તિમોથીને બીજો પત્ર ૪:૧-૨૨

  • “તારું સેવાકાર્ય દરેક રીતે પૂરું કરજે” (૧-૫)

    • ઢીલ કર્યા વગર સંદેશો જાહેર કરજે ()

  • “હું સારી રીતે લડાઈ લડ્યો છું” (૬-૮)

  • પાઉલ પોતાના વિશે જણાવે છે (૯-૧૮)

  • છેલ્લી સલામ (૧૯-૨૨)

 જ્યારે ખ્રિસ્ત ઈસુ પ્રગટ થશે+ અને પોતાના રાજ્યમાં આવશે,+ ત્યારે તે જીવતા અને મરી ગયેલા લોકોનો ન્યાય કરશે.+ એ ખ્રિસ્ત ઈસુની આગળ અને ઈશ્વરની આગળ હું તને આદેશ આપું છું: ૨  તું સંદેશો જાહેર કર.+ સમય સારો હોય કે ખરાબ, એ જાહેર કરવામાં ઢીલ ન કર.* તું પૂરી ધીરજ રાખીને અને કુશળતાથી શીખવીને*+ લોકોને સુધાર,+ ઠપકો આપ અને ઉત્તેજન આપ. ૩  કેમ કે એવો સમય આવશે જ્યારે તેઓ ખરું શિક્ષણ નહિ સાંભળે.+ તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે કરશે અને તેઓને ગમતી વાતો કહે* એવા શિક્ષકો ભેગા કરશે.+ ૪  તેઓ સત્ય સાંભળવાનું છોડી દેશે અને ખોટી વાર્તાઓને ધ્યાન આપશે. ૫  પણ તું બધા સંજોગોમાં સમજી-વિચારીને વર્તજે, તકલીફો સહન કરજે,+ ખુશખબર જણાવતો રહેજે,* તારું સેવાકાર્ય દરેક રીતે પૂરું કરજે.+ ૬  હું દ્રાક્ષદારૂ-અર્પણ* તરીકે રેડાઈ રહ્યો છું+ અને મારા છુટકારાનો સમય+ એકદમ પાસે આવી ગયો છે. ૭  હું સારી રીતે લડાઈ લડ્યો છું,+ મેં દોડ પૂરી કરી છે+ અને હું શ્રદ્ધાથી જીવ્યો છું. ૮  મારા માટે સત્યનો મુગટ રાખી મૂકવામાં આવ્યો છે.+ ન્યાયના દિવસે માલિક ઈસુ, જે સાચા ન્યાયાધીશ છે,+ તે મને ઇનામમાં એ મુગટ આપશે.+ એ ઇનામ તે ફક્ત મને જ નહિ, તેમના પ્રગટ થવાની આતુરતાથી રાહ જોનારા બધાને પણ આપશે. ૯  તું મારી પાસે જલદી આવવાની પૂરી કોશિશ કરજે. ૧૦  દેમાસને+ આ દુનિયા પર પ્રેમ હોવાથી તે મને છોડીને થેસ્સાલોનિકા જતો રહ્યો છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે અને તિતસ દલ્મતિયા ગયો છે. ૧૧  ફક્ત લૂક મારી સાથે છે. માર્કને તારી સાથે લેતો આવજે, કેમ કે સેવામાં તે મને મદદરૂપ થશે. ૧૨  તુખિકસને+ મેં એફેસસ મોકલ્યો છે. ૧૩  તું આવે ત્યારે મારો ઝભ્ભો લેતો આવજે, જે હું ત્રોઆસમાં કાર્પસ પાસે મૂકીને આવ્યો છું. તું વીંટાઓ,* ખાસ કરીને ચામડાના વીંટાઓ* પણ લેતો આવજે. ૧૪  તાંબાનું કામ કરનાર* એલેકઝાંડરે મને ઘણી વાર નુકસાન પહોંચાડ્યું છે. યહોવા* તેનાં કામો પ્રમાણે તેને બદલો આપશે.+ ૧૫  તું પણ તેનાથી સાવધ રહેજે, કારણ કે તેણે અમારા સંદેશાનો સખત વિરોધ કર્યો છે. ૧૬  મારા પ્રથમ બચાવ વખતે મારા પક્ષે કોઈ આવ્યું નહિ, તેઓ બધા મને છોડીને જતા રહ્યા. મારી પ્રાર્થના છે કે ઈશ્વર તેઓને દોષિત ન ગણે. ૧૭  પણ માલિક ઈસુ મારી પાસે ઊભા રહ્યા અને તેમણે મને શક્તિથી ભરપૂર કર્યો, જેથી મારા દ્વારા પૂરેપૂરી રીતે ખુશખબર ફેલાઈ શકે અને બધી પ્રજાઓ એ સાંભળી શકે.+ મને સિંહના મોંમાંથી બચાવવામાં આવ્યો.+ ૧૮  દરેક દુષ્ટ કામથી માલિક ઈસુ મારું રક્ષણ કરશે અને પોતાના સ્વર્ગના રાજ્ય માટે મને બચાવશે.+ તેમનો સદાને માટે મહિમા થતો રહે. આમેન.* ૧૯  પ્રિસ્કા અને આકુલાને+ તથા ઓનેસિફરસના ઘરના સભ્યોને+ મારી સલામ કહેજે. ૨૦  એરાસ્તસ+ કોરીંથમાં રહ્યો, પણ ત્રોફિમસ+ બીમાર હોવાથી મેં તેને મિલેતસમાં રહેવા દીધો. ૨૧  શિયાળા પહેલાં તું અહીં આવવાનો પૂરો પ્રયત્ન કરજે. યુબૂલસ તને સલામ મોકલે છે. પુદેન્સ, લિનસ, ક્લોદિયા અને બધા ભાઈઓ પણ તને સલામ મોકલે છે. ૨૨  તારા સારા વલણ પર આપણા માલિક ઈસુનો આશીર્વાદ રહે. તેમની અપાર કૃપા તારા પર રહે.

ફૂટનોટ

અથવા, “તત્પર રહે.”
અથવા, “શીખવવાની કળાથી.”
અથવા, “કાનની ખંજવાળ મટાડે.”
અથવા, “પ્રચારકનું કામ કરજે.”
અથવા, “પેયાર્પણ.” શબ્દસૂચિ જુઓ.
એટલે કે, ચર્મપત્રો.
અથવા, “કંસારા.”