કોરીંથીઓને બીજો પત્ર ૧૦:૧-૧૮
૧૦ હું પાઉલ તમને ખ્રિસ્ત જેવી કોમળતા અને કૃપા બતાવીને વિનંતી કરું છું.+ તમારામાંથી અમુકને લાગે છે કે હું તમારી સાથે હોઉં ત્યારે કમજોર હોઉં છું+ અને સાથે ન હોઉં ત્યારે કડક હોઉં છું.+
૨ અમુકને લાગે છે કે અમે દુનિયાના વિચારો પ્રમાણે જીવીએ છીએ. પણ હું આશા રાખું છું કે અમે આવીએ ત્યાં સુધીમાં તેઓએ પોતાના વિચારોમાં ફેરફાર કર્યો હશે, જેથી મારે તેઓ વિરુદ્ધ કડક પગલાં લેવાં ન પડે.
૩ ખરું કે અમે દુનિયામાં જીવીએ છીએ, પણ અમે દુનિયાની જેમ લડાઈ કરતા નથી.
૪ અમારી લડાઈનાં હથિયારો દુનિયાનાં નથી,+ એ શક્તિશાળી હથિયારો તો ઈશ્વરે આપેલાં છે,+ જેથી અમે ઊંડે સુધી ઘર કરી ગયેલી વાતોને જડમૂળથી ઉખેડી નાખીએ.*
૫ ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ ઊભી થનારી દલીલોને અને દરેક ઘમંડી વાતને અમે જડમૂળથી ઉખેડી નાખીએ છીએ.+ અમે દરેક વિચારને કેદ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.
૬ પહેલા તમે સાબિત કરો કે તમે પૂરી રીતે આજ્ઞા પાળો છો, પછી આજ્ઞા ન માનનાર દરેકને સજા આપવા અમે તૈયાર છીએ.+
૭ તમે ફક્ત બહારનો દેખાવ જુઓ છો. જો કોઈને એવો ભરોસો હોય કે પોતે ખ્રિસ્તનો શિષ્ય છે, તો તેણે આ હકીકત પર ફરીથી વિચાર કરવો: જેમ તે ખ્રિસ્તનો શિષ્ય છે, તેમ અમે પણ ખ્રિસ્તના શિષ્યો છીએ.
૮ માલિક ઈસુએ તમને તોડી પાડવા નહિ, પણ દૃઢ કરવા અમને અધિકાર આપ્યો છે.+ એ અધિકાર વિશે જો હું થોડી વધારે પડતી બડાઈ કરું, તોપણ મારે શરમાવું નહિ પડે.
૯ હું નથી ચાહતો કે કોઈને એવું લાગે કે હું મારા પત્રોથી તમને ડરાવવાનો પ્રયત્ન કરું છું.
૧૦ કેમ કે અમુક કહે છે: “તેના પત્રો દમદાર અને અસરકારક છે, પણ તે હાજર હોય ત્યારે કમજોર હોય છે અને તેનું બોલવું દમ વગરનું હોય છે.”
૧૧ એવા લોકો જાણી લે કે અમે આવીશું ત્યારે પત્રોમાં લખ્યું છે, એ પ્રમાણે કરીશું પણ ખરા.*+
૧૨ કેમ કે અમે અમારી સરખામણી કે બરાબરી એવા લોકો સાથે કરવા નથી ચાહતા, જેઓ પોતાના વિશે બડાઈઓ મારે છે.+ તેઓ પોતાના જ માપદંડથી પોતાને માપે છે અને પોતાની જ સરખામણી પોતાની સાથે કરે છે. એમ કરીને તેઓ બતાવી આપે છે કે તેઓ મૂર્ખ છે.+
૧૩ અમને મળેલી સોંપણી* સિવાય અમે બીજા કશા વિશે બડાઈ મારતા નથી. અમે તો ઈશ્વર પાસેથી મળેલી સોંપણી* વિશે બડાઈ મારીશું, જેમાં તમને પ્રચાર કરવાનો પણ સમાવેશ થાય છે.+
૧૪ અમે તમારી પાસે આવ્યા ત્યારે, અમારી સોંપણીની ઉપરવટ જઈને અમે કંઈ કર્યું ન હતું, પણ ખ્રિસ્ત વિશેની ખુશખબર લઈને તમારા સુધી પહોંચનાર અમે પહેલા હતા.+
૧૫ અમે અમારી સોંપણી* સિવાય, એટલે કે બીજા કોઈએ કરેલી મહેનત પર બડાઈ મારતા નથી. પણ અમે આશા રાખીએ છીએ કે જેમ જેમ તમારી શ્રદ્ધા વધતી જાય, તેમ તેમ અમારા વિસ્તારમાં કરેલું કામ પણ વધતું જાય. પછી અમારી પાસે ઘણું કામ હશે
૧૬ અને અમે તમારાથી દૂર બીજા દેશોમાં ખુશખબર જણાવી શકીએ. આમ, બીજા કોઈના વિસ્તારમાં થયેલા કામ વિશે અમે બડાઈ મારીશું નહિ.
૧૭ “પણ જે કોઈ અભિમાન કરે, તે યહોવા* વિશે અભિમાન કરે.”+
૧૮ જે કોઈ પોતાના વખાણ કરે છે તેનો સ્વીકાર નથી થતો,+ પણ જેના વખાણ યહોવા* કરે છે, તેનો સ્વીકાર થાય છે.+
ફૂટનોટ
^ અથવા, “જેથી અમે કિલ્લાઓ જેવા મજબૂત શિક્ષણને તોડી પાડીએ.”
^ મૂળ, “અમે શબ્દોમાં જેવા છીએ, તેવા જ વર્તનમાં પણ હોઈશું.”
^ અથવા, “ઠરાવેલી હદ.”
^ અથવા, “ઈશ્વરે અમારા માટે માપી આપેલા વિસ્તારની હદ.”
^ અથવા, “ઠરાવેલી હદ.”
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ વધારે માહિતી ક-૫ જુઓ.