પહેલો રાજાઓ ૧:૧-૫૩

  • દાઉદ અને અબીશાગ (૧-૪)

  • અદોનિયાને સત્તાની લાલસા જાગે છે (૫-૧૦)

  • નાથાન અને બાથ-શેબા પગલાં ભરે છે (૧૧-૨૭)

  • દાઉદ સુલેમાનનો અભિષેક કરવાનો હુકમ આપે છે (૨૮-૪૦)

  • અદોનિયા વેદી પાસે દોડી જાય છે (૪૧-૫૩)

 દાઉદ રાજા ઘણો વૃદ્ધ થયો હતો.+ તેને ઘણા ધાબળા ઓઢાડવામાં આવ્યા, તોપણ તેનું શરીર ગરમ રહેતું ન હતું. ૨  તેના સેવકોએ તેને કહ્યું: “હે અમારા માલિક, અમારા રાજા, તમે કહો તો એક કુંવારી છોકરી શોધી લાવીએ. તે તમારી સેવાચાકરી કરશે. તે તમારી સાથે સૂઈ જશે, જેથી તમારા શરીરને હૂંફ મળે.” ૩  તેઓ સુંદર છોકરી શોધવા ઇઝરાયેલના બધા વિસ્તારોમાં ફરી વળ્યા. તેઓને શૂનેમમાં+ રહેતી અબીશાગ+ મળી આવી. તેઓ તેને રાજા પાસે લઈ આવ્યા. ૪  એ છોકરી રૂપ રૂપનો અંબાર હતી. તે રાજાની સેવાચાકરી કરવા લાગી. પણ રાજાએ તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો નહિ. ૫  એ દરમિયાન હાગ્ગીથના દીકરા અદોનિયાને+ સત્તાની લાલસા જાગી. તેણે વિચાર્યું: “હવે તો હું જ રાજા બનીશ!” તેણે પોતાના માટે એક રથ તૈયાર કર્યો. તેણે ઘોડેસવારોને અને ૫૦ માણસોને પોતાની આગળ દોડવા માટે રાખ્યા.+ ૬  તેના પિતાએ ક્યારેય તેને આમ કહીને રોક્યો ન હતો* કે, “તું આવું કેમ કરે છે?” અદોનિયા ખૂબ દેખાવડો હતો અને આબ્શાલોમ પછી તેનો જન્મ થયો હતો. ૭  અદોનિયાએ સરૂયાના દીકરા યોઆબ અને અબ્યાથાર+ યાજક* સાથે વાત કરી. તેઓ તેને મદદ કરવા અને સાથ આપવા તૈયાર થઈ ગયા.+ ૮  પણ સાદોક+ યાજક, યહોયાદાનો દીકરો બનાયા,+ નાથાન+ પ્રબોધક,* શિમઈ,+ રેઈ અને દાઉદના શૂરવીર યોદ્ધાઓએ+ અદોનિયાને સાથ આપ્યો નહિ. ૯  પછી અદોનિયાએ એન-રોગેલ નજીક ઝોહેલેથના પથ્થર પાસે ઘેટાં, ઢોરઢાંક અને તાજાં-માજાં પશુઓનાં બલિદાન ચઢાવ્યાં.+ તેણે રાજાના દીકરાઓને, એટલે કે પોતાના બધા ભાઈઓને બોલાવ્યા. રાજાની સેવા કરતા યહૂદાના બધા માણસોને પણ બોલાવ્યા. ૧૦  તેણે નાથાન પ્રબોધક, બનાયા, શૂરવીર યોદ્ધાઓ અને પોતાના ભાઈ સુલેમાનને બોલાવ્યા નહિ. ૧૧  નાથાને+ સુલેમાનની માતા+ બાથ-શેબાને+ કહ્યું: “શું તમે સાંભળ્યું નથી કે હાગ્ગીથનો દીકરો અદોનિયા+ રાજા બની બેઠો છે? આપણા માલિક દાઉદને એની ખબર પણ નથી. ૧૨  જો તમારો અને તમારા દીકરા સુલેમાનનો+ જીવ બચાવવો હોય, તો મારી સલાહ માનો. ૧૩  રાજા દાઉદ પાસે જઈને કહો, ‘હે રાજાજી, મારા માલિક, શું તમે સમ ખાઈને તમારી આ દાસીને કહ્યું ન હતું કે “તારો દીકરો સુલેમાન મારા પછી રાજા બનશે, મારી રાજગાદી પર તે જ બેસશે”?+ તો અદોનિયા કેમ રાજા બની બેઠો છે?’ ૧૪  તમે રાજા સાથે વાત કરતા હશો ત્યારે, હું તમારી પાછળ આવીશ અને તમારી વાતને ટેકો આપીશ.” ૧૫  રાજાને મળવા બાથ-શેબા તેના ઓરડામાં ગઈ. રાજા ઘણો વૃદ્ધ હતો અને શૂનેમની અબીશાગ+ તેની સેવાચાકરી કરતી હતી. ૧૬  બાથ-શેબાએ રાજા આગળ ભૂમિ સુધી માથું નમાવીને નમન કર્યું. રાજાએ તેને પૂછ્યું: “તારી શી વિનંતી છે?” ૧૭  બાથ-શેબાએ કહ્યું: “મારા માલિક, તમે તમારા ઈશ્વર યહોવાના* સમ ખાઈને આ દાસીને કહ્યું હતું, ‘તારો દીકરો સુલેમાન મારા પછી રાજા બનશે, મારી રાજગાદી પર તે જ બેસશે.’+ ૧૮  પણ જુઓ! અદોનિયા રાજા બની બેઠો છે અને મારા માલિક, મારા રાજાને એ વિશે કંઈ ખબર નથી.+ ૧૯  તેણે પુષ્કળ આખલાઓ,* તાજાં-માજાં પશુઓ અને ઘેટાઓનાં બલિદાન ચઢાવ્યાં છે. તેણે રાજાના બધા દીકરાઓને, અબ્યાથાર યાજકને અને સેનાપતિ યોઆબને+ બોલાવ્યા છે. પણ તમારા સેવક સુલેમાનને બોલાવ્યો નથી.+ ૨૦  હે રાજાજી, મારા માલિક, તમારા પછી રાજગાદીએ કોણ બેસશે એ જાણવા હવે બધા ઇઝરાયેલીઓ તમારા તરફ મીટ માંડે છે. ૨૧  હે મારા માલિક, તમે કંઈ નહિ જણાવો તો, તમારા મરણ* પછી તરત જ મને અને મારા દીકરા સુલેમાનને દગાખોર જાહેર કરવામાં આવશે.” ૨૨  રાજા સાથે બાથ-શેબા વાત કરતી હતી એવામાં નાથાન પ્રબોધક આવી પહોંચ્યો.+ ૨૩  સેવકોએ તરત રાજાને જણાવ્યું: “નાથાન પ્રબોધક આવ્યા છે!” તે રાજા આગળ આવ્યો અને જમીન સુધી માથું નમાવીને નમન કર્યું. ૨૪  નાથાને કહ્યું: “હે રાજાજી, મારા માલિક, શું તમે એવું કહ્યું હતું કે ‘અદોનિયા મારા પછી રાજા બનશે, મારી રાજગાદી પર તે જ બેસશે’?+ ૨૫  તે આજે ઘણાં આખલાઓ, તાજાં-માજાં પશુઓ અને ઘેટાઓનાં બલિદાન ચઢાવવા ગયો છે.+ તેણે રાજાના બધા દીકરાઓને, સૈન્યના અધિકારીઓને અને અબ્યાથાર યાજકને બોલાવ્યા છે.+ તેઓ બધા તેની સાથે ખાઈ-પી રહ્યા છે અને કહે છે, ‘અદોનિયા રાજા લાંબું જીવો!’ ૨૬  તેણે મને, હા, તમારા આ સેવકને બોલાવ્યો નથી. તેણે સાદોક યાજકને, યહોયાદાના દીકરા બનાયાને+ કે તમારા સેવક સુલેમાનને પણ બોલાવ્યો નથી. ૨૭  હે રાજાજી, મારા માલિક, શું તમે આ બધું કરવાની રજા આપી છે? તમારા પછી કોણ રાજગાદીએ બેસશે એ તમે આ સેવકને પણ ન જણાવ્યું?” ૨૮  દાઉદ રાજાએ જવાબ આપ્યો: “બાથ-શેબાને બોલાવો.” તે રાજા આગળ આવીને ઊભી રહી. ૨૯  રાજાએ સોગંદ ખાતા કહ્યું: “મને બધી મુસીબતોમાંથી છોડાવનાર યહોવાના સમ* ખાઈને હું કહું છું.+ ૩૦  મેં ઇઝરાયેલના ઈશ્વર યહોવાના સમ ખાઈને તને કહ્યું હતું કે ‘તારો દીકરો સુલેમાન મારા પછી રાજા બનશે, મારી રાજગાદી પર તે જ બેસશે.’ મારા એ સમ હું આજે પૂરા કરીશ.” ૩૧  બાથ-શેબાએ ભૂમિ સુધી માથું નમાવીને રાજાને નમન કર્યું. તેણે કહ્યું: “મારા માલિક, રાજા દાઉદ સદા જીવો!” ૩૨  દાઉદ રાજાએ તરત જ કહ્યું: “સાદોક યાજક, નાથાન પ્રબોધક અને યહોયાદાના+ દીકરા બનાયાને+ બોલાવો.” તેઓ રાજાની હજૂરમાં આવ્યા. ૩૩  રાજાએ કહ્યું: “તમારી સાથે મારા સેવકોને લઈ જાઓ. મારા દીકરા સુલેમાનને મારા ખચ્ચર* પર બેસાડો+ અને તેને ગીહોન લઈ જાઓ.+ ૩૪  ત્યાં સાદોક યાજક અને નાથાન પ્રબોધક આખા ઇઝરાયેલ પર તેનો રાજા તરીકે અભિષેક* કરશે.+ પછી તમે રણશિંગડું વગાડજો અને કહેજો: ‘સુલેમાન રાજા જુગ જુગ જીવો!’+ ૩૫  તમે તેની પાછળ પાછળ આવજો. તે આવીને મારી રાજગાદી પર બેસશે. મારી જગ્યાએ તે રાજા બનશે. હું તેને ઇઝરાયેલ અને યહૂદા પર આગેવાન ઠરાવીશ.” ૩૬  યહોયાદાના દીકરા બનાયાએ રાજાને કહ્યું: “આમેન!* મારા રાજા, મારા માલિકના ઈશ્વર યહોવા એવું જ થવા દો! ૩૭  યહોવા જેમ મારા માલિક સાથે હતા, તેમ સુલેમાન સાથે પણ રહો.+ તે સુલેમાનનું રાજ્યાસન મારા રાજા દાઉદના રાજ્યાસનથી પણ મહાન કરો!”+ ૩૮  પછી સાદોક યાજક, નાથાન પ્રબોધક, યહોયાદાનો દીકરો બનાયા,+ કરેથીઓ અને પલેથીઓએ+ જઈને સુલેમાનને દાઉદ રાજાના+ ખચ્ચર પર બેસાડ્યો અને ગીહોન+ લઈ ગયા. ૩૯  સાદોક યાજકે મંડપમાંથી*+ તેલ ભરેલું શિંગ લીધું+ અને સુલેમાનનો અભિષેક કર્યો.+ તેઓ રણશિંગડું વગાડવા લાગ્યા અને લોકોએ મોટેથી પોકાર કર્યો: “સુલેમાન રાજા જુગ જુગ જીવો!” ૪૦  પછી બધા લોકો સુલેમાનની પાછળ પાછળ ગયા. તેઓ વાંસળી વગાડતા હતા અને ખૂબ આનંદ મનાવતા હતા. તેઓના અવાજથી ધરતી ધ્રૂજી ઊઠી.+ ૪૧  અદોનિયા અને તેના મહેમાનોએ જમી લીધું ત્યારે,+ તેઓને એ અવાજ સંભળાયો. રણશિંગડાનો અવાજ સાંભળીને યોઆબ બોલી ઊઠ્યો: “શહેરમાં આટલો શોરબકોર શાનો?” ૪૨  તે હજી બોલતો હતો એવામાં અબ્યાથાર યાજકનો દીકરો યોનાથાન+ આવ્યો. અદોનિયાએ કહ્યું: “આવ, તું સારો* માણસ છે અને સારી ખબર જ લાવ્યો હશે.” ૪૩  પણ યોનાથાને અદોનિયાને કહ્યું: “ના, સારી ખબર નથી! આપણા રાજા દાઉદે સુલેમાનને રાજા બનાવ્યો છે. ૪૪  રાજા દાઉદે તેની સાથે સાદોક યાજક, નાથાન પ્રબોધક, યહોયાદાનો દીકરો બનાયા, કરેથીઓ અને પલેથીઓને મોકલ્યા હતા. તેઓએ તેને રાજાના ખચ્ચર પર સવારી કરાવી.+ ૪૫  પછી સાદોક યાજકે અને નાથાન પ્રબોધકે ગીહોનમાં તેનો રાજા તરીકે અભિષેક કર્યો. તેઓ ખુશી મનાવતાં મનાવતાં પાછા ફર્યા છે. આખા શહેરમાં શોરબકોર થઈ રહ્યો છે અને એનો અવાજ તમને સંભળાય છે. ૪૬  એટલું જ નહિ, સુલેમાન હવે રાજગાદીએ બેઠો છે. ૪૭  રાજાના સેવકો આવીને દાઉદ રાજાને અભિનંદન આપતા કહે છે, ‘ઈશ્વર તમારા નામ કરતાં સુલેમાનનું નામ વધારે પ્રખ્યાત કરો. સુલેમાનનું રાજ્યાસન તમારા રાજ્યાસન કરતાં પણ મહાન કરો!’ એ સાંભળીને રાજાએ પથારી પર માથું નમાવીને ઈશ્વરને નમન કર્યું. ૪૮  રાજાએ આવું પણ કહ્યું, ‘ઇઝરાયેલના ઈશ્વર યહોવાની સ્તુતિ થાઓ! તેમણે આજે મારી રાજગાદીએ મારા દીકરાને બેસાડ્યો છે અને એ જોવાનો મને મોકો પણ આપ્યો છે.’” ૪૯  અદોનિયાના બધા મહેમાનો એ સાંભળીને ગભરાઈ ગયા. તેઓ સૌ ઊભા થઈને પોતપોતાના રસ્તે નાસી ગયા. ૫૦  અદોનિયા પણ સુલેમાનથી ગભરાઈ ગયો. તે ઊભો થઈને વેદી પાસે દોડી ગયો અને તેણે વેદીનાં શિંગડાં* પકડી લીધાં.+ ૫૧  સેવકોએ સુલેમાનને ખબર આપી: “સુલેમાન રાજાથી અદોનિયા ગભરાઈ ગયો છે. તેણે વેદીનાં શિંગડાં પકડી લીધાં છે અને કહે છે, ‘રાજા સુલેમાન પહેલા મારી આગળ સમ ખાય કે તે પોતાના આ સેવકને તલવારથી મારી નહિ નાખે.’” ૫૨  એ સાંભળીને સુલેમાને કહ્યું: “જો તે સારી રીતે વર્તશે, તો તેનો વાળ પણ વાંકો નહિ થાય. જો તે ખરાબ કામ કરશે,+ તો તે માર્યો જશે.” ૫૩  પછી અદોનિયાને વેદી પરથી લઈ આવવા સુલેમાન રાજાએ માણસો મોકલ્યા. તેણે આવીને રાજા સુલેમાન આગળ નમન કર્યું. સુલેમાને તેને કહ્યું: “તારા ઘરે જા.”

ફૂટનોટ

અથવા, “દુઃખી કર્યો ન હતો; ઠપકો આપ્યો ન હતો.”
મૂળ, “તમે તમારા પિતાઓ સાથે ઊંઘી જશો.”
મૂળ, “યહોવાના જીવના સમ.”
ગધેડા અને ઘોડીથી થયેલું બચ્ચું.
દેખીતું છે, અહીં કરારકોશના મંડપની વાત થાય છે.
અથવા, “બહાદુર.”