પહેલો રાજાઓ ૪:૧-૩૪

  • સુલેમાને કરેલી ગોઠવણો (૧-૧૯)

  • સુલેમાનના રાજમાં જાહોજલાલી (૨૦-૨૮)

    • દ્રાક્ષાવેલા અને અંજીરી નીચે સુખચેન (૨૫)

  • સુલેમાનનું ડહાપણ અને નીતિવચનો (૨૯-૩૪)

 રાજા સુલેમાન આખા ઇઝરાયેલ પર રાજ કરતો હતો.+ ૨  તેના મુખ્ય અધિકારીઓ* આ હતા: સાદોકનો+ દીકરો અઝાર્યા યાજક હતો; ૩  શીશાના દીકરાઓ અલીહોરેફ અને અહિયા મંત્રીઓ* હતા;+ અહીલૂદનો દીકરો યહોશાફાટ+ ઇતિહાસકાર હતો; ૪  યહોયાદાનો દીકરો બનાયા+ સેનાપતિ હતો; સાદોક અને અબ્યાથાર+ યાજકો હતા; ૫  નાથાનનો+ દીકરો અઝાર્યા અમલદારોનો ઉપરી હતો; નાથાનનો દીકરો ઝાબૂદ યાજક હતો અને રાજાનો મિત્ર પણ હતો;+ ૬  અહીશાર મહેલની દેખરેખ રાખનાર હતો; આબ્દાનો દીકરો અદોનીરામ+ રાજાના મજૂરોનો ઉપરી હતો.+ ૭  સુલેમાને આખા ઇઝરાયેલમાં ૧૨ કારભારીઓ નીમ્યા હતા, જેઓ રાજા અને તેના મહેલ માટે ખોરાક પૂરો પાડતા હતા. દરેક કારભારીની જવાબદારી હતી કે વર્ષમાં એક મહિનો ખોરાક પૂરો પાડે.+ ૮  એ કારભારીઓ આ હતા: એફ્રાઈમના પહાડી વિસ્તારમાં હૂરનો દીકરો; ૯  માકાશ, શાઆલ્બીમ,+ બેથ-શેમેશ અને એલોન-બેથ-હાનાનમાં દેકેરનો દીકરો; ૧૦  અરૂબ્બોથમાં હેશેદનો દીકરો (હેફેરનો આખો વિસ્તાર અને સોખોહ તેના તાબામાં હતા); ૧૧  દોરના બધા પહાડી ઢોળાવોમાં અબીનાદાબનો દીકરો (તેની સાથે સુલેમાનની દીકરી ટાફાથના લગ્‍ન થયા હતા); ૧૨  તાઅનાખ, મગિદ્દો+ અને આખું બેથ-શેઆન+ (બેથ-શેઆન યિઝ્રએલની નીચે અને સારથાન પાસે આવેલું છે); બેથ-શેઆનથી આબેલ-મહોલાહ સુધી અને ત્યાંથી છેક યોકમઆમના+ વિસ્તારમાં અહીલૂદનો દીકરો બાઅના; ૧૩  રામોથ-ગિલયાદમાં+ ગેબેરનો દીકરો (મનાશ્શાના દીકરા યાઈરનાં+ ગામો* તેના તાબામાં હતાં, જે ગિલયાદમાં+ છે. તેના તાબામાં બાશાનમાં+ આવેલો આર્ગોબનો+ વિસ્તાર પણ હતો, જેમાં કોટવાળાં ૬૦ મોટાં શહેરો છે. એ શહેરોના દરવાજાઓને તાંબાની ભૂંગળો છે); ૧૪  માહનાઈમમાં+ ઈદ્દોનો દીકરો અહીનાદાબ; ૧૫  નફતાલીમાં અહીમાઆસ (સુલેમાનની બીજી એક દીકરી બાસમાથના લગ્‍ન તેની સાથે થયા હતા); ૧૬  આશેરમાં અને બેઆલોથમાં હૂશાયનો દીકરો બાઅના; ૧૭  ઇસ્સાખારમાં પારૂઆહનો દીકરો યહોશાફાટ; ૧૮  બિન્યામીનમાં+ એલાનો દીકરો શિમઈ;+ ૧૯  ગિલયાદના વિસ્તારમાં,+ એટલે કે અમોરીઓના રાજા સીહોન+ અને બાશાનના રાજા ઓગના+ વિસ્તારમાં ઉરીનો દીકરો ગેબેર. આ બધા કારભારીઓ ઉપર એક મુખ્ય કારભારી પણ હતો. ૨૦  યહૂદા અને ઇઝરાયેલના લોકો સમુદ્ર કિનારાની રેતીની જેમ ગણ્યા ગણાય નહિ એટલા હતા.+ તેઓ ખાઈ-પીને આનંદ કરતા હતા.+ ૨૧  યુફ્રેટિસ નદીથી લઈને પલિસ્તીઓના દેશ સુધીનાં અને ઇજિપ્તની સરહદ સુધીનાં બધાં રાજ્યો પર સુલેમાન રાજ કરતો હતો.+ તેઓ સુલેમાનને વેરો ભરતા* હતા. તે જીવ્યો ત્યાં સુધી તેઓએ તેની સેવા કરી.+ ૨૨  સુલેમાનના મહેલમાં રોજ ખોરાક માટે આટલી વસ્તુઓની જરૂર પડતી: ૩૦ કોર માપ* મેંદો, ૬૦ કોર માપ લોટ, ૨૩  તાજાં-માજાં ૧૦ ઢોરઢાંક, ગૌચરમાં* ચરાવેલાં ૨૦ ઢોરઢાંક અને ૧૦૦ ઘેટાં. એ ઉપરાંત અમુક સાબર, હરણ, કાળિયાર અને તાજાં-માજાં પક્ષીઓ. ૨૪  નદીની આ તરફનું*+ બધું જ સુલેમાનના તાબામાં હતું, એટલે કે તિફસાહથી ગાઝા+ સુધીનો વિસ્તાર. નદીની આ તરફના બધા રાજાઓ પણ તેને આધીન હતા. તેના રાજમાં ચારેય બાજુ શાંતિ હતી.+ ૨૫  સુલેમાન જીવ્યો ત્યાં સુધી, યહૂદા અને ઇઝરાયેલના લોકો સલામતીમાં જીવતા હતા. દાનથી બેર-શેબા સુધી લોકો પોતપોતાનાં દ્રાક્ષાવેલા અને અંજીરી નીચે સુખચેનથી રહેતા હતા. ૨૬  સુલેમાન પાસે પોતાના રથો અને ૧૨,૦૦૦ ઘોડાઓ* માટે ૪,૦૦૦* તબેલા હતા.+ ૨૭  સુલેમાન રાજા અને તેની મેજ પરથી ખાનાર દરેકને કારભારીઓ ખોરાક પૂરો પાડતા હતા. દરેક કારભારી એક મહિનો જવાબદારી ઉઠાવતો અને કંઈ ખૂટે નહિ એનું ધ્યાન રાખતો.+ ૨૮  તેઓ પોતપોતાની જવાબદારી પ્રમાણે ઘોડાઓ અને રથના ઘોડાઓ માટે જ્યાં જરૂર હોય ત્યાં જવ અને ચારો પહોંચાડતા. ૨૯  ઈશ્વરે સુલેમાનને બુદ્ધિ અને સમજણથી ભરપૂર કર્યો હતો. તેને દરિયા કાંઠાની રેતીના પટ જેવું વિશાળ મન* પણ આપ્યું હતું.+ ૩૦  સુલેમાન પૂર્વના લોકો અને ઇજિપ્તના લોકો કરતાં પણ વધારે બુદ્ધિશાળી હતો.+ ૩૧  તેના જેવો બુદ્ધિમાન બીજો કોઈ ન હતો. તે ઝેરાહી એથાન+ અને માહોલના દીકરાઓ હેમાન,+ કાલ્કોલ+ તથા દાર્દા કરતાં પણ વધારે બુદ્ધિમાન હતો. આજુબાજુના બધા દેશોમાં તેની કીર્તિ ફેલાઈ ગઈ હતી.+ ૩૨  તેણે ૩,૦૦૦ નીતિવચનો રચ્યાં*+ અને તેનાં ગીતોની+ સંખ્યા ૧,૦૦૫ હતી. ૩૩  લબાનોનના દેવદારનાં વૃક્ષોથી લઈને દીવાલ પર ઊગતા મરવો છોડ*+ સુધી બધાં વૃક્ષો વિશે તે વર્ણન કરી શકતો હતો. પ્રાણીઓ,+ પક્ષીઓ,+ પેટે ચાલનાર પ્રાણીઓ*+ અને માછલીઓ વિશે પણ તે વર્ણન કરી શકતો હતો. ૩૪  સુલેમાનની વાતો સાંભળવા બધા દેશોના લોકો આવતા. અરે, તેની બુદ્ધિની વાતો સાંભળીને પૃથ્વીના ખૂણે ખૂણેથી રાજાઓ* પણ આવતા.+

ફૂટનોટ

અથવા, “આગેવાનો.”
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ એવાં ગામોને બતાવે છે, જેમાં લોકો તંબુમાં રહેતા હોય.
અથવા, “ભેટ આપતા.”
એક કોર માપ એટલે ૨૨૦ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “ચરાવવાની જગ્યામાં.”
એટલે કે, યુફ્રેટિસની પશ્ચિમે આવેલો વિસ્તાર.
અથવા, “ઘોડેસવારો.”
આ સંખ્યા અમુક લખાણોમાં અને ૨કા ૯:૨૫માં જોવા મળે છે. બીજાં લખાણો ૪૦,૦૦૦ની સંખ્યા જણાવે છે.
અથવા, “સમજણવાળું હૃદય.”
અથવા, “કહ્યાં.”
આમાં સાપનો, ગરોળીનો અને તીતીઘોડા જેવાં જીવજંતુઓનો પણ સમાવેશ થઈ શકે.
એમાં રાજદૂતોનો પણ સમાવેશ થઈ શકે.