કોરીંથીઓને બીજો પત્ર ૯:૧-૧૫
૯ હવે પવિત્ર જનોની સેવા વિશે+ તમને કંઈ લખવાની મને જરૂર લાગતી નથી,
૨ કેમ કે હું જાણું છું કે તમે મદદ કરવા તૈયાર છો. હું મકદોનિયાના ભાઈઓ આગળ બડાઈ કરું છું કે અખાયાના ભાઈઓ એક વર્ષથી મદદ કરવા તૈયાર છે. તમારા ઉત્સાહે મકદોનિયાના મોટા ભાગના ભાઈઓની હોંશ વધારી છે.
૩ પણ હું ભાઈઓને મોકલું છું, જેથી આ વિશે તમારા માટેની અમારી બડાઈ નકામી ન જાય. મેં તેઓને જણાવ્યું હતું કે તમે તૈયાર હશો, એટલે તમે સાચે જ તૈયાર રહેજો.
૪ જો મકદોનિયાના ભાઈઓ મારી સાથે આવશે અને જોશે કે તમે તૈયાર નથી, તો તમારા પર મૂકેલા ભરોસાને લીધે અમારે શરમાવું પડશે. તમારે પણ શરમાવું પડશે.
૫ એટલે મને એ જરૂરી લાગ્યું કે હું ભાઈઓને અમારી પહેલાં તમારી પાસે આવવાનું ઉત્તેજન આપું, જેથી તમે ઉદારતાથી આપેલું દાન તેઓ તૈયાર રાખે, જેનું તમે વચન આપ્યું છે. આમ એ જબરજસ્તીથી આપેલા દાન તરીકે નહિ, પણ ઉદારતાથી આપેલા દાન તરીકે તૈયાર હોય.
૬ એટલું ધ્યાનમાં રાખજો કે જે કોઈ કંજૂસાઈથી વાવે છે, તે થોડું લણશે અને જે કોઈ ઉદારતાથી વાવે છે, તે ઘણું લણશે.+
૭ દરેકે પોતાના દિલમાં જે નક્કી કર્યું હોય એ પ્રમાણે આપવું. તેણે કચવાતા દિલે* અથવા ફરજને લીધે આપવું નહિ,+ કેમ કે જે રાજીખુશીથી આપે છે, તેને ઈશ્વર ચાહે છે.+
૮ ઈશ્વર તમારા પર અપાર કૃપા વરસાવી શકે છે, જેથી તમને જેની જરૂર છે એ તમારી પાસે હંમેશાં પૂરતા પ્રમાણમાં હોય. તેમ જ, દરેક ભલું કામ કરવા જે જરૂરી છે, એ પણ તમારી પાસે ભરપૂર પ્રમાણમાં હોય.+
૯ (જેમ લખેલું છે, “તેણે ઉદાર* હાથે વહેંચી આપ્યું છે. તેણે ગરીબને આપ્યું છે. તેનાં નેક કામો કાયમ રહે છે.”+
૧૦ હવે જે ઈશ્વર વાવનારને અઢળક બી આપે છે અને ખાવા માટે લોકોને પુષ્કળ રોટલી આપે છે, તે વાવવા માટે તમને પુષ્કળ પ્રમાણમાં બી પૂરાં પાડશે અને તમારાં નેક કામોનું ફળ વધારશે.)
૧૧ ઈશ્વર તમને દરેક રીતે આશીર્વાદ આપે છે, જેથી તમે દરેક રીતે ઉદારતાથી આપી શકો અને અમારા કાર્યને લીધે લોકો ઈશ્વરનો આભાર માને.
૧૨ કેમ કે આ સેવાકાર્ય* પવિત્ર જનોની જરૂરિયાતો સારી રીતે પૂરી કરે છે.+ એટલું જ નહિ, એના લીધે લોકો ઈશ્વરનો ઘણો આભાર પણ માને છે.
૧૩ તમારી રાહત સેવાને લીધે લોકો ઈશ્વરને મહિમા આપે છે, કેમ કે તમે ખ્રિસ્ત વિશે જે ખુશખબર જાહેર કરો છો, એને આધીન પણ રહો છો અને તમે તેઓને અને બધાને ઉદારતાથી દાન આપો છો.+
૧૪ તમારા પરની ઈશ્વરની અપાર કૃપાને લીધે તેઓ તમારા માટે કાલાવાલા કરે છે અને તમારા પર મમતા રાખે છે.
૧૫ ઈશ્વરે આપેલા એ મફત દાન માટે તેમનો આભાર, જેનું શબ્દોમાં વર્ણન થઈ શકતું નથી.