે અને માછલીઓનું જુદું છે.
૪૦ સ્વર્ગમાં રહેનારાઓનું શરીર+ જુદું છે અને પૃથ્વી પર રહેનારાઓનું શરીર+ જુદું છે. સ્વર્ગમાં રહેનારાઓનાં શરીરનું ગૌરવ જુદું છે અને પૃથ્વી પર રહેનારાઓનાં શરીરનું ગૌરવ જુદું છે.
૪૧ સૂર્યનું તેજ જુદું છે અને ચંદ્રનું તેજ જુદું છે.+ તારાઓનું તેજ પણ જુદું છે. ખરું જોતાં, એક તારાનું તેજ બીજા તારા કરતાં જુદું છે.
૪૨ મરી ગયેલાઓને પણ એ જ રીતે જીવતા કરવામાં આવે છે. નાશવંત શરીરને દફનાવવામાં* આવે છે, પણ અવિનાશી શરીરમાં ઉઠાડવામાં આવે છે.+
૪૩ એને અપમાનમાં દફનાવવામાં* આવે છે, પણ માનમાં ઉઠાડવામાં આવે છે.+ એને નબળાઈમાં દફનાવવામાં* આવે છે, પણ બળમાં ઉઠાડવામાં આવે છે.+
૪૪ એને પૃથ્વી પરના શરીરમાં દફનાવવામાં* આવે છે, પણ સ્વર્ગમાંના શરીરમાં* ઉઠાડવામાં આવે છે. જો પૃથ્વી પરનું શરીર હોય, તો સ્વર્ગમાંનું શરીર પણ છે.
૪૫ એમ લખેલું પણ છે: “પહેલો માણસ આદમ જીવતો* થયો.”+ છેલ્લો આદમ જીવન આપનાર મનુષ્ય બન્યો.+
૪૬ પણ સ્વર્ગમાંનું શરીર પહેલું નથી. પહેલું શરીર તો પૃથ્વી પરનું છે અને પછી સ્વર્ગમાંનું છે.
૪૭ પહેલો માણસ પૃથ્વીનો છે અને તે માટીનો બનેલો હતો.+ બીજો માણસ સ્વર્ગનો છે.+
૪૮ આ દુનિયાના લોકો એ માણસ જેવા છે, જેને ઈશ્વરે માટીમાંથી બનાવ્યો હતો. જેઓ સ્વર્ગમાં છે તેઓ એ માણસ જેવા છે, જે સ્વર્ગમાંથી આવ્યો હતો.+
૪૯ જેમ આપણે માટીના બનેલા માણસ જેવા છીએ,*+ તેમ સ્વર્ગમાંથી આવેલા માણસ જેવા પણ બનીશું.*+
૫૦ ભાઈઓ, હું તમને જણાવું છું કે માંસ અને લોહી ઈશ્વરના રાજ્યનો વારસો મેળવી શકતાં નથી. એ જ પ્રમાણે, નાશવંત શરીર અવિનાશી જીવનનો વારસો મેળવી શકતું નથી.
૫૧ જુઓ! હું તમને પવિત્ર રહસ્ય જણાવું છું: આપણે બધા મરણની ઊંઘમાં સરી જવાના નથી, પણ આપણે બધા બદલાઈ જઈશું.+
૫૨ છેલ્લું રણશિંગડું* વાગતું હશે ત્યારે, એક ઘડીમાં, આંખના એક પલકારામાં એમ થશે. રણશિંગડું વાગશે+ અને મરી ગયેલા લોકો અવિનાશી શરીરમાં જીવતા કરાશે અને આપણે બદલાઈ જઈશું.
૫૩ આ નાશવંત શરીરે અવિનાશી જીવન મેળવવું પડશે+ અને આ મરનાર શરીરે અમર જીવન મેળવવું પડશે.+
૫૪ પણ જ્યારે આ નાશવંત શરીર અવિનાશી જીવન મેળવશે અને આ મરનાર શરીર અમર જીવન મેળવશે, ત્યારે લખવામાં આવેલી આ વાત પૂરી થશે: “કાયમ માટે મરણને મિટાવી દેવામાં આવ્યું છે.”+
૫૫ “ઓ મરણ, તારો વિજય ક્યાં? ઓ મરણ, તારો ડંખ ક્યાં?”+
૫૬ પાપ એ ડંખ છે, જે મરણ લાવે છે+ અને પાપને બળ આપનાર તો નિયમશાસ્ત્ર છે.+
૫૭ પણ ઈશ્વરનો આભાર, જે આપણા માલિક ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને મરણ પર વિજય આપે છે!+
૫૮ એટલે મારા વહાલા ભાઈઓ, દૃઢ રહો+ અને અડગ રહો. ઈશ્વરની* સેવામાં પુષ્કળ કામ છે,+ એમાં વ્યસ્ત રહો, કેમ કે તમે જાણો છો કે ઈશ્વરની* સેવામાં તમારી મહેનત નકામી નથી.+
ફૂટનોટ
^ પિતર પણ કહેવાતો.
^ શબ્દસૂચિમાં “જીવતા કરવું” જુઓ.
^ મૂળ, “લોકોમાં તે પ્રથમ ફળ છે.”
^ મૂળ, “પ્રથમ ફળ.” શબ્દસૂચિમાં “પ્રથમ ફળ” જુઓ.
^ અથવા, “કલાકે.”
^ અથવા કદાચ, “માણસની નજરે.”
^ અથવા, “સારા સંસ્કારોને.”
^ મૂળ, “જીવતું કરાશે.”
^ મૂળ, “શરીર.”
^ મૂળ, “શરીર.”
^ મૂળ, “અને તે દરેક બીજને પોતાનું શરીર આપે છે.”
^ મૂળ, “વાવવામાં.”
^ મૂળ, “વાવવામાં.”
^ મૂળ, “વાવવામાં.”
^ મૂળ, “વાવવામાં.”
^ શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
^ અથવા, “સજીવ પ્રાણી.” શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
^ મૂળ, “માણસ જેવું સ્વરૂપ ધારણ કર્યું છે.”
^ મૂળ, “માણસ જેવું સ્વરૂપ પણ ધારણ કરીશું.”
^ મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.
^ અથવા, “માલિક ઈસુની.”
^ અથવા, “માલિક ઈસુની.”