પહેલો રાજાઓ ૧૦:૧-૨૯

  • શેબાની રાણી સુલેમાનને મળવા આવે છે (૧-૧૩)

  • સુલેમાનની અઢળક ધનદોલત (૧૪-૨૯)

૧૦  શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ વિશે સાંભળ્યું, જે તેને યહોવાના નામને લીધે મળી હતી.+ એટલે તે અટપટા સવાલોથી* તેની કસોટી કરવા આવી.+ ૨  તે ઠાઠમાઠથી પોતાના નોકર-ચાકર સાથે યરૂશાલેમ આવી પહોંચી. તેની સાથે ઊંટો પણ હતાં, જેના પર સુગંધી તેલ,*+ પુષ્કળ સોનું અને કીમતી રત્નો લાદેલાં હતાં.+ તે સુલેમાન પાસે આવી અને પોતાના મનમાં જે કંઈ હતું એ બધું પૂછ્યું. ૩  સુલેમાને તેના બધા સવાલોના જવાબ આપ્યા. રાણીનો એક પણ સવાલ એવો ન હતો, જે સુલેમાન સમજાવી ન શકે. ૪  શેબાની રાણીએ જોયું કે સુલેમાન કેટલો બુદ્ધિશાળી છે!+ સુલેમાને બાંધેલો રાજમહેલ,+ ૫  તેની મેજ પરનું ભોજન,+ રાજદરબારીઓ માટે બેસવાની ગોઠવણ, ખોરાક અને દ્રાક્ષદારૂ પીરસતા ચાકરો, તેઓનો પોશાક અને યહોવાના મંદિરમાં તેણે નિયમિત ચઢાવેલાં અગ્‍નિ-અર્પણો રાણીએ જોયાં. એ બધું જોઈને શેબાની રાણી દંગ રહી ગઈ. ૬  તેણે રાજાને કહ્યું: “મેં મારા દેશમાં તમારી સફળતા અને બુદ્ધિ વિશે જે સાંભળ્યું હતું, એ બધું જ સાચું છે. ૭  મેં અહીં આવીને મારી નજરે ન જોયું ત્યાં સુધી હું માનતી ન હતી. અરે, મને તો આમાંનું અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. મેં સાંભળ્યું હતું એના કરતાં તમારી સમજણ અને જાહોજલાલી ઘણી વધારે છે. ૮  સુખી છે તમારા લોકો અને તમારા ચાકરો, જેઓ સદા તમારી આગળ ઊભા રહીને તમારા જ્ઞાનનો લાભ લે છે.+ ૯  તમારા ઈશ્વર યહોવાની સ્તુતિ થાઓ,+ જેમણે ખુશીથી તમને ઇઝરાયેલની રાજગાદી પર બેસાડ્યા છે. યહોવાને ઇઝરાયેલ પર કાયમ પ્રેમ હોવાથી તેમણે તમને રાજા તરીકે પસંદ કર્યા છે, જેથી તમે સાચો ન્યાય આપો અને સચ્ચાઈથી રાજ કરો.” ૧૦  શેબાની રાણીએ સુલેમાન રાજાને ૧૨૦ તાલંત* સોનું, ઘણું બધું સુગંધી તેલ+ અને કીમતી રત્નો+ આપ્યાં. તેણે રાજાને જેટલું સુગંધી તેલ આપ્યું, એટલું ફરી કોઈએ આપ્યું નહિ. ૧૧  હીરામ રાજાનાં વહાણોનો કાફલો ઓફીરથી*+ સોનું લાવતો હતો. એ કાફલો ઓફીરથી પુષ્કળ પ્રમાણમાં સુખડનાં લાકડાં+ અને કીમતી રત્નો+ પણ લાવતો હતો. ૧૨  સુલેમાન રાજાએ સુખડનાં લાકડાંમાંથી યહોવાના મંદિર અને રાજમહેલ માટે થાંભલા બનાવ્યા. તેણે ગાયકો માટે વીણાઓ અને તારવાળાં વાજિંત્રો પણ બનાવ્યાં.+ આટલાં બધાં સુખડનાં લાકડાં આજ સુધી ફરી લાવવામાં આવ્યાં નથી કે જોવામાં આવ્યાં નથી. ૧૩  રાજા સુલેમાને શેબાની રાણીને ઉદારતાથી ભેટ-સોગાદો આપી. શેબાની રાણીને જે કંઈ ગમ્યું અને તેણે જે કંઈ માંગ્યું, એ બધું જ રાજાએ તેને આપ્યું. પછી રાણી નોકર-ચાકરો સાથે પોતાના દેશમાં પાછી ગઈ.+ ૧૪  દર વર્ષે સુલેમાનને ત્યાં જે સોનું આવતું હતું, એનું વજન ૬૬૬ તાલંત હતું.+ ૧૫  એ સિવાય તેને વેપારીઓ, સોદાગરો, બધા અરબી રાજાઓ અને દેશના રાજ્યપાલો પાસેથી નફો પણ મળતો હતો. ૧૬  રાજા સુલેમાને સોનામાં બીજી ધાતુઓ ભેળવીને+ ૨૦૦ મોટી ઢાલ બનાવી (દરેક ઢાલમાં ૬૦૦ શેકેલ* સોનું વપરાયું હતું).+ ૧૭  તેણે સોનામાં બીજી ધાતુઓ ભેળવીને ૩૦૦ નાની ઢાલ* બનાવી (દરેક નાની ઢાલમાં ત્રણ મીના* સોનું વપરાયું હતું). રાજાએ એ ઢાલો ‘લબાનોન વન’+ નામની ઇમારતમાં મૂકી. ૧૮  રાજાએ હાથીદાંતનું મોટું રાજ્યાસન બનાવ્યું+ અને એને ચોખ્ખા સોનાથી મઢ્યું.+ ૧૯  રાજ્યાસનને છ પગથિયાં હતાં અને એની ઉપર ઘુંમટ હતો. બેઠકની બંને બાજુ હાથા હતા અને હાથાને અડીને એક એક સિંહ+ ઊભો હતો. ૨૦  રાજ્યાસનનાં દરેક પગથિયાની બંને બાજુએ એક એક સિંહ હતો, કુલ છ પગથિયાં પર ૧૨ સિંહ હતા. કોઈ પણ રાજ્યમાં આવું રાજ્યાસન બનાવવામાં આવ્યું ન હતું. ૨૧  રાજા સુલેમાનના બધા જ પ્યાલા સોનાના હતા. ‘લબાનોન વન’+ નામની ઇમારતનાં બધાં વાસણો પણ ચોખ્ખા સોનાનાં હતાં. ચાંદીથી કંઈ પણ બનાવવામાં આવ્યું ન હતું, કેમ કે સુલેમાનના સમયમાં ચાંદીની કોઈ જ કિંમત ન હતી.+ ૨૨  સુલેમાનના તાર્શીશનાં+ દરિયાઈ વહાણોનો કાફલો હીરામનાં વહાણોના કાફલા સાથે હતો. દર ત્રણ વર્ષે તાર્શીશનાં વહાણોનો કાફલો પુષ્કળ સોનું-ચાંદી, હાથીદાંત,+ વાંદરાં અને મોર લઈને આવતો હતો. ૨૩  આમ સુલેમાન રાજા પૃથ્વીના સર્વ રાજાઓ કરતાં વધારે ધનવાન+ અને બુદ્ધિશાળી હતો.+ ૨૪  ઈશ્વરે સુલેમાનને બુદ્ધિશાળી હૃદય આપ્યું હતું.+ એટલે તેની વાતો સાંભળવા આખી પૃથ્વીના લોકો તેની પાસે આવતા હતા. ૨૫  જે કોઈ રાજા પાસે આવતું, તે ભેટમાં સોના-ચાંદીની ચીજવસ્તુઓ, કપડાં, હથિયારો, સુગંધી તેલ, ઘોડાઓ અને ખચ્ચરો લઈ આવતું. આવું વરસોવરસ ચાલ્યા કરતું. ૨૬  સુલેમાને રથો અને ઘોડાઓ* ભેગા કર્યા. તેની પાસે ૧,૪૦૦ રથો અને ૧૨,૦૦૦ ઘોડાઓ*+ હતા. તેણે એ બધું રથોનાં શહેરોમાં અને યરૂશાલેમમાં પોતાની પાસે રાખ્યું હતું.+ ૨૭  રાજાએ યરૂશાલેમમાં એટલી ચાંદી ભેગી કરી કે એ પથ્થર જેટલી સામાન્ય થઈ ગઈ. દેવદારનાં એટલાં લાકડાં ભેગાં કર્યાં કે એ શેફેલાહનાં અંજીરનાં ઝાડ* જેટલાં સામાન્ય થઈ ગયાં.+ ૨૮  સુલેમાનના ઘોડાઓ ઇજિપ્તથી મંગાવેલા હતા. રાજાના વેપારીઓ નક્કી કરેલી કિંમતમાં+ જથ્થાબંધ ઘોડાઓ લઈ આવતા.* ૨૯  ઇજિપ્તથી મંગાવેલા દરેક રથની કિંમત ચાંદીના ૬૦૦ ટુકડા અને ઘોડાની કિંમત ચાંદીના ૧૫૦ ટુકડા હતી. વેપારીઓ હિત્તીઓના+ રાજાઓને અને સિરિયાના રાજાઓને એ વેચી દેતા.*

ફૂટનોટ

અથવા, “ઉખાણાંથી.”
શબ્દસૂચિમાં “સુગંધી દ્રવ્ય” જુઓ.
એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
સૌથી સારા સોના માટે જાણીતી જગ્યા.
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
એ મોટા ભાગે તીરંદાજો વાપરતા હતા.
હિબ્રૂ શાસ્ત્રવચનોમાં એક મીના એટલે ૫૭૦ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “ઘોડેસવારો.”
અથવા, “ઘોડેસવારો.”
ગુલર કે ઉમરડા જેવું ઝાડ.
અથવા કદાચ, “ઇજિપ્ત અને ક્યુઈથી મંગાવેલા હતા. રાજાના વેપારીઓ એ ક્યુઈથી ખરીદી લાવતા.” ક્યુઈ કદાચ કિલીકિયાને દર્શાવે છે.
અથવા, “નિકાસ કરતા.”