પહેલો રાજાઓ ૧૫:૧-૩૪

  • યહૂદાનો રાજા અબીયામ (૧-૮)

  • યહૂદાનો રાજા આસા (૯-૨૪)

  • ઇઝરાયેલનો રાજા નાદાબ (૨૫-૩૨)

  • ઇઝરાયેલનો રાજા બાશા (૩૩, ૩૪)

૧૫  નબાટના દીકરા રાજા યરોબઆમના+ શાસનના ૧૮મા વર્ષે અબીયામ યહૂદાનો રાજા બન્યો.+ ૨  તેણે યરૂશાલેમ પર ત્રણ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ માખાહ+ હતું. તે આબ્શાલોમની* પૌત્રી હતી. ૩  અબીયામના પિતા રહાબઆમે ઘોર પાપ કર્યાં હતાં. અબીયામ પણ તેના પગલે જ ચાલ્યો. તેના પૂર્વજ દાઉદે જેમ યહોવાની પૂરા દિલથી ભક્તિ કરી હતી, તેમ અબીયામે કરી નહિ. ૪  જોકે દાઉદને લીધે+ તેના ઈશ્વર યહોવાએ અબીયામ પછી તેના દીકરાને રાજા બનાવ્યો. તેમણે યરૂશાલેમમાં તેનો દીવો હોલવાઈ જવા ન દીધો,*+ જેથી યરૂશાલેમનું નામ ભૂંસાઈ ન જાય. ૫  દાઉદે યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કર્યું હતું. ઊરિયા હિત્તીના કિસ્સા સિવાય,+ દાઉદે જીવનભર ઈશ્વરની બધી જ આજ્ઞાઓ પાળી હતી. તે ક્યારેય ડાબે કે જમણે ફંટાયો ન હતો. ૬  રહાબઆમના જીવનભર તેની અને યરોબઆમ વચ્ચે સતત લડાઈ ચાલતી રહી.+ ૭  અબીયામનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.+ અબીયામ અને યરોબઆમ વચ્ચે પણ સતત લડાઈ ચાલતી રહી.+ ૮  પછી અબીયામનું મરણ થયું અને લોકોએ તેને દાઉદનગરમાં દફનાવ્યો. તેનો દીકરો આસા+ તેની જગ્યાએ રાજા બન્યો.+ ૯  ઇઝરાયેલના રાજા યરોબઆમના શાસનના ૨૦મા વર્ષે યહૂદા પર આસા રાજ કરવા લાગ્યો. ૧૦  તેણે યરૂશાલેમ પર ૪૧ વર્ષ રાજ કર્યું. તેની દાદીનું નામ માખાહ+ હતું, જે આબ્શાલોમની પૌત્રી હતી. ૧૧  આસાએ પોતાના પૂર્વજ દાઉદની જેમ યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કર્યું.+ ૧૨  મંદિરમાં જે પુરુષોને બીજા પુરુષો સાથે જાતીય સંબંધ બાંધવા માટે રાખવામાં આવ્યા હતા, તેઓને આસાએ દેશમાંથી કાઢી મૂક્યા.+ તેણે ધિક્કાર ઊપજે એવી બધી મૂર્તિઓ* પણ કાઢી નાખી, જે તેના બાપદાદાઓએ બનાવી હતી.+ ૧૩  અરે, તેણે પોતાની દાદી માખાહને+ રાજમાતાના પદ પરથી હટાવી દીધી. માખાહે ભક્તિ-થાંભલાની ધિક્કાર ઊપજે એવી મૂર્તિ બનાવી હતી. આસાએ એ મૂર્તિ કાપી નાખી+ અને એને કિદ્રોન ખીણમાં બાળી નાખી.+ ૧૪  પણ ભક્તિ-સ્થળો કાઢી નાખવામાં આવ્યાં ન હતાં.+ જોકે આસાએ આખી જિંદગી પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી. ૧૫  તે યહોવાના મંદિરમાં ચાંદી, સોનું અને અનેક પ્રકારનાં વાસણો લાવ્યો, જે તેણે અને તેના પિતાએ પવિત્ર કર્યાં હતાં.+ ૧૬  આસા અને ઇઝરાયેલના રાજા બાશા+ વચ્ચે સતત લડાઈ ચાલતી રહી. ૧૭  ઇઝરાયેલના રાજા બાશાએ યહૂદા પર ચઢાઈ કરી. તેણે રામા+ ફરતે કોટ બાંધવાનું* શરૂ કર્યું, જેથી યહૂદાના રાજા આસા+ પાસે ન કોઈ આવી શકે, ન કોઈ જઈ શકે.* ૧૮  એટલે આસાએ યહોવાના મંદિરના ભંડારોમાંથી અને રાજમહેલના ભંડારોમાંથી બચેલું બધું સોનું-ચાંદી ભેગું કર્યું અને પોતાના સેવકોના હાથે દમસ્કમાં રહેતા સિરિયાના રાજા બેન-હદાદને મોકલ્યું.+ બેન-હદાદ ટાબ્રિમ્મોનનો દીકરો અને હેઝયોનનો પૌત્ર હતો. આસાએ આ સંદેશો મોકલ્યો: ૧૯  “મારા પિતા અને તારા પિતા વચ્ચે કરાર થયો હતો. એવો કરાર મારી અને તારી વચ્ચે પણ છે. હું તને ભેટમાં સોનું-ચાંદી મોકલું છું. ઇઝરાયેલના રાજા બાશા સાથેનો તારો કરાર તોડી નાખ, જેથી તે મારા વિસ્તારમાંથી જતો રહે.” ૨૦  બેન-હદાદે રાજા આસાનું સાંભળ્યું. તેણે પોતાના સેનાપતિઓને ઇઝરાયેલનાં શહેરો સામે લડવા મોકલ્યા. તેઓએ ઇયોન,+ દાન,+ આબેલ-બેથ-માખાહ, આખા કિન્‍નેરેથનો અને આખા નફતાલી દેશનો વિનાશ કર્યો. ૨૧  એ સાંભળીને બાશાએ રામા ફરતે કોટ બાંધવાનું* કામ બંધ કર્યું અને તિર્સાહમાં+ રહેવા લાગ્યો. ૨૨  રાજા આસાએ યહૂદાના બધા લોકોને ભેગા કર્યા, તેઓમાંથી કોઈ બાકી ન રહ્યું. બાશા જે પથ્થરો અને લાકડાંથી રામા ફરતે કોટ બાંધતો હતો, એ બધું તેઓ ઉઠાવી લાવ્યા. રાજા આસાએ એનાથી બિન્યામીનના ગેબા+ ફરતે અને મિસ્પાહ+ ફરતે કોટ બાંધ્યા.* ૨૩  આસાનો બાકીનો બધો ઇતિહાસ યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. તેનાં બધાં પરાક્રમી કામો, તેણે જે કંઈ કર્યું અને જે જે શહેરો ફરતે કોટ બાંધ્યા એ વિશે એમાં જણાવ્યું છે. ઘડપણમાં તેના પગે રોગ થયો હોવાથી તેણે પીડા સહેવી પડી.+ ૨૪  પછી આસાનું મરણ થયું અને તેને પોતાના બાપદાદાઓની જેમ દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. આસાનો દીકરો યહોશાફાટ+ તેની જગ્યાએ રાજા બન્યો. ૨૫  યહૂદાના રાજા આસાના શાસનનું બીજું વર્ષ ચાલતું હતું. એ સમયે યરોબઆમનો દીકરો નાદાબ+ ઇઝરાયેલનો રાજા બન્યો હતો. તેણે ઇઝરાયેલ પર બે વર્ષ રાજ કર્યું હતું. ૨૬  યહોવાની નજરમાં જે ખરાબ હતું, એ નાદાબ કરતો હતો. તેણે પોતાના પિતા જેવું જ કર્યું હતું.+ તેના પિતાએ ઇઝરાયેલીઓ પાસે જેવાં પાપ કરાવ્યાં હતાં,+ એવાં તેણે પણ કર્યાં હતાં. ૨૭  ઇસ્સાખાર કુળના અહિયાના દીકરા બાશાએ નાદાબ વિરુદ્ધ કાવતરું ઘડ્યું. પલિસ્તીઓના શહેર ગિબ્બથોન+ સામે નાદાબ અને બધા ઇઝરાયેલીઓએ ઘેરો નાખ્યો હતો. એ સમયે બાશાએ નાદાબને ગિબ્બથોનમાં મારી નાખ્યો. ૨૮  તેને મારી નાખીને બાશા પોતે રાજા બની બેઠો. એ સમયે યહૂદાના રાજા આસાના શાસનનું ત્રીજું વર્ષ ચાલતું હતું. ૨૯  બાશા રાજા બન્યો કે તરત તેણે યરોબઆમના કુટુંબના બધાને રહેંસી નાખ્યા. તેણે યરોબઆમના કુટુંબમાંથી કોઈને જીવતો રહેવા દીધો નહિ. તેણે તેઓનો સફાયો કરી નાખ્યો. આ રીતે યહોવાના શબ્દો પૂરા થયા, જે તેમણે શીલોહમાં રહેતા પોતાના સેવક અહિયા દ્વારા કહ્યા હતા.+ ૩૦  આનું કારણ યરોબઆમનાં પાપ હતાં. તેણે પોતે તો પાપ કર્યાં, ઇઝરાયેલ પાસે પણ કરાવ્યાં. ઇઝરાયેલના ઈશ્વર યહોવાને તેણે ભારે રોષ ચઢાવ્યો હતો. ૩૧  નાદાબનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે. ૩૨  આસા અને ઇઝરાયેલના રાજા બાશા વચ્ચે સતત લડાઈ ચાલતી રહી.+ ૩૩  યહૂદાના રાજા આસાના શાસનનું ત્રીજું વર્ષ ચાલતું હતું. એ સમયે અહિયાનો દીકરો બાશા તિર્સાહથી આખા ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે ૨૪ વર્ષ રાજ કર્યું.+ ૩૪  યહોવાની નજરમાં જે ખરાબ હતું એ બાશા કરતો હતો.+ તે યરોબઆમના પગલે ચાલ્યો. યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે જેવાં પાપ કરાવ્યાં હતાં,+ એવાં બાશાએ પણ કર્યાં.

ફૂટનોટ

મૂળ, “અબીશાલોમ,” અલગ જોડણી છે.
અથવા, “તેના વંશજને કાયમ રાજ કરવા દીધું.”
આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.
અથવા, “રામા ફરી બાંધવાનું.”
અથવા, “રાજાના વિસ્તારમાં કોઈ અવર-જવર કરી ન શકે.”
અથવા, “રામા ફરી બાંધવાનું.”
અથવા, “મિસ્પાહ અને બિન્યામીનનું ગેબા ફરી બાંધ્યા.”