કોરીંથીઓને બીજો પત્ર ૨:૧-૧૭
૨ મેં નક્કી કર્યું છે કે હું ફરીથી આવું ત્યારે તમને દુઃખી ન કરું.
૨ કેમ કે જો હું તમને દુઃખી કરું, તો તમારા સિવાય બીજું કોણ છે જે મને ખુશ કરશે?
૩ મેં તમને એટલા માટે લખ્યું હતું, જેથી હું આવું ત્યારે તમારા લીધે દુઃખી ન થાઉં પણ આનંદ કરું. મને ખાતરી છે કે જેનાથી મને આનંદ થાય છે એનાથી તમને બધાને પણ એટલો જ આનંદ થાય છે.
૪ મેં ઘણી તકલીફો અને દિલની વેદના સાથે ઘણાં આંસુ વહાવીને તમને લખ્યું હતું. તમને દુઃખી કરવા નહિ,+ પણ તમને એ જણાવવા કે હું તમને કેટલો બધો પ્રેમ કરું છું!
૫ હવે જો કોઈ માણસે દુઃખ પહોંચાડ્યું હોય તો+ તેણે મને નહિ, પણ અમુક હદે તમને બધાને દુઃખ પહોંચાડ્યું છે. એ વિશે હું કડક શબ્દોમાં કંઈ કહેવા માંગતો નથી.
૬ ઘણા લોકોએ એ માણસને ઠપકો આપ્યો એ પૂરતું છે.
૭ હવે તમારે તેને દિલથી માફ કરીને દિલાસો આપવો જોઈએ,+ જેથી તે અતિશય નિરાશામાં ડૂબી ન જાય.+
૮ એટલે હું તમને ઉત્તેજન આપું છું કે તેને તમારા પ્રેમનો અહેસાસ કરાવો.+
૯ તમને લખવાનું બીજું એક કારણ પણ છે. હું એ જોવા માંગતો હતો કે તમે દરેક વાતમાં આજ્ઞા પાળો છો કે નહિ.
૧૦ જો તમે કોઈને માફ કરો, તો હું પણ તેને માફ કરું છું. હકીકતમાં, મેં જે માફ કર્યું છે (જો કોઈ અપરાધ માફ કર્યો હોય તો), એ ખ્રિસ્તની નજરમાં તમારા માટે માફ કર્યું છે,
૧૧ જેથી શેતાન આપણા પર ફાવી ન જાય,*+ કેમ કે આપણે તેની ચાલાકીઓથી* અજાણ નથી.+
૧૨ જ્યારે હું ખ્રિસ્ત વિશે ખુશખબર જણાવવા ત્રોઆસ આવ્યો,+ ત્યારે માલિક ઈસુની સેવા કરવા મારા માટે એક દ્વાર ખોલવામાં આવ્યું.*
૧૩ એ વખતે મારો ભાઈ તિતસ+ ત્યાં ન હતો, એટલે મારા મનને જરાય શાંતિ ન મળી. તેથી મેં તેઓને આવજો કહીને મકદોનિયા+ જવા વિદાય લીધી.
૧૪ પણ ઈશ્વરનો આભાર કે તે હંમેશાં આપણને ખ્રિસ્ત સાથે વિજયકૂચમાં દોરી જાય છે. ઈશ્વર આપણા દ્વારા દરેક જગ્યાએ પોતાના જ્ઞાનની સુગંધ ફેલાવે છે.
૧૫ કેમ કે ઉદ્ધાર મેળવનાર લોકોમાં અને નાશ થનાર લોકોમાં આપણે ઈશ્વર માટે ખ્રિસ્તની મીઠી સુગંધ છીએ.
૧૬ નાશ થનાર લોકો માટે એ દુર્ગંધ છે, જે મોત તરફ લઈ જાય છે+ અને ઉદ્ધાર મેળવનાર લોકો માટે એવી સુગંધ છે, જે જીવન તરફ લઈ જાય છે. આવું કામ કરવા કોણ બધી રીતે લાયક છે?
૧૭ અમે લાયક છીએ, કેમ કે અમે બીજા લોકોની જેમ ઈશ્વરના સંદેશાનો વેપાર કરતા નથી.*+ પણ ખ્રિસ્તના શિષ્યો હોવાથી અમે સાફ દિલથી બોલીએ છીએ. હા, ઈશ્વરે અમને આ કામ માટે મોકલ્યા છે અને અમે તેમની નજર આગળ આ કામ કરીએ છીએ.
ફૂટનોટ
^ અથવા, “આપણને છેતરી ન જાય.”
^ અથવા, “કુયુક્તિઓથી; કાવતરાઓથી.”
^ અથવા, “કામ કરવાની તક આપવામાં આવી.”
^ અથવા, “ફેરિયાઓ નથી; ફાયદો ઉઠાવતા નથી.”