પહેલો શમુએલ ૨૧:૧-૧૫

  • દાઉદ નોબમાં અર્પણની રોટલી ખાય છે (૧-૯)

  • દાઉદ ગાથમાં ગાંડા હોવાનો ઢોંગ કરે છે (૧૦-૧૫)

૨૧  પછી દાઉદ નોબમાં+ અહીમેલેખ યાજક પાસે આવ્યો. અહીમેલેખ ધ્રૂજતાં ધ્રૂજતાં દાઉદને મળવા આવ્યો અને તેણે કહ્યું: “તું એકલો કેમ આવ્યો? તારી સાથે કેમ કોઈ નથી?”+ ૨  દાઉદે અહીમેલેખ યાજકને જવાબ આપ્યો કે “રાજાએ મને એક કામ સોંપ્યું છે. તેમણે સૂચના આપી છે: ‘તને જે કામ કરવા મોકલું છું અને તને જે માહિતી આપું છું, એની કોઈને ખબર પડે નહિ.’ હું એક જગ્યાએ મારા માણસોને મળવા જાઉં છું. ૩  જો તમારી પાસે પાંચ રોટલી કે કંઈક ખાવાનું હોય, તો મને આપો.” ૪  યાજકે દાઉદને કહ્યું: “મારી પાસે સાદી રોટલી નથી, પવિત્ર રોટલી જ છે.+ જો એ માણસોએ હાલમાં સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હોય, તો જ તેઓ ખાઈ શકે.”+ ૫  દાઉદે યાજકને જવાબ આપ્યો: “હા, અમે હાલમાં સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.+ અમે લડાઈમાં જઈએ ત્યારે પણ પવિત્ર રહીએ છીએ. તો પછી આજે તો એનાથી પણ વધારે પવિત્ર હોવા જોઈએ!” ૬  અર્પણની રોટલી* સિવાય બીજી કોઈ રોટલી ન હોવાથી, યાજકે તેને પવિત્ર રોટલી આપી.+ એ જ દિવસે યહોવા આગળ તાજી રોટલી મૂકવામાં આવી હતી અને અગાઉની રોટલી લઈ લેવામાં આવી હતી. ૭  શાઉલનો એક સેવક, અદોમી+ દોએગ+ એ દિવસે ત્યાં હતો. તેને યહોવા આગળ રોકી રાખવામાં આવ્યો હતો. તે શાઉલના ઘેટાંપાળકોનો ઉપરી હતો. ૮  પછી દાઉદે અહીમેલેખને પૂછ્યું: “શું અહીં તમારી પાસે ભાલો કે તલવાર છે? હું રાજાના કામ માટે ઉતાવળે નીકળી ગયો હોવાથી, મેં મારી તલવાર કે મારાં હથિયાર લીધાં નથી.” ૯  યાજકે કહ્યું: “જે પલિસ્તી ગોલ્યાથને તેં એલાહના નીચાણ પ્રદેશમાં+ મારી નાખ્યો હતો, તેની તલવાર+ અહીં છે. એ કપડાંમાં વીંટાળીને એફોદ+ પાછળ મૂકી છે. જો એ તને જોઈતી હોય તો લઈ લે, કેમ કે એ સિવાય અહીં બીજું કંઈ નથી.” દાઉદે કહ્યું: “હા, લાવો, લાવો! એના જેવી બીજી કોઈ નથી.” ૧૦  એ દિવસે દાઉદ ત્યાંથી નીકળી ગયો. શાઉલથી નાસતો-ફરતો+ આખરે તે ગાથના રાજા આખીશ+ પાસે આવી પહોંચ્યો. ૧૧  આખીશના સેવકોએ કહ્યું: “શું આ પેલા દેશનો રાજા દાઉદ નથી? શું આ એ જ નથી, જેના વિશે તેઓ નાચતાં-ગાતાં કહેતા હતા: ‘શાઉલે માર્યા હજારનેઅને દાઉદે માર્યા દસ હજારને’?”+ ૧૨  દાઉદે એ વાત ધ્યાનમાં લીધી અને તેને ગાથના રાજા આખીશનો ડર લાગ્યો.+ ૧૩  તેઓ આગળ તેણે પોતાનું વર્તન બદલી નાખ્યું અને ગાંડા હોવાનો ઢોંગ કર્યો.+ તે શહેરના દરવાજા પર લીટા પાડવા લાગ્યો. તેણે પોતાની દાઢી પર લાળ પડવા દીધી. ૧૪  એ જોઈને આખીશે પોતાના સેવકોને કહ્યું: “શું તમને દેખાતું નથી કે આ ગાંડો છે? તેને મારી પાસે શું કામ લાવ્યા? ૧૫  શું મારી પાસે ગાંડાઓની ખોટ છે કે અહીં બીજો એક ઉપાડી લાવ્યા? શું આવા માણસને મારા ઘરમાં પેસવા દેવાય?”

ફૂટનોટ