પિતરનો પહેલો પત્ર ૨:૧-૨૫
૨ તેથી તમે દરેક પ્રકારની દુષ્ટતા,+ કપટ, ઢોંગ, ઈર્ષા અને નિંદા તમારામાંથી દૂર કરો.
૨ જેમ નવું જન્મેલું બાળક+ માના દૂધની ઝંખના રાખે છે, તેમ તમે ઈશ્વરના સંદેશાની ઝંખના રાખો. એ સંદેશો ભેળસેળ વગરના* દૂધ જેવો છે, જેનાથી તમારી વૃદ્ધિ થશે અને તમારો ઉદ્ધાર થશે.+
૩ જો તમે આપણા માલિકની કૃપાનો અનુભવ કર્યો હશે,* તો તમે વૃદ્ધિ અને ઉદ્ધાર મેળવી શકશો.
૪ માણસોએ જીવંત પથ્થરને નાપસંદ કર્યો,+ પણ ઈશ્વરે એને પસંદ કર્યો અને મૂલ્યવાન ગણ્યો.+ તમે એ પથ્થર પાસે આવો છો ત્યારે,
૫ તમે પણ જીવંત પથ્થરોની જેમ પવિત્ર શક્તિથી એક ઘર તરીકે ચણાતા જાઓ છો.+ એવું એટલે કરવામાં આવે છે, જેથી તમે પવિત્ર યાજકોનું* જૂથ બનો અને ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સ્વીકારે+ એવાં બલિદાનો ચઢાવી શકો.+
૬ કેમ કે શાસ્ત્રમાં લખેલું છે: “જુઓ! હું સિયોનમાં પસંદ કરેલો એક પથ્થર મૂકું છું. એ પથ્થર ખૂણાનો મૂલ્યવાન પથ્થર* છે અને એના પર ભરોસો રાખનાર કદી નિરાશ નહિ થાય.”*+
૭ તેથી તમારા માટે તે મૂલ્યવાન છે, કેમ કે તમે તેમનામાં ભરોસો મૂકો છો. પણ જેઓ ભરોસો નથી મૂકતા તેઓ વિશે શાસ્ત્ર જણાવે છે: “બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો,+ એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.”+
૮ તેમ જ, એ “ઠોકર ખવડાવનાર પથ્થર અને ઠેસ પહોંચાડનાર ખડક બન્યો છે.”+ તેઓ ઠોકર ખાય છે, કેમ કે તેઓ ઈશ્વરનો સંદેશો માનતા નથી. તેઓ માટે એવો જ અંત રાહ જોઈ રહ્યો છે.
૯ પણ તમે “પસંદ કરેલી જાતિ, રાજાઓ તરીકે સેવા આપતા યાજકો, પવિત્ર પ્રજા+ અને ઈશ્વરની ખાસ સંપત્તિ તરીકે પસંદ થયેલા લોકો છો,+ જેથી તમે બધી જગ્યાએ એ ઈશ્વરના મહાન ગુણો* જાહેર કરો,”+ જે તમને અંધકારમાંથી પોતાના અદ્ભુત પ્રકાશમાં લાવ્યા છે.+
૧૦ કેમ કે એક સમયે તમે ઈશ્વરના લોકો ન હતા, પણ હવે તમે ઈશ્વરના લોકો છો.+ એક સમયે તમારા પર દયા બતાવવામાં આવી ન હતી, પણ હવે તમારા પર દયા બતાવવામાં આવી છે.+
૧૧ વહાલાઓ, તમે આ દુનિયામાં પરદેશીઓ અને પ્રવાસીઓ છો.+ હું તમને વિનંતી કરું છું કે શરીરની પાપી ઇચ્છાઓથી દૂર રહો,+ જે તમારી વિરુદ્ધ લડાઈ કરે છે.+
૧૨ દુનિયાના લોકો વચ્ચે તમારાં વાણી-વર્તન સારાં રાખો,+ જેથી તેઓ તમારા પર ખોટું કામ કરવાનો આરોપ મૂકે ત્યારે, પોતાની નજરે તમારાં સારાં કામ જુએ.+ એનું પરિણામ એ આવશે કે ઈશ્વર તપાસ કરવા આવશે એ દિવસે તેઓ તેમને મહિમા આપશે.
૧૩ આપણા માલિકની ઇચ્છા પૂરી કરવા માણસોએ સ્થાપેલી દરેક સત્તાને આધીન રહો.+ રાજાને આધીન રહો,+ કેમ કે તે તમારા કરતાં ચઢિયાતો છે.
૧૪ તેણે મોકલેલા રાજ્યપાલોને પણ આધીન રહો, જેઓ ખોટું કરનારાઓને સજા કરે છે, પણ સારું કરનારાઓના વખાણ કરે છે.+
૧૫ કેમ કે ઈશ્વરની ઇચ્છા છે કે તમે સારાં કામ કરીને એ મૂર્ખોનાં મોં બંધ કરી દો, જેઓ વિચાર્યા વગર તમારી વિરુદ્ધ બોલે છે.+
૧૬ આઝાદ લોકો+ તરીકે જીવો, પોતાની આઝાદીને બહાનું બનાવીને ખોટાં કામો કરશો નહિ,*+ પણ ઈશ્વરના દાસો+ તરીકે જીવવા એનો ઉપયોગ કરો.
૧૭ દરેક પ્રકારના માણસોને માન આપો,+ સર્વ ભાઈઓને પ્રેમ બતાવો,+ ઈશ્વરનો ડર* રાખો+ અને રાજાને માન આપો.+
૧૮ દાસો, તમારા માલિકોને પૂરા દિલથી આધીન રહો.+ ફક્ત સારા અને નમ્ર* માલિકોને જ નહિ, પણ ખુશ કરવા મુશ્કેલ હોય એવા* માલિકોને પણ આધીન રહો.
૧૯ ઈશ્વર આગળ સાફ અંત:કરણ* રાખવા જો કોઈ માણસ તકલીફ* અને અન્યાય સહન કરે, તો ઈશ્વર તેનાથી ખુશ થાય છે.+
૨૦ જો પાપ કરવાને લીધે તમે માર ખાઓ અને સહન કરો, તો એમાં વખાણવા જેવું શું છે?+ પણ જો સારું કરવાને લીધે તમે સહન કરો, તો એનાથી ઈશ્વર ખુશ થાય છે.+
૨૧ હકીકતમાં, એના માટે જ તમને બોલાવવામાં આવ્યા છે, કેમ કે ખ્રિસ્તે પણ તમારા માટે દુઃખ વેઠ્યું+ અને દાખલો બેસાડ્યો, જેથી તમે તેમના પગલે ચાલો.+
૨૨ તેમણે કોઈ પાપ કર્યું ન હતું+ અને તેમના મોંમાં કંઈ કપટ ન હતું.+
૨૩ જ્યારે તેમનું અપમાન* કરવામાં આવ્યું,+ ત્યારે તેમણે સામે અપમાન* કર્યું નહિ.+ દુઃખો સહન કરતી વખતે+ તેમણે ધમકી આપી નહિ, પણ અદ્દલ ન્યાય કરનારના+ હાથમાં પોતાને સોંપી દીધા.
૨૪ જ્યારે તેમને વધસ્તંભ* પર જડવામાં આવ્યા,+ ત્યારે તેમણે આપણાં પાપ પોતાના શરીર પર લીધાં,+ જેથી આપણે પાપથી આઝાદ થઈએ અને નેક કામો કરવા જીવીએ. “તેમના જખમોથી તમને સાજા કરવામાં આવ્યા.”+
૨૫ કેમ કે તમે ભટકી ગયેલાં ઘેટાં જેવા હતા,+ પણ હવે તમારા જીવનના પાળક અને દેખરેખ રાખનારની* પાસે તમે પાછા આવ્યા છો.+
ફૂટનોટ
^ અથવા, “શુદ્ધ.”
^ અથવા, “ચાખી હશે.”
^ શબ્દસૂચિમાં “ખૂણાનો પથ્થર” જુઓ.
^ મૂળ, “શરમમાં નહિ મુકાય.”
^ શબ્દસૂચિમાં “ખૂણાનો પથ્થર” જુઓ.
^ એટલે કે, પ્રશંસાપાત્ર ગુણો અને કામો.
^ અથવા, “આઝાદીનો ઉપયોગ ખોટાં કામો સંતાડવા કરશો નહિ.”
^ અથવા, “હઠીલા ન હોય એવા.”
^ અથવા, “કડક; કઠોર.”
^ અથવા, “દુઃખ; પીડા.”
^ અથવા, “નિંદા.”
^ અથવા, “નિંદા.”
^ અથવા, “વડીલની.”