પહેલો શમુએલ ૨૬:૧-૨૫

  • દાઉદ ફરીથી શાઉલને જીવતો જવા દે છે (૧-૨૫)

    • દાઉદ યહોવાના અભિષિક્તને માન બતાવે છે (૧૧)

૨૬  થોડા સમય પછી, ઝીફના+ માણસો શાઉલ પાસે ગિબયાહ+ આવ્યા અને કહ્યું: “દાઉદ યશીમોન*+ સામેના હખીલાહ ડુંગર પર સંતાયો છે.” ૨  એ સાંભળીને શાઉલ ઊઠ્યો અને તેણે ઇઝરાયેલમાંથી પસંદ કરેલા ૩,૦૦૦ માણસો પોતાની સાથે લીધા. તે દાઉદને શોધવા ઝીફના+ વેરાન પ્રદેશમાં નીકળી પડ્યો. ૩  શાઉલે હખીલાહ ડુંગર પરના રસ્તા પાસે છાવણી નાખી. એ ડુંગર યશીમોન સામે હતો. દાઉદ ત્યારે વેરાન પ્રદેશમાં રહેતો હતો. તેને ખબર મળી કે શાઉલ તેનો પીછો કરતો કરતો વેરાન પ્રદેશમાં આવી પહોંચ્યો છે. ૪  શાઉલ સાચે જ આવી પહોંચ્યો છે, એની ખાતરી કરવા દાઉદે જાસૂસો મોકલ્યા. ૫  જ્યાં શાઉલે છાવણી નાખી હતી, ત્યાં દાઉદ ગયો. તેણે જોયું કે શાઉલ અને તેનો સેનાપતિ, નેરનો દીકરો આબ્નેર+ કઈ જગ્યાએ ઊંઘે છે. શાઉલ છાવણીની વચ્ચે સૂતો હતો અને બધા સૈનિકો તેની આસપાસ હતા. ૬  દાઉદે હિત્તી+ અહીમેલેખને તેમજ સરૂયાના+ દીકરા અને યોઆબના ભાઈ અબીશાયને+ પૂછ્યું: “શાઉલની છાવણીમાં મારી સાથે કોણ આવશે?” અબીશાયે જવાબ આપ્યો: “હું તમારી સાથે આવીશ.” ૭  એટલે દાઉદ અને અબીશાય એ રાતે સૈનિકોની છાવણીમાં ઘૂસ્યા. તેઓએ શાઉલને છાવણીની વચ્ચે સૂતેલો જોયો. તેના માથા પાસે જમીનમાં ભાલો ખોસેલો હતો. આબ્નેર અને સૈનિકો તેની ચારે બાજુ સૂતા હતા. ૮  અબીશાયે દાઉદને કહ્યું: “ઈશ્વરે આજે તમારા દુશ્મનને તમારા હાથમાં સોંપી દીધો છે.+ કૃપા કરીને મને ભાલાના એક જ ઘાથી શાઉલને ભોંયભેગો કરી દેવા દો, મારે બીજો ઘા કરવો નહિ પડે.” ૯  પણ દાઉદે અબીશાયને કહ્યું: “તેમને કંઈ કરીશ નહિ. યહોવાના અભિષિક્ત+ વિરુદ્ધ હાથ ઉગામીને કોણ નિર્દોષ રહી શકે?”+ ૧૦  દાઉદે આગળ કહ્યું: “યહોવાના સમ* કે યહોવા પોતે તેમને મારી નાખશે;+ અથવા બધાની જેમ તેમણે પણ એક દિવસે મરવું પડશે;+ અથવા તો કોઈ યુદ્ધમાં તે માર્યા જશે.+ ૧૧  પણ હું મારો હાથ યહોવાના અભિષિક્ત વિરુદ્ધ નહિ ઉઠાવું.+ એ તો યહોવાની નજરે એકદમ ખોટું કહેવાય! ચાલ તેમના માથા પાસેથી ભાલો અને પાણીનો કુંજો ઉપાડી લઈએ અને અહીંથી નીકળી જઈએ.” ૧૨  આમ કહીને દાઉદે શાઉલના માથા પાસેથી ભાલો અને પાણીનો કુંજો લઈ લીધા અને તેઓ ત્યાંથી નીકળી ગયા. તેઓને ન કોઈએ જોયા,+ ન કોઈએ ધ્યાન આપ્યું, ન તો છાવણીમાં કોઈ જાગ્યું. તેઓ ઘસઘસાટ ઊંઘતા હતા, કારણ કે યહોવાએ તેઓને ભરઊંઘમાં નાખ્યા હતા. ૧૩  પછી દાઉદ સામેની બાજુ ગયો અને થોડે દૂર આવેલા એક પહાડની ટોચ પર જઈને ઊભો રહ્યો. તેઓ વચ્ચે સારું એવું અંતર હતું. ૧૪  દાઉદે સૈનિકોને અને નેરના દીકરા આબ્નેરને+ બૂમ પાડી: “આબ્નેર, તું સાંભળે છે કે?” આબ્નેર બોલ્યો: “રાજાને બૂમો પાડનાર તું કોણ?” ૧૫  દાઉદે આબ્નેરને કહ્યું: “શું તું શૂરવીર નથી? ઇઝરાયેલમાં તારા જેવો બીજો કોણ છે? તેં તારા માલિકની સલામતીનું ધ્યાન કેમ ન રાખ્યું? રાજાને મારી નાખવા છાવણીમાં એક સૈનિક ઘૂસી આવ્યો હતો.+ ૧૬  આબ્નેર, આ તેં સારું નથી કર્યું. યહોવાના સમ,* તું મોતને લાયક છે. તેં યહોવાના અભિષિક્ત,+ તારા માલિકની સલામતીનું ધ્યાન રાખ્યું નથી. જરા આસપાસ નજર ફેરવ! રાજાના માથા પાસેનો ભાલો ક્યાં છે અને પાણીનો કુંજો ક્યાં છે?”+ ૧૭  શાઉલે દાઉદનો અવાજ પારખીને કહ્યું: “મારા દીકરા દાઉદ,+ શું એ તારો અવાજ છે?” દાઉદે જવાબ આપ્યો: “હા રાજાજી. મારા માલિક, એ મારો અવાજ છે.” ૧૮  તેણે આગળ કહ્યું: “મારા માલિક પોતાના સેવકનો કેમ પીછો કરે છે?+ મેં શું કર્યું છે? મારો કોઈ વાંક-ગુનો હોય તો કહો.+ ૧૯  હે રાજાજી, મારા માલિક, કૃપા કરીને તમારા સેવકનું સાંભળો. જો યહોવાએ તમને મારી વિરુદ્ધ કર્યા હોય, તો હું તેમને અનાજ-અર્પણ* ચઢાવું. પણ માણસોએ તમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોય તો,+ તેઓ પર યહોવાનો શ્રાપ ઊતરી આવે. તેઓએ મને યહોવાના લોકોમાંથી* કાઢી મૂક્યો છે+ અને કહે છે: ‘જા, જઈને બીજા દેવોની ભક્તિ કર!’ ૨૦  મારું લોહી યહોવાથી દૂર પારકી જમીન પર ન રેડાઓ. ઇઝરાયેલના રાજા પર્વતો પર તેતરનો શિકાર કરવા નીકળ્યા હોય તેમ, એક ચાંચડ પાછળ પડ્યા છે.”+ ૨૧  શાઉલે કહ્યું: “મેં પાપ કર્યું છે.+ મારા દીકરા દાઉદ, પાછો આવ. હું તને હવે કંઈ જ નુકસાન નહિ પહોંચાડું. તેં આજે મારા જીવનને કેટલું અનમોલ ગણ્યું છે!+ હા, મેં મૂર્ખાઈ કરી છે અને મોટી ભૂલ કરી છે.” ૨૨  દાઉદે કહ્યું: “આ રહ્યો રાજાનો ભાલો. કોઈ માણસને મોકલો કે અહીં આવીને ભાલો લઈ જાય. ૨૩  દરેકની સચ્ચાઈ અને વફાદારીનો બદલો આપનાર તો યહોવા જ છે.+ આજે યહોવાએ તમને મારા હાથમાં સોંપી દીધા હતા, પણ મેં યહોવાના અભિષિક્ત સામે હાથ ઉઠાવવાનો ઇન્કાર કર્યો.+ ૨૪  એટલે આજે જેમ મેં તમારું જીવન અનમોલ ગણ્યું, તેમ યહોવાની નજરમાં મારું જીવન અનમોલ ગણાય. તે મને બધી આફતોમાંથી છોડાવે.”+ ૨૫  શાઉલે દાઉદને જવાબ આપ્યો: “મારા દીકરા દાઉદ, ઈશ્વર તને આશીર્વાદ આપો. તું ચોક્કસ મોટાં મોટાં કામ કરીશ અને તું જરૂર સફળ થઈશ.”+ પછી દાઉદ પોતાના રસ્તે ગયો અને શાઉલ પોતાના ઘરે ગયો.+

ફૂટનોટ

અથવા કદાચ, “રણ; વેરાન પ્રદેશ.”
મૂળ, “યહોવાના જીવના સમ.”
મૂળ, “યહોવાના જીવના સમ.”
મૂળ, “વારસામાંથી,” જેમાં લોકો અને વારસામાં મળેલી જગ્યા બંનેનો સમાવેશ થઈ શકે છે.