તિમોથીને પહેલો પત્ર ૧:૧-૨૦
૧ હું પાઉલ, ખ્રિસ્ત* ઈસુનો પ્રેરિત* છું. ઈશ્વર આપણા ઉદ્ધાર કરનારની આજ્ઞાથી અને ખ્રિસ્ત ઈસુ, જે આપણી આશા છે+ તેમની આજ્ઞાથી હું પ્રેરિત તરીકે પસંદ થયો છું.
૨ હું તિમોથીને*+ આ પત્ર લખું છું, જે ખ્રિસ્તનો શિષ્ય અને મારો વહાલો દીકરો છે:+
ઈશ્વર આપણા પિતા પાસેથી અને ખ્રિસ્ત ઈસુ આપણા માલિક પાસેથી તને અપાર કૃપા,* દયા અને શાંતિ મળે.
૩ હું મકદોનિયા જવાની તૈયારીમાં હતો ત્યારે, મેં તને એફેસસમાં રહેવાનું ઉત્તેજન આપ્યું હતું. એવી જ રીતે, હું ઉત્તેજન આપું છું કે ત્યાંના લોકોને કડક સલાહ આપ, જેથી તેઓ જુદું શિક્ષણ શીખવે નહિ,
૪ ખોટી વાર્તાઓ અને વંશાવળીઓ પર ધ્યાન આપે નહિ.+ એનાથી કંઈ ફાયદો થતો નથી,+ કેમ કે એ ઈશ્વર પાસેથી નથી અને એનાથી આપણી શ્રદ્ધા મજબૂત થતી નથી. એનાથી ફક્ત શંકાઓ જ ઊભી થાય છે.
૫ આ સલાહ* આપવાનું કારણ એ છે કે આપણામાં એવો પ્રેમ હોય,+ જે શુદ્ધ હૃદયથી, સાફ અંતઃકરણથી* અને ઢોંગ વગરની શ્રદ્ધાથી+ આવે છે.
૬ એ બધાથી ભટકી જઈને અમુક લોકો નકામી વાતો તરફ વળ્યા છે.+
૭ તેઓ નિયમના શિક્ષકો તો બનવા માંગે છે,+ પણ તેઓ જે કહે છે અથવા જે વાતોને પકડી રાખે છે, એ તેઓ પોતે જ સમજતા નથી.
૮ આપણે જાણીએ છીએ કે જો નિયમશાસ્ત્ર* બરાબર* પાળવામાં આવે, તો નિયમશાસ્ત્ર સારું છે.
૯ આપણે એ પણ સમજીએ છીએ કે નિયમો નેક* માણસ માટે નહિ, પણ ખોટાં કામ કરનારા+ અને બંડખોરો, અધર્મી અને પાપીઓ, બેવફા* અને પવિત્રને અપવિત્ર કરનારા, માતા કે પિતાના ખૂનીઓ, હત્યારા,
૧૦ વ્યભિચારીઓ,* સજાતીય સંબંધ બાંધતા માણસો,* અપહરણ કરનારા, જૂઠું બોલનારા, સોગંદ તોડનારા* અને લાભકારક શિક્ષણની+ વિરુદ્ધ જનારા લોકો માટે છે.
૧૧ એ લાભકારક શિક્ષણ આનંદી ઈશ્વરની ભવ્ય ખુશખબર પ્રમાણે છે, જે મને સોંપવામાં આવી છે.+
૧૨ મને શક્તિ આપનાર ખ્રિસ્ત ઈસુ આપણા માલિકનો હું આભારી છું, કેમ કે તેમણે મને ભરોસાપાત્ર ગણીને સેવાકાર્ય સોંપ્યું છે.+
૧૩ એ વાત સાચી છે કે અગાઉ હું ઈશ્વરની નિંદા કરનાર, જુલમી અને ઉદ્ધત માણસ હતો.+ તોપણ મારા પર દયા બતાવવામાં આવી, કેમ કે મેં અજાણતાં અને શ્રદ્ધા ન હોવાને લીધે એમ કર્યું હતું.
૧૪ પણ મને પુષ્કળ પ્રમાણમાં આપણા ઈશ્વરની અપાર કૃપા મળી છે. મને ખ્રિસ્ત ઈસુ પાસેથી પ્રેમ મળ્યો છે અને શ્રદ્ધા પણ મળી છે.
૧૫ આ વાત ભરોસાપાત્ર છે અને પૂરી રીતે સ્વીકારવા યોગ્ય છે: ખ્રિસ્ત ઈસુ પાપીઓને બચાવવા આ દુનિયામાં આવ્યા હતા.+ એ પાપીઓમાં હું સૌથી વધારે પાપી છું.+
૧૬ છતાં મારા પર દયા કરવામાં આવી, જેથી મારા જેવા સૌથી વધારે પાપી માણસના કિસ્સાથી, ખ્રિસ્ત ઈસુ પોતાની પૂરેપૂરી ધીરજ બતાવે. આમ, જેઓ હંમેશ માટેનું જીવન મેળવવા ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા મૂકવાના છે,+ તેઓ માટે તેમણે મને દાખલારૂપ બનાવ્યો છે.
૧૭ સનાતન યુગોના રાજા,+ અવિનાશી,+ અદૃશ્ય,+ એકમાત્ર ઈશ્વરને+ સદાને માટે માન અને મહિમા મળે. આમેન.*
૧૮ મારા વહાલા દીકરા તિમોથી, તારા વિશે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ પ્રમાણે હું તને સલાહ* આપું છું. એ ભવિષ્યવાણીઓ તને સારી લડાઈ લડતા રહેવા મદદ કરશે.+
૧૯ એમ કરતી વખતે, તું શ્રદ્ધા અને સારા અંતઃકરણને વળગી રહેજે.+ કેટલાકે અંતઃકરણને બાજુ પર મૂકી દીધું છે, જેના લીધે તેઓની શ્રદ્ધાનું વહાણ ભાંગી પડ્યું છે.
૨૦ હુમનાયસ+ અને એલેકઝાંડર તેઓમાંના છે. મેં તેઓને શેતાનના હાથમાં સોંપી દીધા છે,*+ જેથી એ સજાથી* તેઓ શીખે કે ઈશ્વરની નિંદા ન કરવી જોઈએ.
ફૂટનોટ
^ અર્થ, “ઈશ્વરને માન આપનાર.”
^ અથવા, “સૂચના; આજ્ઞા.”
^ મૂળ, “નિયમ પ્રમાણે.”
^ અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
^ અથવા, “અતૂટ પ્રેમ વગરના.”
^ અથવા, “ખોટા સમ ખાનારા.”
^ શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.
^ અથવા, “પુરુષો સાથે જાતીય સંબંધ બાંધતા પુરુષો.”
^ અથવા, “સૂચના; આજ્ઞા.”
^ એટલે કે, મંડળમાંથી તેઓને કાઢી મૂકવામાં આવ્યા છે.
^ અથવા, “શિસ્તથી.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.