પિતરનો પહેલો પત્ર ૩:૧-૨૨

  • પત્નીઓ અને પતિઓ (૧-૭)

  • સુખ-દુઃખના સાથી બનો; શાંતિ રાખવા મહેનત કરો (૮-૧૨)

  • ખરા માર્ગે ચાલવાને લીધે સહેવું (૧૩-૨૨)

    • તમારી આશા વિશે ખુલાસો આપવા તૈયાર રહો (૧૫)

    • બાપ્તિસ્મા અને શુદ્ધ અંતઃકરણ (૨૧)

 એવી જ રીતે, પત્નીઓ, તમે તમારા પતિને આધીન રહો,+ જેથી જો કોઈ પતિ ઈશ્વરનો સંદેશો માનનાર ન હોય,+ ૨  તો પત્ની પોતાના શબ્દોથી નહિ, પણ પવિત્ર વર્તન+ અને ઊંડા આદરથી પોતાના પતિને જીતી શકે. ૩  તમારો શણગાર બહારનો ન હોય, જેમ કે, વાળ ગૂંથવા, સોનાનાં ઘરેણાં+ અને મોંઘાં મોંઘાં કપડાં પહેરવાં. ૪  પણ તમારો શણગાર અંદરનો હોય, એટલે કે શાંત અને કોમળ સ્વભાવનો+ હોય. એ એવો શણગાર છે, જેનો નાશ થતો નથી અને જે ઈશ્વરની નજરમાં ઘણો મૂલ્યવાન છે. ૫  પહેલાંના સમયની પવિત્ર સ્ત્રીઓ ઈશ્વરમાં આશા રાખતી હતી અને એવી જ રીતે શણગાર કરતી હતી અને પોતાના પતિને આધીન રહેતી હતી, ૬  જેમ સારાહ ઇબ્રાહિમને આધીન રહેતી હતી અને તેમને “સ્વામી” કહેતી હતી.+ જો તમે સારું કરતી રહો અને કશાથી નહિ ડરો, તો તમે સારાહની દીકરીઓ છો.+ ૭  એવી જ રીતે, પતિઓ, તમારી પત્ની સાથે સમજદારીથી રહો.* સ્ત્રીઓ નાજુક વાસણ જેવી છે, એટલે તેઓને માન આપો,+ નહિતર તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં આવશે, કેમ કે તમારી સાથે તેઓ પણ અપાર કૃપાથી મળતા જીવનની વારસ છે.+ ૮  છેવટે, તમે બધા એકમનના,*+ સુખ-દુઃખના સાથી, ભાઈ જેવો પ્રેમ રાખનારા, માયાળુ+ અને નમ્ર+ બનો. ૯  બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળો+ અથવા અપમાનનો બદલો અપમાનથી ન લો.+ એના બદલે, સામે આશીર્વાદ આપો,+ કેમ કે બીજાઓને આશીર્વાદ આપવા તમને બોલાવવામાં આવ્યા છે, જેથી તમે આશીર્વાદનો વારસો મેળવો. ૧૦  કેમ કે લખેલું છે: “જે કોઈ જીવનને વહાલું ગણે છે અને સારા દિવસો જોવા માંગે છે, તેણે પોતાની જીભને બૂરાઈથી+ અને પોતાના હોઠને છળ-કપટથી દૂર રાખવાં. ૧૧  તેણે ખરાબ કામોથી પાછા ફરવું+ અને ભલું કરવું.+ તેણે હળી-મળીને રહેવું અને શાંતિ રાખવા મહેનત કરવી.+ ૧૨  કેમ કે યહોવાની* નજર નેક* લોકો પર છે, તેઓની અરજો તે કાને ધરે છે.+ પણ યહોવા* ખરાબ કામો કરનારાઓની વિરુદ્ધ છે.”+ ૧૩  જો તમે સારાં કામ કરવા ઉત્સાહી બનો, તો કોણ તમને નુકસાન કરશે?+ ૧૪  જો તમારે ખરા માર્ગે ચાલવાને લીધે સહેવું પડે, તો તમે સુખી છો.+ પણ બીજા લોકો જેનાથી ડરે છે એનાથી ડરશો નહિ* અને ચિંતા કરશો નહિ.+ ૧૫  એના બદલે, તમે દિલથી સ્વીકારો કે ખ્રિસ્ત જ તમારા માલિક છે અને તે માનને યોગ્ય છે.* તમે જે આશા રાખો છો એ વિશે કોઈ ખુલાસો માંગે તો, તેને જવાબ આપવા હંમેશાં તૈયાર રહો. પણ નરમાશથી*+ અને પૂરા આદર+ સાથે જવાબ આપો. ૧૬  ઈશ્વરની નજરમાં તમારું અંતઃકરણ શુદ્ધ રાખો.+ ભલે લોકો તમારા વિશે કંઈ પણ ખરાબ બોલે, પણ ખ્રિસ્તના સેવકો તરીકે તમારાં સારાં વાણી-વર્તન જોશે ત્યારે,+ તેઓ શરમમાં મુકાશે.+ ૧૭  જો ઈશ્વરની ઇચ્છા એવી હોય કે તમે સહન કરો, તો દુષ્ટ કામોને લીધે સહન કરવાને બદલે+ સારાં કામોને લીધે સહન કરવું વધારે સારું છે.+ ૧૮  કેમ કે આપણાં પાપ માટે ખ્રિસ્ત મોતને ભેટ્યા, એવું તેમણે એક જ વાર અને હંમેશ માટે કર્યું.+ તે નેક હોવા છતાં મોતને ભેટ્યા,+ જેથી તમને ઈશ્વર પાસે લઈ જઈ શકે.+ તેમને મારી નાખવામાં આવ્યા ત્યારે તેમનું માનવી શરીર હતું,+ પણ તેમને જીવતા કરવામાં આવ્યા ત્યારે તેમને સ્વર્ગમાંનું શરીર આપવામાં આવ્યું.*+ ૧૯  પછી તેમણે જઈને કેદમાં પડેલા દુષ્ટ દૂતોને પ્રચાર કર્યો,+ ૨૦  જેઓએ નૂહના દિવસોમાં ઈશ્વરની આજ્ઞા માની ન હતી. એ સમયે ઈશ્વર ધીરજથી રાહ જોતા હતા+ અને વહાણ* બંધાઈ રહ્યું હતું.+ એ વહાણને લીધે થોડાક, એટલે કે આઠ લોકો* પાણીથી બચી ગયા હતા.+ ૨૧  આ ઘટના બાપ્તિસ્માને* દર્શાવે છે. ઈસુ ખ્રિસ્તને જીવતા કરવામાં આવ્યા એના દ્વારા એ બાપ્તિસ્મા તમને હમણાં બચાવી રહ્યું છે. બાપ્તિસ્માનો અર્થ શરીરનો મેલ દૂર કરવો નહિ, પણ શુદ્ધ અંતઃકરણ માટે ઈશ્વરને અરજ કરવી થાય છે.+ ૨૨  ખ્રિસ્ત હમણાં સ્વર્ગમાં ગયા છે અને ઈશ્વરના જમણા હાથે બેઠા છે.+ દૂતો, અધિકારો અને સત્તાઓ તેમને આધીન કરવામાં આવ્યાં છે.+

ફૂટનોટ

અથવા, “પત્નીનો વિચાર કરો; પત્નીને સમજો.”
અથવા, “એકવિચારના.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા કદાચ, “પણ તેઓની ધમકીઓથી ગભરાશો નહિ.”
અથવા, “તે પવિત્ર છે.”
અથવા, “કોમળતાથી.”
અથવા, “તેમને સ્વર્ગમાં જીવન આપવામાં આવ્યું.”
દેખીતું છે, નૂહનું વહાણ લંબચોરસ પેટી જેવું હતું, જેનું તળિયું સપાટ હતું.
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.