કોરીંથીઓને પહેલો પત્ર ૯:૧-૨૭

  • પ્રેરિત તરીકે પાઉલનો દાખલો (૧-૨૭)

    • ‘બળદના મોં પર જાળી ન બાંધો’ ()

    • “જો હું ખુશખબર ન જણાવું, તો મને અફસોસ છે!” (૧૬)

    • દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવા બનવું (૧૯-૨૩)

    • જીવનની દોડમાં સંયમ રાખો (૨૪-૨૭)

 શું હું આઝાદ નથી? શું હું પ્રેરિત નથી? શું આપણા માલિક ઈસુને મેં નજરે જોયા નથી?+ શું તેમના માટે મેં કરેલી મહેનતનું તમે પરિણામ નથી? ૨  ભલે હું બીજાઓ માટે પ્રેરિત ન હોઉં, પણ તમારા માટે તો છું! કેમ કે તમે એ મહોર* જેવા છો, જે સાબિત કરે છે કે હું ઈસુનો પ્રેરિત છું. ૩  મારી નિંદા કરનારા આગળ હું મારા બચાવમાં આ કહું છું: ૪  શું અમને ખાવા-પીવાનો હક* નથી? ૫  શું અમને એ હક નથી કે બીજા પ્રેરિતો, આપણા માલિક ઈસુના ભાઈઓ+ અને કેફાસની*+ જેમ અમે પણ લગ્‍ન કરીએ અને અમારી પત્નીને* અમારી સાથે બધે લઈ જઈએ?+ ૬  અથવા શું ફક્ત બાર્નાબાસ+ અને હું જ એવા છીએ, જેઓએ જીવન જરૂરિયાત માટે કામધંધો કરવો પડે છે? ૭  એવો કયો સૈનિક છે, જે પોતાના ખર્ચે ફરજ બજાવે? એવો કોણ છે, જે દ્રાક્ષાવાડી રોપે અને એનાં ફળ ન ખાય?+ અથવા એવો કોણ છે, જે ઘેટાં-બકરાંની રખેવાળી કરે અને એ ટોળાનું થોડું દૂધ ન લે? ૮  શું આ બધું હું માણસોના વિચારો પ્રમાણે કહું છું? શું નિયમશાસ્ત્ર* પણ આ બધું કહેતું નથી? ૯  કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે: “અનાજ છૂટું પાડવા તમે બળદને* કણસલાં પર ફેરવો ત્યારે તેના મોં પર જાળી ન બાંધો.”+ શું બળદોની ચિંતા હોવાને લીધે ઈશ્વર એમ કહે છે? ૧૦  કે પછી આપણા માટે તે એમ કહે છે? હકીકતમાં, એ આપણા માટે લખવામાં આવ્યું હતું, કેમ કે જે માણસ ખેડે છે અને જે માણસ દાણા છૂટા પાડે છે, તે પોતાનો ભાગ મેળવવાની આશાથી એમ કરે છે. ૧૧  જો અમે તમારામાં ઈશ્વરનું શિક્ષણ વાવ્યું હોય, તો તમારી પાસેથી અમારી જરૂરિયાતો લણીએ, એમાં કંઈ ખોટું છે?+ ૧૨  જો બીજા માણસો તમારા પર આ અધિકારનો* દાવો કરતા હોય, તો શું અમને એનાથી વધારે અધિકાર નથી? જોકે, અમે આ અધિકારનો ઉપયોગ કર્યો નથી,+ પણ અમે બધું સહન કરીએ છીએ, જેથી અમારા લીધે ખ્રિસ્ત વિશેની ખુશખબર ફેલાવવામાં કોઈ અડચણ ન આવે.+ ૧૩  શું તમે નથી જાણતા કે પવિત્ર સેવા કરનારા માણસો મંદિરમાં આવતા અર્પણમાંથી ખાય છે? શું તમને નથી ખબર કે વેદી* આગળ નિયમિત સેવા કરનારા માણસો વેદી પરથી ભાગ મેળવે છે?+ ૧૪  એ જ રીતે, આપણા માલિકે આજ્ઞા કરી છે કે ખુશખબર જણાવનારા લોકો પણ ખુશખબરથી ગુજરાન ચલાવે.+ ૧૫  પણ મેં એ ગોઠવણોમાંથી એકેયનો લાભ લીધો નથી.+ હું તમને આ બધું એટલે નથી લખતો કે મારા માટે એ બધી ગોઠવણો કરવામાં આવે. બડાઈ મારવાનું મારું એ કારણ કોઈ છીનવી લે, એના કરતાં તો મરી જવું સારું!+ ૧૬  હવે જો હું ખુશખબર જણાવું છું, તો એમાં બડાઈ કરવાનું કોઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે. જો હું ખુશખબર ન જણાવું, તો મને અફસોસ છે!+ ૧૭  જો હું આ રાજીખુશીથી કરું, તો મને ઇનામ મળશે, પણ જો હું આ રાજીખુશીથી ન કરું, તોપણ મને સોંપેલી કારભારીની જવાબદારી મારી પાસે રહેશે.+ ૧૮  તો પછી મારું ઇનામ શું છે? એ જ કે હું કંઈ પણ લીધા વગર* ખુશખબર જણાવું અને ખુશખબર જણાવવાથી મને મળતા અધિકારનો* ખોટો ઉપયોગ ન કરું. ૧૯  ખરું કે હું બધા લોકોથી આઝાદ છું, તોપણ બધાનો ગુલામ બન્યો છું, જેથી બની શકે એટલા લોકોને હું જીતી શકું. ૨૦  યહૂદીઓ માટે હું યહૂદીઓ જેવો બન્યો,+ જેથી હું તેઓને જીતી શકું. હું પોતે નિયમશાસ્ત્રને આધીન નથી, તોપણ નિયમશાસ્ત્રને આધીન લોકો માટે હું નિયમશાસ્ત્રને આધીન રહેનારા જેવો બન્યો, જેથી હું તેઓને જીતી શકું.+ ૨૧  જેઓ પાસે નિયમશાસ્ત્ર નથી તેઓ માટે હું નિયમશાસ્ત્ર વગરના માણસ જેવો બન્યો, જેથી હું તેઓને જીતી શકું. ખરું કે, હું ઈશ્વરના નિયમો વગરનો નથી, તોપણ ખ્રિસ્તના નિયમોને આધીન છું.+ ૨૨  કમજોર લોકો માટે હું કમજોર બન્યો, જેથી હું કમજોર લોકોને જીતી શકું.+ હું દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવો બન્યો, જેથી શક્ય હોય એવી બધી જ રીતે હું અમુકને બચાવી શકું. ૨૩  આ બધું જ હું ખુશખબર માટે કરું છું, જેથી બીજાઓને એ જણાવી શકું.+ ૨૪  શું તમને ખબર નથી કે હરીફાઈમાં ભાગ લેનારા બધા દોડે છે, પણ ઇનામ ફક્ત એકને જ મળે છે? તમે એ રીતે દોડો, જેથી ઇનામ જીતી શકો.+ ૨૫  હવે હરીફાઈમાં ભાગ લેનાર દરેક માણસ* બધી બાબતોમાં સંયમ રાખે છે. તેઓ નાશ થનાર મુગટ મેળવવા માટે એમ કરે છે,+ પણ આપણે તો નાશ ન થનાર મુગટ માટે એમ કરીએ છીએ.+ ૨૬  તેથી હું કોઈ ધ્યેય વગર દોડતો નથી.+ હું એ રીતે મુક્કા મારતો નથી કે જાણે હવામાં મારતો હોઉં. ૨૭  પણ હું મારા શરીરને મુક્કા મારું છું*+ અને એને ગુલામ બનાવીને કાબૂમાં રાખું છું, જેથી એવું ન થાય કે બીજાઓને પ્રચાર કર્યા પછી કોઈ કારણને લીધે મને જ અયોગ્ય ગણવામાં આવે.*

ફૂટનોટ

મૂળ, “અધિકાર.”
પિતર પણ કહેવાતો.
અથવા, “શ્રદ્ધા રાખનારી પત્નીને.”
મૂળ, “આખલાને.”
અથવા, “હકનો.”
અથવા, “કિંમત લીધા વગર.”
અથવા, “હકનો.”
અથવા, “દરેક ખેલાડી.”
અથવા, “શિક્ષા કરું છું; કડક શિસ્ત આપું છું.”
અથવા, “નાપસંદ કરવામાં આવે.”