બીજો કાળવૃત્તાંત ૧૬:૧-૧૪

  • આસાએ સિરિયા સાથે કરેલો કરાર (૧-૬)

  • આસાને હનાની ઠપકો આપે છે (૭-૧૦)

  • આસાનું મરણ (૧૧-૧૪)

૧૬  આસાના શાસનના ૩૬મા વર્ષે ઇઝરાયેલના રાજા બાશાએ+ યહૂદા પર ચઢાઈ કરી. તેણે રામા+ ફરતે કોટ બાંધવાનું* શરૂ કર્યું, જેથી યહૂદાના રાજા આસા પાસે ન કોઈ આવી શકે, ન કોઈ જઈ શકે.*+ ૨  એટલે આસાએ યહોવાના મંદિરના ભંડારોમાંથી અને રાજમહેલના ભંડારોમાંથી સોનું-ચાંદી ભેગું કર્યું+ અને દમસ્કમાં રહેતા સિરિયાના રાજા બેન-હદાદને મોકલ્યું.+ આસાએ આ સંદેશો મોકલ્યો: ૩  “મારા પિતા અને તારા પિતા વચ્ચે કરાર થયો હતો. એવો કરાર મારી અને તારી વચ્ચે પણ છે. હું તને સોનું-ચાંદી મોકલું છું. ઇઝરાયેલના રાજા બાશા સાથેનો તારો કરાર તોડી નાખ, જેથી તે મારા વિસ્તારમાંથી જતો રહે.” ૪  બેન-હદાદે રાજા આસાનું સાંભળ્યું. તેણે પોતાના સેનાપતિઓને ઇઝરાયેલનાં શહેરો સામે લડવા મોકલ્યા. તેઓએ ઇયોન,+ દાન,+ આબેલ-માઈમ અને નફતાલીનાં શહેરોના બધા ભંડારોનો વિનાશ કર્યો.+ ૫  એ સાંભળીને બાશાએ રામા ફરતે કોટ બાંધવાનું* કામ બંધ કર્યું અને એ કામ પડતું મૂક્યું. ૬  રાજા આસાએ યહૂદાના બધા લોકોને ભેગા કર્યા. બાશા જે પથ્થરો અને લાકડાંથી રામા+ ફરતે કોટ બાંધતો હતો,+ એ બધું તેઓ ઉઠાવી લાવ્યા. રાજા આસાએ એનાથી ગેબા+ ફરતે અને મિસ્પાહ+ ફરતે કોટ બાંધ્યા.* ૭  એ સમયે દર્શન સમજાવનાર* હનાનીએ+ યહૂદાના રાજા આસા પાસે આવીને કહ્યું: “તમે તમારા ઈશ્વર યહોવા પર ભરોસો રાખવાને બદલે, સિરિયાના રાજા પર ભરોસો રાખ્યો છે. એટલે સિરિયાના રાજાનું લશ્કર તમારા હાથમાંથી છટકી ગયું છે.+ ૮  શું ઇથિયોપિયા અને લિબિયાનું લશ્કર ઘણું મોટું ન હતું? શું તેઓ પાસે ઘણા રથો અને ઘોડેસવારો ન હતા? તોપણ તમે યહોવા પર ભરોસો રાખ્યો હોવાથી, તેમણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા હતા.+ ૯  યહોવાની નજર આખી પૃથ્વી પર ફરતી રહે છે.+ તે જુએ છે કે કોણ પૂરા દિલથી તેમની ભક્તિ કરે છે,+ જેથી તેઓને મદદ કરીને પોતાની શક્તિ બતાવી આપે.* પણ તમે ભારે મૂર્ખામી કરી છે. હવેથી તમારી સામે લડાઈઓ ચાલતી રહેશે.”+ ૧૦  પણ આસાને બહુ ખોટું લાગ્યું. તેને એટલો ગુસ્સો ચઢ્યો કે દર્શન સમજાવનાર હનાનીને કેદમાં નાખ્યો. આસાએ બીજા લોકો પર પણ જુલમ ગુજાર્યો. ૧૧  આસાની શરૂઆતથી લઈને અંત સુધીનો ઇતિહાસ યહૂદાના અને ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં લખેલો છે.+ ૧૨  આસાના શાસનના ૩૯મા વર્ષે તેના પગે રોગ થયો અને તે ખૂબ બીમાર પડ્યો. આવી બીમારીમાં પણ તેણે યહોવાને બદલે વૈદોની મદદ લીધી. ૧૩  પછી આસાનું મરણ થયું.+ તે પોતાના શાસનના ૪૧મા વર્ષે મરી ગયો. ૧૪  તેણે પોતાના માટે દાઉદનગરમાં+ એક આલીશાન કબર ખોદાવી હતી. લોકોએ તેને એમાં દફનાવ્યો. તેઓએ તેને ઠાઠડીમાં સુવડાવ્યો, જેમાં સુગંધી તેલ* અને જાતજાતનાં સુગંધી દ્રવ્ય ભેળવીને બનાવેલા અત્તર નાખેલાં હતાં.+ તેઓએ તેના માનમાં ઘણી મોટી આગ સળગાવી.*

ફૂટનોટ

અથવા, “રામા ફરી બાંધવાનું.”
અથવા, “રાજાના વિસ્તારમાં કોઈ અવર-જવર કરી ન શકે.”
અથવા, “રામા ફરી બાંધવાનું.”
અથવા, “ગેબા અને મિસ્પાહ ફરી બાંધ્યા.”
અથવા, “સાથ આપે.”
શબ્દસૂચિમાં “સુગંધી દ્રવ્ય” જુઓ.
દેખીતું છે, એ આસાના અગ્‍નિ-સંસ્કાર માટે નહિ, પણ સુગંધી દ્રવ્યો સળગાવવા માટે હતી.