પહેલો રાજાઓ ૨૨:૧-૫૩

  • યહોશાફાટ આહાબને સાથ આપે છે (૧-૧૨)

  • મીખાયાએ કરેલી હારની ભવિષ્યવાણી (૧૩-૨૮)

    • આહાબને ફોસલાવવા જતો દૂત (૨૧, ૨૨)

  • આહાબ રામોથ-ગિલયાદમાં માર્યો ગયો (૨૯-૪૦)

  • યહૂદા પર યહોશાફાટનું રાજ (૪૧-૫૦)

  • ઇઝરાયેલનો રાજા અહાઝ્યા (૫૧-૫૩)

૨૨  સિરિયા અને ઇઝરાયેલ વચ્ચે ત્રણ વર્ષ કોઈ લડાઈ થઈ નહિ. ૨  ત્રીજે વર્ષે યહૂદાનો રાજા યહોશાફાટ+ ઇઝરાયેલના રાજા આહાબને મળવા ગયો.+ ૩  ઇઝરાયેલના રાજાએ દરબારીઓને કહ્યું: “શું રામોથ-ગિલયાદ+ આપણું નથી? આપણે કેમ હાથ પર હાથ ધરીને બેસી રહ્યા છીએ અને સિરિયાના રાજા પાસેથી એ પાછું લઈ લેતા નથી?” ૪  તેણે યહોશાફાટને પૂછ્યું: “શું તમે મારી સાથે રામોથ-ગિલયાદ પર ચઢાઈ કરવા આવશો?” યહોશાફાટે તેને જવાબ આપ્યો: “આપણે બે કંઈ જુદા નથી. જેવા તમારા લોકો એવા મારા લોકો. જેવા તમારા ઘોડા એવા મારા ઘોડા.”+ ૫  યહોશાફાટે ઇઝરાયેલના રાજાને કહ્યું: “કૃપા કરીને પહેલા યહોવાની સલાહ લઈએ.”+ ૬  ઇઝરાયેલના રાજાએ આશરે ૪૦૦ પ્રબોધકો ભેગા કર્યા અને તેઓને પૂછ્યું: “હું રામોથ-ગિલયાદ ઉપર ચઢાઈ કરું કે નહિ?” તેઓએ કહ્યું: “ચઢાઈ કરો. યહોવા એ શહેર તમારા હાથમાં સોંપી દેશે.” ૭  યહોશાફાટે પૂછ્યું: “શું યહોવાનો કોઈ પ્રબોધક અહીં નથી કે આપણે તેને પણ પૂછીએ?”+ ૮  ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું: “એક માણસ છે જેના દ્વારા યહોવાની સલાહ પૂછી શકાય.+ પણ મને તેનાથી સખત નફરત છે.+ તે ક્યારેય મારા માટે સારું ભાવિ જણાવતો નથી. તે કાયમ મારું બૂરું જ બોલે છે.+ તે યિમ્લાનો દીકરો મીખાયા છે.” યહોશાફાટે કહ્યું: “રાજાથી આવું ન બોલાય.” ૯  ઇઝરાયેલના રાજાએ એક દરબારીને બોલાવ્યો અને કહ્યું: “યિમ્લાના દીકરા મીખાયાને તાબડતોબ બોલાવી લાવ.”+ ૧૦  ઇઝરાયેલનો રાજા આહાબ અને યહૂદાનો રાજા યહોશાફાટ બંને પોતપોતાની રાજગાદી પર બેઠા હતા. તેઓ રાજવી કપડાં પહેરીને સમરૂનના દરવાજા આગળ આવેલી ખળી* પાસે બેઠા હતા. બધા પ્રબોધકો તેઓની આગળ ભવિષ્ય ભાખતા હતા.+ ૧૧  તેઓમાંથી એક સિદકિયા હતો, જે કનાનાનો દીકરો હતો. તેણે લોઢાનાં શિંગ બનાવ્યાં અને કહ્યું: “યહોવા કહે છે, ‘સિરિયાના લોકોનો વિનાશ થાય ત્યાં સુધી તમે તેઓને આનાથી મારશો.’”* ૧૨  બીજા બધા પ્રબોધકો પણ એવી જ ભવિષ્યવાણી કરતા હતા: “રામોથ-ગિલયાદ પર ચઢાઈ કરો અને તમે જીતી જશો. યહોવા એ શહેર રાજાના હાથમાં સોંપી દેશે.” ૧૩  મીખાયા પાસે સંદેશો લઈને આવેલા માણસે કહ્યું: “જુઓ, બધા પ્રબોધકો એક થઈને રાજા માટે સારું ભવિષ્ય ભાખે છે. કૃપા કરીને તમે પણ એમ કરજો અને રાજા માટે સારું ભવિષ્ય ભાખજો.”+ ૧૪  મીખાયાએ કહ્યું: “યહોવાના સમ,* યહોવા જે કંઈ કહે એ જ હું બોલીશ.” ૧૫  તે આહાબ રાજા પાસે આવ્યો અને રાજાએ તેને પૂછ્યું: “મીખાયા, અમે રામોથ-ગિલયાદ સામે લડાઈ કરીએ કે નહિ?” તેણે તરત જવાબ આપ્યો: “લડાઈ કરો અને તમે જીતી જશો. યહોવા એ શહેર રાજાના હાથમાં સોંપી દેશે.” ૧૬  આહાબે તેને કહ્યું: “મારે તને કેટલી વાર સમ ખવડાવવા કે યહોવાના નામે મારી આગળ ફક્ત સાચું બોલ?” ૧૭  મીખાયાએ કહ્યું: “હું બધા ઇઝરાયેલીઓને પહાડો પર વેરવિખેર થયેલા જોઉં છું,+ જાણે પાળક વગરનાં ઘેટાં હોય. યહોવાએ કહ્યું છે: ‘તેઓનો કોઈ માલિક નથી. તેઓને પોતપોતાનાં ઘરે શાંતિથી પાછા જવા દો.’” ૧૮  ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું: “શું મેં કહ્યું ન હતું કે ‘તે ક્યારેય મારા માટે સારું ભાવિ નહિ જણાવે, ફક્ત બૂરું જ બોલશે’?”+ ૧૯  મીખાયાએ કહ્યું: “તો પછી યહોવાનો સંદેશો સાંભળો. મેં યહોવાને રાજ્યાસન પર બિરાજેલા જોયા.+ સ્વર્ગનું આખું સૈન્ય તેમની ડાબે અને જમણે ઊભું હતું.+ ૨૦  યહોવાએ પૂછ્યું: ‘આહાબને રામોથ-ગિલયાદ પર ચઢાઈ કરવા કોણ ફોસલાવશે, જેથી તે માર્યો જાય?’ એક દૂતે આમ અને બીજા દૂતે તેમ કહ્યું. ૨૧  તેઓમાંથી એક દૂત+ યહોવા આગળ આવીને ઊભો રહ્યો અને કહ્યું, ‘હું તેને ફોસલાવીશ.’ યહોવાએ પૂછ્યું, ‘તું એમ કઈ રીતે કરીશ?’ ૨૨  દૂતે કહ્યું, ‘હું જઈને તેના બધા પ્રબોધકો પાસે જૂઠું બોલાવીશ.’+ ઈશ્વરે કહ્યું, ‘તું તેને ફોસલાવીશ. એટલું જ નહિ, તું એમાં સફળ થઈશ. જા, એ પ્રમાણે કર.’ ૨૩  હવે યહોવાએ દૂત દ્વારા એમ કર્યું છે કે તમારા બધા પ્રબોધકો જૂઠું બોલે.+ યહોવાએ નક્કી કર્યું છે કે તમારા પર ચોક્કસ આફત આવશે.”+ ૨૪  કનાનાનો દીકરો સિદકિયા આગળ વધીને મીખાયા પાસે આવ્યો. તેણે મીખાયાને ગાલ પર તમાચો મારીને કહ્યું: “યહોવાની શક્તિ મારી પાસેથી તારી પાસે કયા રસ્તે આવી?”+ ૨૫  મીખાયાએ જવાબ આપ્યો: “એ તો તું ભાગીને સૌથી અંદરના ઓરડામાં સંતાઈ જઈશ ત્યારે તને ખબર પડશે.” ૨૬  ઇઝરાયેલના રાજાએ કહ્યું: “મીખાયાને લઈ જાઓ. તેને શહેરના મુખી આમોન અને રાજાના દીકરા યોઆશને હવાલે કરી દો. ૨૭  તેઓને જણાવો, ‘રાજાનો હુકમ છે: “આ માણસને કેદમાં નાખો.+ હું સહીસલામત પાછો આવું ત્યાં સુધી તેને બસ થોડી રોટલી અને થોડું પાણી આપજો.”’” ૨૮  મીખાયાએ કહ્યું: “જો તમે સહીસલામત પાછા આવો, તો સમજવું કે મારા શબ્દો યહોવા પાસેથી નથી.”+ તેણે ઉમેર્યું: “તમે બધા આ યાદ રાખજો.” ૨૯  ઇઝરાયેલનો રાજા આહાબ અને યહૂદાનો રાજા યહોશાફાટ રામોથ-ગિલયાદ પર ચઢાઈ કરવા ગયા.+ ૩૦  ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું: “હું વેશ બદલીને યુદ્ધમાં આવીશ. તમે રાજવી પોશાક પહેરી રાખજો.” ઇઝરાયેલના રાજાએ વેશ બદલ્યો+ અને તે યુદ્ધમાં ગયો. ૩૧  સિરિયાના રાજાએ પોતાની રથસેનાના ૩૨ આગેવાનોને હુકમ આપ્યો હતો:+ “ઇઝરાયેલના રાજા સિવાય નાના-મોટા કોઈની સામે લડશો નહિ.” ૩૨  તેઓએ યહોશાફાટને જોયો કે તરત જ એકબીજાને કહ્યું: “નક્કી આ જ ઇઝરાયેલનો રાજા છે.” તેઓ તેના પર હુમલો કરવા ધસી ગયા. પણ યહોશાફાટ મદદ માટે બૂમો પાડવા લાગ્યો. ૩૩  રથસેનાના આગેવાનોએ જોયું કે આ તો ઇઝરાયેલનો રાજા નથી. તેઓએ તરત તેનો પીછો કરવાનું પડતું મૂક્યું. ૩૪  એવામાં એક સૈનિકે અજાણતાં તીર માર્યું, જે ઇઝરાયેલના રાજાને બખ્તરના સાંધાની વચ્ચે વાગ્યું. રાજાએ સારથિને કહ્યું: “પાછો ફર અને મને યુદ્ધ-ભૂમિમાંથી* બહાર લઈ જા. હું ખરાબ રીતે ઘવાયો છું.”+ ૩૫  આખો દિવસ ભારે યુદ્ધ મચ્યું. રાજાનું મોં સિરિયાના લોકો તરફ રહે એ રીતે તેને રથમાં ટટ્ટાર રાખવો પડ્યો. તેના ઘામાંથી લોહી વહીને રથના તળિયે ભેગું થયું. સાંજ પડતા રાજાનું મરણ થયું.+ ૩૬  સાંજ ઢળી ત્યારે છાવણીમાં પોકાર કરવામાં આવ્યો કે, “દરેક પોતાના શહેરમાં જાય! દરેક પોતાના વિસ્તારમાં જાય!”+ ૩૭  આ રીતે ઇઝરાયેલનો રાજા ગુજરી ગયો અને તેને સમરૂન લાવવામાં આવ્યો. તેઓએ રાજાને સમરૂનમાં દફનાવ્યો. ૩૮  તેઓએ યુદ્ધનો રથ સમરૂનના હોજ પાસે ધોયો. ત્યાં કૂતરાઓએ તેનું લોહી ચાટ્યું અને વેશ્યાઓએ સ્નાન કર્યું.* આમ યહોવાના બોલ સાચા પડ્યા.+ ૩૯  આહાબનો બાકીનો ઇતિહાસ ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. તેણે જે કંઈ કર્યું, તેણે બનાવેલો હાથીદાંતનો+ રાજમહેલ અને તેણે બાંધેલાં બધાં શહેરો વિશે એમાં જણાવ્યું છે. ૪૦  આહાબ ગુજરી ગયો+ અને તેનો દીકરો અહાઝ્યા+ તેની જગ્યાએ રાજા બન્યો. ૪૧  ઇઝરાયેલના રાજા આહાબના શાસનનું ચોથું વર્ષ ચાલતું હતું ત્યારે, આસાનો દીકરો યહોશાફાટ+ યહૂદાનો રાજા બન્યો હતો. ૪૨  યહોશાફાટ રાજા બન્યો ત્યારે ૩૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમ પર ૨૫ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અઝૂબાહ હતું, જે શિલ્હીની દીકરી હતી. ૪૩  યહોશાફાટ પોતાના પિતા આસાના માર્ગે ચાલ્યો+ અને એમાંથી ભટકી ગયો નહિ. તેણે યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કર્યું.+ પણ ભક્તિ-સ્થળો કાઢી નાખવામાં આવ્યાં ન હતાં. લોકો હજુ પણ ભક્તિ-સ્થળોએ આગમાં બલિદાનો ચઢાવતા હતા.+ ૪૪  યહોશાફાટે ઇઝરાયેલના રાજા સાથે સારા સંબંધો રાખ્યા હતા.+ ૪૫  યહોશાફાટનો બાકીનો ઇતિહાસ યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. તેનાં બધાં પરાક્રમી કામો અને તેણે લડેલાં યુદ્ધો વિશે એમાં જણાવ્યું છે. ૪૬  યહોશાફાટે પોતાના પિતા આસાના સમયમાં બચી ગયેલા એવા પુરુષોને પણ કાઢી મૂક્યા,+ જેઓને મંદિરમાં બીજા પુરુષો સાથે જાતીય સંબંધો બાંધવા માટે રાખ્યા હતા.+ ૪૭  અદોમમાં+ કોઈ રાજા ન હતો. ત્યાં સહાયક અમલદાર રાજ ચલાવતો હતો.+ ૪૮  યહોશાફાટે ઓફીરથી* સોનું લાવવા તાર્શીશનાં વહાણો બનાવ્યાં.+ પણ એ ત્યાં પહોંચ્યાં નહિ, કારણ કે એ વહાણો એસ્યોન-ગેબેર પાસે ભાંગી ગયાં.+ ૪૯  એ સમયે આહાબના દીકરા અહાઝ્યાએ યહોશાફાટને કહ્યું: “તમારા માણસો સાથે મારા માણસોને વહાણોમાં જવા દો.” પણ યહોશાફાટે ના પાડી. ૫૦  યહોશાફાટ ગુજરી ગયો. તેને પોતાના બાપદાદાઓની જેમ તેના પૂર્વજના શહેર દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો.+ તેનો દીકરો યહોરામ+ તેની જગ્યાએ રાજા બન્યો. ૫૧  યહૂદામાં યહોશાફાટ રાજાના શાસનનું ૧૭મું વર્ષ ચાલતું હતું. એ સમયે આહાબનો દીકરો અહાઝ્યા+ સમરૂનમાં ઇઝરાયેલનો રાજા બન્યો. અહાઝ્યાએ ઇઝરાયેલ પર બે વર્ષ રાજ કર્યું. ૫૨  તે પોતાનાં માબાપના માર્ગે ચાલ્યો+ અને તેણે યહોવાની નજરમાં જે ખરાબ હતું એ જ કર્યું. તે નબાટના દીકરા યરોબઆમના પગલે ચાલ્યો, જેણે ઇઝરાયેલીઓ પાસે પાપ કરાવ્યું હતું.+ ૫૩  તેણે બઆલને નમન કરીને એની ભક્તિ કરવાનું ચાલુ રાખ્યું.+ તેના પિતાની જેમ તે પણ ઇઝરાયેલના ઈશ્વર યહોવાને કોપાયમાન કરતો રહ્યો.+

ફૂટનોટ

અથવા, “ધકેલશો.”
મૂળ, “યહોવાના જીવના સમ.”
મૂળ, “છાવણીમાંથી.”
અથવા કદાચ, “વેશ્યાઓ જ્યાં સ્નાન કરતી હતી, ત્યાં કૂતરાઓએ તેનું લોહી ચાટ્યું.”
સૌથી સારા સોના માટે જાણીતી જગ્યા.