થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૧-૨૮
૫ ભાઈઓ, હવે આ બધું કયા સમયે અને કયા દિવસોમાં થશે, એ વિશે અમારે તમને કંઈ પણ લખવાની જરૂર નથી.
૨ તમે સારી રીતે જાણો છો કે જેમ રાતે ચોર આવે છે,+ તેમ યહોવાનો* દિવસ આવી રહ્યો છે.+
૩ જ્યારે લોકો કહેતા હશે, “શાંતિ અને સલામતી છે!” ત્યારે જેમ ગર્ભવતી સ્ત્રીને અચાનક પ્રસૂતિની પીડા ઊપડે છે, તેમ અચાનક તેઓ પર અણધાર્યો વિનાશ આવી પડશે.+ એ વિનાશમાંથી તેઓ કોઈ પણ રીતે બચી શકશે નહિ.
૪ પણ ભાઈઓ, તમે અંધારામાં નથી કે એ દિવસ તમારા પર અચાનક આવી પડે, જેમ દિવસનો પ્રકાશ અચાનક ચોર પર આવી પડે છે.
૫ કેમ કે તમે પ્રકાશના અને દિવસના દીકરાઓ છો.+ આપણે રાતના કે અંધકારના દીકરાઓ નથી.+
૬ એટલે આપણે બાકીના લોકોની જેમ ઊંઘતા ન રહીએ,+ પણ જાગતા રહીએ+ અને સમજી-વિચારીને વર્તીએ.+
૭ જેઓ ઊંઘે છે, તેઓ રાતે ઊંઘે છે અને જેઓ દારૂ પીએ છે, તેઓ રાતે દારૂ પીને નશામાં ચકચૂર થાય છે.+
૮ પણ આપણે દિવસના દીકરાઓ હોવાથી સમજી-વિચારીને વર્તીએ, શ્રદ્ધા અને પ્રેમનું બખ્તર પહેરીએ અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીએ.+
૯ કેમ કે ઈશ્વરે આપણને તેમના કોપ માટે નહિ, પણ આપણા માલિક ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર મેળવવા પસંદ કર્યા છે.+
૧૦ ઈસુ આપણા માટે મરી ગયા,+ જેથી ભલે આપણે જાગતા હોઈએ કે ઊંઘી જઈએ,* આપણે તેમની સાથે જીવીએ.+
૧૧ તેથી જેમ હમણાં કરો છો, તેમ એકબીજાને ઉત્તેજન* આપતા રહો અને એકબીજાને મક્કમ કરતા રહો.+
૧૨ હવે ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારામાં જેઓ સખત મહેનત કરે છે, આપણા માલિક ઈસુના કામમાં તમારી આગેવાની લે છે અને તમને શિખામણ આપે છે, તેઓને માન આપો.
૧૩ તેઓનાં કામને લીધે તેઓને પ્રેમથી અનેક ગણો આદર આપો.+ એકબીજા સાથે હળી-મળીને રહો.+
૧૪ ભાઈઓ, અમે તમને અરજ કરીએ છીએ કે મનમાની કરનાર લોકોને* ચેતવણી* આપો,+ નિરાશ* થઈ ગયેલા લોકોને દિલાસો આપો, નબળા લોકોને સાથ આપો અને બધા સાથે ધીરજથી વર્તો.+
૧૫ ધ્યાન રાખો, તમે બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળો,+ પણ હંમેશાં એકબીજાનું અને સર્વ લોકોનું ભલું કરો.+
૧૬ હંમેશાં આનંદ કરો.+
૧૭ સતત પ્રાર્થના કરો.+
૧૮ બધી બાબતો માટે આભાર માનો.+ ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારા માટે ઈશ્વરની એવી ઇચ્છા છે.
૧૯ પવિત્ર શક્તિના કામને અટકાવશો નહિ.*+
૨૦ ભવિષ્યવાણીઓને તુચ્છ ગણશો નહિ.+
૨૧ બધી વસ્તુઓની પરખ કરો+ અને જે સારું છે એને વળગી રહો.
૨૨ દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.+
૨૩ મારી પ્રાર્થના છે કે શાંતિના ઈશ્વર પોતે તમને પૂરી રીતે પવિત્ર કરે. તેમ જ, આપણા માલિક ઈસુ ખ્રિસ્તની હાજરી* દરમિયાન તમારું મન, જીવન* અને શરીર દરેક રીતે સારું અને નિર્દોષ રહે.+
૨૪ તમને બોલાવનાર ઈશ્વર વિશ્વાસુ છે અને તે જરૂર એમ કરશે.
૨૫ ભાઈઓ, અમારા માટે પ્રાર્થના કરતા રહો.+
૨૬ પ્રેમથી ભેટીને* બધા ભાઈઓને સલામ કહેજો.
૨૭ હું તમને માલિકના નામમાં ફરજ પાડું છું કે આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો.+
૨૮ આપણા માલિક ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા તમારા પર રહે.
ફૂટનોટ
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ અથવા, “મરણમાં ઊંઘી જઈએ.”
^ અથવા, “દિલાસો.”
^ અથવા, “નાહિંમત.”
^ અથવા, “સલાહ.”
^ અથવા, “આજ્ઞા ન માનનાર લોકોને; અશાંતિ ફેલાવનાર લોકોને.”
^ મૂળ, “પવિત્ર શક્તિની આગ હોલવશો નહિ.”
^ શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
^ મૂળ, “પવિત્ર ચુંબન આપીને.”