પહેલો શમુએલ ૨૪:૧-૨૨

  • દાઉદ શાઉલને જીવતો જવા દે છે (૧-૨૨)

    • દાઉદ યહોવાના અભિષિક્તને માન બતાવે છે ()

૨૪  શાઉલ પલિસ્તીઓ સામે લડીને પાછો ફર્યો કે તરત તેને ખબર આપવામાં આવી: “દાઉદ એન-ગેદીના+ વેરાન પ્રદેશમાં છે.” ૨  એ સાંભળીને શાઉલે આખા ઇઝરાયેલમાંથી પસંદ કરેલા ૩,૦૦૦ માણસો પોતાની સાથે લીધા. તે દાઉદ અને તેના માણસોને શોધવા પથરાળ ખડકોમાં નીકળી પડ્યો, જ્યાં પહાડી બકરાં રહેતાં હતાં. ૩  રસ્તામાં શાઉલ ઘેટાંના વાડા પાસે આવી પહોંચ્યો, જેની ફરતે પથ્થરની દીવાલ હતી. ત્યાં આવેલી એક ગુફામાં તે પેટ સાફ કરવા* ગયો. દાઉદ અને તેના માણસો એ ગુફાની અંદરના ભાગમાં આરામ કરવા બેઠા હતા.+ ૪  દાઉદના માણસોએ તેને કહ્યું: “આજે એ દિવસ આવ્યો છે, જ્યારે યહોવા તને કહે છે: ‘જો, મેં તારા દુશ્મનને તારા હાથમાં સોંપી દીધો છે.+ તને જે સારું લાગે એ કર.’” દાઉદે ચૂપચાપ જઈને શાઉલના ઝભ્ભાની* કોર કાપી લીધી. ૫  પણ પછી દાઉદનું દિલ* ડંખવા લાગ્યું,+ કારણ કે તેણે શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી હતી. ૬  દાઉદે પોતાના માણસોને કહ્યું: “યહોવાની નજરે આ એકદમ ખોટું કહેવાય કે હું યહોવાના અભિષિક્ત, મારા માલિક વિરુદ્ધ આવું કરું. હું કઈ રીતે તેમની સામે મારો હાથ ઉઠાવું, કેમ કે તે યહોવાના અભિષિક્ત છે.”+ ૭  આમ કહીને દાઉદે પોતાના માણસોને રોક્યા* અને તેઓને શાઉલ પર હુમલો કરવા દીધો નહિ. શાઉલ ઊઠીને ગુફામાંથી નીકળ્યો અને પોતાના રસ્તે આગળ વધ્યો. ૮  દાઉદે ગુફાની બહાર નીકળીને શાઉલને બૂમ મારી: “હે રાજાજી, મારા માલિક!”+ શાઉલે પાછા વળીને જોયું ત્યારે, દાઉદે ભૂમિ સુધી માથું નમાવીને તેને પ્રણામ કર્યા. ૯  તેણે શાઉલને પૂછ્યું: “‘દાઉદ તમને નુકસાન કરવાનો લાગ શોધે છે,’ એમ કહેનારા લોકોનું તમે કેમ સાંભળો છો?+ ૧૦  આજે તમે નજરોનજર જોયું છે કે ગુફામાં યહોવાએ તમને મારા હાથમાં સોંપી દીધા હતા. જ્યારે કેટલાકે તમને મારી નાખવાનું કહ્યું,+ ત્યારે મેં તમારા પર દયા બતાવી. મેં કહ્યું, ‘હું મારા માલિક પર હાથ નહિ ઉગામું, કેમ કે તે યહોવાના અભિષિક્ત છે.’+ ૧૧  મારા પિતા, આ જુઓ, મારા હાથમાં તમારા ઝભ્ભાની કોર છે. મેં તમારા ઝભ્ભાની કોર કાપી ત્યારે, તમને મારી નાખ્યા નહિ. હવે તમે જોઈ શકો અને સમજી શકો કે મારો ઇરાદો તમને નુકસાન પહોંચાડવાનો કે તમારી વિરુદ્ધ બંડ કરવાનો નથી. મેં તમારી વિરુદ્ધ કોઈ પાપ કર્યું નથી,+ જ્યારે કે તમે મારો જીવ લેવા હાથ ધોઈને મારી પાછળ પડ્યા છો.+ ૧૨  તમારી અને મારી વચ્ચે યહોવા ન્યાય કરે.+ મારા માટે યહોવા તમારા પર વેર વાળે,+ પણ હું તમારી સામે હાથ નહિ ઉગામું.+ ૧૩  જૂની કહેવત છે કે ‘ખરાબ માણસ ખરાબ કામો કરે,’ પણ હું તમારી સામે હાથ નહિ ઉગામું. ૧૪  ઇઝરાયેલના રાજા કોની પાછળ ભટકે છે? કોની પાછળ ઠેર ઠેર ફરે છે? એક મરેલા કૂતરા પાછળ? એક ચાંચડ પાછળ?+ ૧૫  યહોવા ન્યાયાધીશ બને. તે તમારી અને મારી વચ્ચે ન્યાય કરશે. તે મારા તરફ ધ્યાન આપશે અને મારો મુકદ્દમો લડશે.+ તે ઇન્સાફ કરશે અને મને તમારા હાથમાંથી છોડાવશે.” ૧૬  દાઉદ બોલી રહ્યો ત્યારે, શાઉલે કહ્યું: “મારા દીકરા દાઉદ, શું એ તારો અવાજ છે?”+ એમ કહીને શાઉલ મોટેથી રડવા લાગ્યો. ૧૭  તેણે દાઉદને કહ્યું: “તું મારા કરતાં વધારે સારો* છે. તેં મારું ભલું કર્યું, પણ મેં એનો બદલો બૂરાઈથી વાળ્યો.+ ૧૮  સાચે જ, તારા કહેવા પ્રમાણે આજે તેં મારું ભલું કર્યું છે. યહોવાએ મને તારા હાથમાં સોંપી દીધો હતો, તોપણ તેં મને મારી નાખ્યો નહિ.+ ૧૯  એવો કયો માણસ છે, જે પોતાના હાથમાં આવેલા દુશ્મનને સહીસલામત જવા દે? આજે તેં મારા માટે જે કર્યું છે, એના લીધે યહોવા તારું ભલું કરશે.+ ૨૦  હવે જો! મને ખબર છે કે તું રાજા તરીકે ચોક્કસ રાજ કરીશ.+ ઇઝરાયેલનું રાજ્ય તારા હાથમાં કાયમ રહેશે. ૨૧  મારી આગળ યહોવાના સમ ખા+ કે તું મારા પછી આવનાર મારા વંશજોનો નાશ નહિ કરે અને મારા પિતાના ઘરમાંથી મારું નામનિશાન મિટાવી નહિ દે.”+ ૨૨  દાઉદે શાઉલ આગળ સમ ખાધા. પછી શાઉલ પોતાના ઘરે પાછો ફર્યો+ અને દાઉદ પોતાના માણસો સાથે સલામત જગ્યાએ ચાલ્યો ગયો.+

ફૂટનોટ

અથવા, “જાજરૂ.”
મૂળ, “બાંય વગરના ઝભ્ભાની.”
અથવા, “અંતઃકરણ.”
અથવા કદાચ, “વિખેરી નાખ્યા.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.