કોરીંથીઓને પહેલો પત્ર ૩:૧-૨૩

  • દુનિયાના વિચારો પ્રમાણે જીવતા કોરીંથીઓ (૧-૪)

  • ઈશ્વર વૃદ્ધિ આપે છે (૫-૯)

    • ઈશ્વરના સાથી કામદારો ()

  • આગમાં ટકી રહેનાર વસ્તુઓથી બાંધકામ કરવું (૧૦-૧૫)

  • તમે ઈશ્વરનું મંદિર છો (૧૬, ૧૭)

  • દુનિયાની બુદ્ધિ ઈશ્વરની નજરે મૂર્ખતા છે (૧૮-૨૩)

 તેથી ભાઈઓ, જેમ ઈશ્વરની શક્તિ પ્રમાણે ચાલનાર માણસો સાથે વાત કરવી જોઈએ, એમ હું તમારી સાથે વાત કરી શક્યો નથી.+ પણ તમે દુનિયાના લોકો* હોવ કે ખ્રિસ્તના માર્ગમાં ચાલતાં હજુ બાળકો હોવ, એ રીતે મારે તમારી સાથે વાત કરવી પડી છે.+ ૨  મેં દૂધથી તમારું પોષણ કર્યું હતું, ભારે ખોરાકથી નહિ, કેમ કે તમે એ પચાવી શકતા ન હતા. હકીકતમાં, તમે અત્યારે પણ એ પચાવી શકતા નથી,+ ૩  કેમ કે તમે હજુ દુનિયાના વિચારો પ્રમાણે જીવો છો.+ તમારામાં હજુ સુધી અદેખાઈ અને તકરાર છે. તો શું તમે દુનિયાના વિચારો પ્રમાણે જીવતા નથી?+ શું તમે દુનિયાના લોકોની જેમ ચાલતા નથી? ૪  એક કહે છે, “હું પાઉલનો છું,” બીજો કહે છે, “હું તો અપોલોસનો છું.”+ એવું કહીને શું તમે દુનિયાના લોકોની જેમ વર્તતા નથી? ૫  અપોલોસ કોણ છે? અને પાઉલ કોણ છે? તેઓ ફક્ત સેવકો છે,+ જેઓને ઈશ્વરે કામ સોંપ્યું છે અને જેઓ દ્વારા તમે ઈસુના શિષ્યો બન્યા છો. ૬  મેં રોપ્યું,+ અપોલોસે પાણી પાયું,+ પણ ઈશ્વર એને વૃદ્ધિ આપતા રહે છે. ૭  એટલે રોપનાર કંઈ નથી અને પાણી પાનાર પણ કંઈ નથી. પણ એને વૃદ્ધિ આપનાર ઈશ્વર જ બધું છે.+ ૮  હવે રોપનાર અને પાણી પાનાર ભેગા મળીને કામ કરે છે,* પણ એ બંનેને પોતાની મહેનતનું ફળ મળશે.+ ૯  અમે ઈશ્વરના સાથી કામદારો છીએ. તમે ઈશ્વરનું ખેતર છો, જેને તે ખેડી રહ્યા છે અને તમે ઈશ્વરની ઇમારત છો.+ ૧૦  ઈશ્વરની અપાર કૃપાને લીધે હું બાંધકામ કરવામાં* કુશળ બન્યો છું. મેં પાયો નાખ્યો છે,+ પણ બીજું કોઈ એના પર બાંધકામ કરે છે. દરેકે ધ્યાન રાખવું જોઈએ કે પોતે કઈ રીતે એના પર બાંધકામ કરી રહ્યો છે. ૧૧  કેમ કે જે પાયો નાખવામાં આવ્યો છે, એના સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. એ પાયો ઈસુ ખ્રિસ્ત છે.+ ૧૨  જો કોઈ માણસ પાયા પર બાંધકામ કરવા સોનું, ચાંદી, કીમતી પથ્થર, લાકડું, સૂકું ઘાસ કે સાંઠા વાપરે, ૧૩  તો દરેકનું કામ કેવું છે એ દેખાઈ આવશે,* કેમ કે કસોટીના દિવસે એ ઉઘાડું પાડવામાં આવશે. એ દિવસે આગ એને ખુલ્લું પાડશે+ અને દરેકનું બાંધકામ કેવું છે, એ આગથી પરખાશે. ૧૪  એ પાયા પર જેનું બાંધકામ ટકી રહેશે, તેને ઇનામ મળશે. ૧૫  જો કોઈનું બાંધકામ બળી જાય તો તેને નુકસાન થશે, પણ તે પોતે બચી જશે. પણ તેની હાલત આગમાંથી બચી નીકળેલા માણસ જેવી થશે. ૧૬  શું તમે જાણતા નથી કે તમે ઈશ્વરનું મંદિર છો+ અને ઈશ્વરની શક્તિ તમારામાં રહે છે?+ ૧૭  જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરે, તો ઈશ્વર તેનો નાશ કરશે, કેમ કે ઈશ્વરનું મંદિર પવિત્ર છે અને તમે એ મંદિર છો.+ ૧૮  કોઈ માણસ ભ્રમમાં ન રહે: તમારામાંથી જો કોઈ માનતું હોય કે આ દુનિયામાં પોતે બુદ્ધિશાળી છે, તો તેણે મૂર્ખ બનવું, જેથી તે સાચે જ બુદ્ધિશાળી બની શકે. ૧૯  આ દુનિયાની બુદ્ધિ ઈશ્વરની નજરે મૂર્ખતા છે, કેમ કે લખેલું છે: “તે બુદ્ધિશાળી માણસોને તેઓના જ દાવપેચમાં ફસાવે છે.”+ ૨૦  એવું પણ લખેલું છે, “યહોવા* જાણે છે કે બુદ્ધિશાળી માણસોની દલીલો નકામી છે.”+ ૨૧  એટલે કોઈએ માણસોનાં કામ વિશે બડાઈ મારવી નહિ. ઈશ્વરે આપેલું બધું જ તમારું છે, ૨૨  ભલે એ પાઉલ હોય, અપોલોસ હોય કે કેફાસ*+ હોય, કે પછી દુનિયા કે જીવન કે મરણ કે હમણાંની વસ્તુઓ કે ભાવિની વસ્તુઓ હોય, એ બધું જ તમારું છે. ૨૩  તમે ખ્રિસ્તના છો+ અને ખ્રિસ્ત ઈશ્વરના છે.

ફૂટનોટ

અથવા, “દુનિયાના વિચારો પ્રમાણે ચાલનાર લોકો.”
અથવા, “એકતામાં છે.”
અથવા, “હું કામકાજની દેખરેખ રાખવામાં.”
મૂળ, “પ્રગટ કરાશે.”
પિતર પણ કહેવાતો.