પહેલો રાજાઓ ૫:૧-૧૮

  • રાજા હીરામ બાંધકામનો સામાન પૂરો પાડે છે (૧-૧૨)

  • સુલેમાને મજૂરી કરાવવા માણસોની ભરતી કરી (૧૩-૧૮)

 તૂરના+ રાજા હીરામે સાંભળ્યું કે સુલેમાનને તેના પિતાની જગ્યાએ રાજા બનાવવામાં આવ્યો છે. તેણે સુલેમાન પાસે પોતાના સેવકો મોકલ્યા, કેમ કે હીરામ પહેલેથી દાઉદનો મિત્ર હતો.*+ ૨  સુલેમાને હીરામને આ સંદેશો મોકલ્યો:+ ૩  “તમે સારી રીતે જાણો છો કે મારા પિતા દાઉદ યહોવાના નામને મહિમા આપવા મંદિર બાંધી શક્યા નહિ, કેમ કે તેમણે ચારે તરફ દુશ્મનો સામે ઘણાં યુદ્ધો કરવાં પડ્યાં હતાં. આખરે, યહોવાએ સર્વ દુશ્મનો પર તેમને વિજય અપાવ્યો.+ ૪  મારા ઈશ્વર યહોવાએ મને બધી બાજુથી શાંતિ આપી છે.+ મારો કોઈ વિરોધી નથી અને દેશ પર કોઈ ખતરો નથી.+ ૫  યહોવાએ મારા પિતા દાઉદને આપેલા વચન પ્રમાણે હું મારા ઈશ્વર યહોવાના નામ માટે મંદિર બાંધવા ચાહું છું. ઈશ્વરે મારા પિતાને કહ્યું હતું: ‘હું તારી રાજગાદી પર તારી જગ્યાએ તારા જે દીકરાને બેસાડીશ, તે મારા નામને મહિમા આપવા મંદિર બાંધશે.’+ ૬  હવે મારા માટે તમારા લોકોને લબાનોનના દેવદારનાં+ વૃક્ષો કાપી લાવવા હુકમ કરો. મારા ચાકરો તમારા ચાકરો સાથે કામ કરશે. તમે નક્કી કરો એ પ્રમાણે હું તમારા ચાકરોને મજૂરી ચૂકવીશ. તમે જાણો છો કે અમારામાંથી કોઈને પણ સિદોનીઓની જેમ વૃક્ષો કાપતાં આવડતું નથી.”+ ૭  સુલેમાનનો સંદેશો સાંભળીને હીરામ ઘણો ખુશ થયો. તેણે કહ્યું: “યહોવાની આજે સ્તુતિ થાઓ! આ મહાન પ્રજા* પર રાજ કરવા તેમણે દાઉદને બુદ્ધિમાન દીકરો આપ્યો છે.”+ ૮  હીરામે સુલેમાનને સંદેશો મોકલ્યો: “મને તારો સંદેશો મળ્યો છે. હું તારી બધી ઇચ્છા પૂરી કરીશ. હું તને દેવદાર અને ગંધતરુનાં* લાકડાં પૂરાં પાડીશ.+ ૯  મારા સેવકો એ લાકડાં લબાનોનના પવર્તો પરથી દરિયા કાંઠા સુધી લઈ આવશે. હું એ બાંધીને તું જ્યાં કહે ત્યાં દરિયાઈ માર્ગે મોકલી આપીશ. હું એને ત્યાં છોડી નાખીશ અને તું એ લઈ જજે. એના બદલામાં મારી વિનંતી પ્રમાણે તું મારા ઘરનાઓ માટે ખોરાક પૂરો પાડજે.”+ ૧૦  સુલેમાનની ઇચ્છા પ્રમાણે હીરામે દેવદાર અને ગંધતરુનાં લાકડાં મોકલી આપ્યાં. ૧૧  સુલેમાને હીરામના ઘરનાઓના ખોરાક માટે ૨૦,૦૦૦ કોર માપ* ઘઉં અને ૨૦ કોર માપ ચોખ્ખું જૈતૂનનું તેલ આપ્યાં. સુલેમાન દર વર્ષે હીરામને એ પ્રમાણે આપતો રહ્યો.+ ૧૨  યહોવાએ પોતાના વચન પ્રમાણે સુલેમાનને બુદ્ધિ આપી.+ હીરામ અને સુલેમાન વચ્ચે શાંતિ હતી અને તેઓએ મૈત્રીનો કરાર* કર્યો. ૧૩  રાજા સુલેમાને હુકમ બહાર પાડીને મજૂરી કરાવવા માટે આખા ઇઝરાયેલમાંથી ૩૦,૦૦૦ માણસોની ભરતી કરી.+ ૧૪  તે દર મહિને ૧૦,૦૦૦ માણસોને વારા પ્રમાણે લબાનોન મોકલતો. તેઓ એક મહિનો લબાનોનમાં કામ કરતા અને બે મહિના પોતાના ઘરે રહેતા. અદોનીરામ+ એ મજૂરોનો ઉપરી હતો. ૧૫  સુલેમાન પાસે ૭૦,૦૦૦ મજૂરો* હતા. ૮૦,૦૦૦ માણસો પહાડોમાં+ પથ્થર કાપનારા+ હતા. ૧૬  એ ઉપરાંત સુલેમાનના ૩,૩૦૦ અમલદારો,+ મુકાદમ તરીકે કામદારો પર દેખરેખ રાખતા હતા. ૧૭  રાજાના હુકમ પ્રમાણે તેઓ ખાણમાંથી મોટા મોટા કીમતી પથ્થરો+ શોધી લાવતા. એ પથ્થરો કાપીને+ મંદિરનો પાયો નાખવા+ એનો ઉપયોગ કરતા. ૧૮  આ રીતે સુલેમાન અને હીરામના કારીગરોએ તથા ગબાલીઓએ+ મંદિરના બાંધકામ માટે લાકડાં અને પથ્થરો કાપીને તૈયાર કર્યાં.

ફૂટનોટ

અથવા, “દાઉદને પ્રેમ કરતો હતો.”
અથવા, “અગણિત લોકો.”
દેવદારની જાતનું એક ઝાડ.
એક કોર માપ એટલે ૨૨૦ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “વજન ઊંચકનારાઓ.”