બીજો કાળવૃત્તાંત ૧૩:૧-૨૨

  • યહૂદાનો રાજા અબિયા (૧-૨૨)

    • અબિયા યરોબઆમને હરાવે છે (૩-૨૦)

૧૩  રાજા યરોબઆમના શાસનના ૧૮મા વર્ષે અબિયા યહૂદાનો રાજા બન્યો.+ ૨  તેણે યરૂશાલેમ પર ત્રણ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ મીખાયા* હતું,+ જે ગિબયાહના+ ઉરીએલની દીકરી હતી. અબિયા અને યરોબઆમ વચ્ચે લડાઈ થઈ.+ ૩  અબિયા તાલીમ પામેલા* ૪,૦૦,૦૦૦ શૂરવીર લડવૈયાઓનું સૈન્ય લઈને યુદ્ધ કરવા ગયો.+ યરોબઆમે તેની વિરુદ્ધ તાલીમ પામેલા ૮,૦૦,૦૦૦ શૂરવીર લડવૈયાઓ ગોઠવી દીધા. ૪  પછી અબિયા એફ્રાઈમના પહાડી વિસ્તારમાં આવેલા સમારાઈમ પર્વત પર ઊભો રહ્યો અને કહ્યું: “હે યરોબઆમ અને બધા ઇઝરાયેલીઓ, સાંભળો! ૫  ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ ઇઝરાયેલનું રાજ્ય દાઉદને અને તેના દીકરાઓને+ મીઠાનો કરાર*+ કરીને કાયમ માટે આપી દીધું છે.+ શું તમે એ નથી જાણતા? ૬  નબાટનો દીકરો યરોબઆમ+ તો દાઉદના દીકરા સુલેમાનનો ચાકર હતો. પણ યરોબઆમે પોતાના માલિકની સામે થઈને બંડ પોકાર્યું.+ ૭  નવરા અને નકામા માણસો તેની સાથે ભળી ગયા. સુલેમાનનો દીકરો રહાબઆમ યુવાન અને ડરપોક હોવાથી, તેઓ ચઢિયાતા સાબિત થયા. રહાબઆમ તેઓ આગળ ટકી શક્યો નહિ. ૮  “તમારી સાથે મોટું ટોળું છે અને યરોબઆમે જે સોનાનાં વાછરડાંને તમારા દેવો બનાવ્યાં છે, એ પણ તમારી પાસે છે. એટલે તમને લાગે છે કે તમે દાઉદના દીકરાઓના હાથમાંથી યહોવાનું રાજ્ય પડાવી લેશો.+ ૯  પણ શું તમે યહોવાના યાજકોને, એટલે કે હારુનના વંશજોને અને લેવીઓને કાઢી મૂક્યા નથી?+ બીજા દેશોના લોકોની જેમ, શું તમે મનગમતા યાજકો બનાવી દીધા નથી?+ જે કોઈ એક આખલો* અને સાત નર ઘેટા લઈને આવે છે, તે એવા દેવોનો યાજક બની બેસે છે જેઓ ઈશ્વર છે જ નહિ. ૧૦  પણ અમારા માટે તો યહોવા જ ઈશ્વર છે.+ અમે તેમને ત્યજી દીધા નથી. અમારા યાજકો, હારુનના વંશજો યહોવાની સેવા કરે છે. લેવીઓ તેઓને સેવામાં મદદ કરે છે. ૧૧  તેઓ યહોવાને રોજ સવાર-સાંજ+ સુગંધી ધૂપ+ સાથે અગ્‍નિ-અર્પણોનો ધુમાડો ચઢાવે છે. ચોખ્ખા સોનાની મેજ પર તેઓ અર્પણની રોટલીઓ+ મૂકે છે. રોજ સાંજે તેઓ સોનાની દીવી+ પરના દીવાઓ પ્રગટાવે છે.+ અમે તો યહોવા અમારા ઈશ્વરે આપેલી જવાબદારી ઉપાડીએ છીએ. પણ તમે તો તેમનો ત્યાગ કર્યો છે. ૧૨  હવે જુઓ! સાચા ઈશ્વર અમારી સાથે છે અને અમને દોરે છે. તેમના યાજકો સંકેત આપતાં રણશિંગડાં વગાડીને તમારી વિરુદ્ધ લડાઈનો પોકાર કરે છે. ઓ ઇઝરાયેલના માણસો, તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવા વિરુદ્ધ લડશો નહિ, કેમ કે તમે હારી જશો.”+ ૧૩  પણ યરોબઆમે તેઓ પર પાછળથી હુમલો કરવા ટુકડી મોકલી. યહૂદાની આગળ તેનું સૈન્ય હતું અને પાછળ તેની ટુકડી હતી. ૧૪  યહૂદાના માણસો પાછળ ફર્યા તો જોયું કે તેઓએ આગળ ને પાછળ બંને બાજુએ યુદ્ધ લડવાનું હતું. એટલે તેઓ યહોવાને પોકારી ઊઠ્યા+ અને યાજકો જોરજોરથી રણશિંગડાં વગાડવા લાગ્યા. ૧૫  યહૂદાના માણસો યુદ્ધનો પોકાર કરવા લાગ્યા. તેઓએ એમ કર્યું ત્યારે, સાચા ઈશ્વરે અબિયા અને યહૂદા સામે યરોબઆમ અને બધા ઇઝરાયેલીઓને હરાવી દીધા. ૧૬  યહૂદા આગળથી ઇઝરાયેલીઓ નાસી છૂટ્યા અને ઈશ્વરે તેઓને યહૂદાના હાથમાં સોંપી દીધા. ૧૭  અબિયા અને તેના લોકોએ તેઓનો મોટો સંહાર કર્યો. ઇઝરાયેલના તાલીમ પામેલા ૫,૦૦,૦૦૦ માણસો કતલ થયા. ૧૮  એ સમયે ઇઝરાયેલના માણસોએ નીચું જોવું પડ્યું. પણ યહૂદાના માણસો ચઢિયાતા સાબિત થયા, કેમ કે તેઓએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવા પર ભરોસો રાખ્યો હતો.+ ૧૯  અબિયાએ યરોબઆમનો પીછો કર્યો અને તેનાં આ શહેરો જીતી લીધાં: બેથેલ+ અને એની આસપાસનાં* નગરો, યશાનાહ અને એની આસપાસનાં નગરો તથા એફ્રોન+ અને એની આસપાસનાં નગરો. ૨૦  અબિયાના સમયમાં યરોબઆમને ક્યારેય પોતાની સત્તા પાછી મળી નહિ. પછી યહોવાએ યરોબઆમને સજા કરી અને તે મરી ગયો.+ ૨૧  અબિયા બળવાન થતો ગયો. તેણે ૧૪ પત્નીઓ કરી.+ તેને ૨૨ દીકરાઓ થયા અને ૧૬ દીકરીઓ થઈ. ૨૨  અબિયાનો બાકીનો ઇતિહાસ, તેનાં કાર્યો અને તેનાં વચનો, એ બધાનું વર્ણન પ્રબોધક ઈદ્દોનાં લખાણોમાં થયું છે.+

ફૂટનોટ

મૂળ, “પસંદ કરેલા.”
એટલે કે, હંમેશ માટેનો અને બદલાય નહિ એવો કરાર.
અથવા, “એના પર આધાર રાખતાં.”