થેસ્સાલોનિકીઓને બીજો પત્ર ૧:૧-૧૨

  • સલામ (૧, ૨)

  • થેસ્સાલોનિકીઓની શ્રદ્ધા વધતી જાય છે (૩-૫)

  • ખુશખબર ન માનનારા લોકો પર વેર વાળવામાં આવશે (૬-૧૦)

  • મંડળ માટે પ્રાર્થના (૧૧, ૧૨)

 હું પાઉલ આ પત્ર લખું છું. હું આ પત્ર સિલ્વાનુસ* અને તિમોથી+ સાથે મળીને થેસ્સાલોનિકાના મંડળને લખું છું, જે મંડળ ઈશ્વર આપણા પિતા સાથે અને આપણા માલિક ઈસુ ખ્રિસ્ત* સાથે એકતામાં છે: ૨  ઈશ્વર આપણા પિતા પાસેથી અને આપણા માલિક ઈસુ ખ્રિસ્ત પાસેથી તમને અપાર કૃપા* અને શાંતિ મળે. ૩  ભાઈઓ, અમારી ફરજ છે કે અમે તમારા માટે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ. એમ કરવું યોગ્ય છે, કેમ કે તમારી શ્રદ્ધા ઝડપથી વધતી જાય છે અને એકબીજા માટે તમારો પ્રેમ વધતો ને વધતો જાય છે.+ ૪  તમે ધીરજ અને શ્રદ્ધાથી જે બધી સતાવણી અને મુસીબતો* સહન કરો છો,+ એના લીધે ઈશ્વરનાં મંડળોમાં અમે તમારા માટે ગર્વ કરીએ છીએ.+ ૫  આ ઈશ્વરના ખરા ન્યાયની સાબિતી છે, જેના લીધે તમને ઈશ્વરના રાજ્ય માટે યોગ્ય ગણવામાં આવે છે અને તમે એ રાજ્ય માટે સહન કરી રહ્યા છો.+ ૬  એ ધ્યાનમાં લેતા, ઈશ્વર માટે એ વાજબી ગણાય કે તમારા પર મુસીબતો લાવનારા લોકો પર તે બદલો વાળે.+ ૭  પણ માલિક ઈસુ અગ્‍નિની જ્વાળામાં પોતાના શક્તિશાળી દૂતો* સાથે સ્વર્ગમાંથી પ્રગટ થશે ત્યારે,+ તમે જેઓ મુસીબતો સહન કરી રહ્યા છો, તેઓને અમારી સાથે રાહત આપવામાં આવશે. ૮  એ સમયે, જેઓ ઈશ્વરને જાણતા નથી અને આપણા માલિક ઈસુ વિશેની ખુશખબર માનતા નથી, તેઓ પર તે વેર વાળશે.+ ૯  એ લોકોને હંમેશ માટેના નાશની સજા+ કરીને માલિક ઈસુની નજર સામેથી દૂર કરવામાં આવશે અને તેઓ તેમના સામર્થ્યનો મહિમા જોઈ શકશે નહિ. ૧૦  માલિક ઈસુ આવશે એ દિવસે તેમને પોતાના પવિત્ર જનો સાથે મહિમાવાન કરવામાં આવશે અને શ્રદ્ધા મૂકનારાઓને તેમના લીધે નવાઈ લાગશે. તમે પણ એમાં ભાગ લેશો, કેમ કે અમે આપેલી સાક્ષીમાં તમે ભરોસો મૂક્યો છે. ૧૧  એટલે અમે તમારા માટે હંમેશાં પ્રાર્થના કરીએ છીએ કે, આપણા ઈશ્વરે તમને જે જીવનનું આમંત્રણ આપ્યું છે એ જીવન માટે તમને યોગ્ય ગણે.+ તેમ જ, તેમને ગમે છે એ બધાં સારાં કામો તે પોતાની શક્તિથી પૂરાં કરે અને તમારી શ્રદ્ધાનાં કામોને સફળ કરે. ૧૨  આમ, આપણા ઈશ્વર પાસેથી અને આપણા માલિક ઈસુ ખ્રિસ્ત પાસેથી મળેલી અપાર કૃપા પ્રમાણે તમારા દ્વારા આપણા માલિક ઈસુના નામનો મહિમા થાય અને તેમના દ્વારા તમારો મહિમા થાય.

ફૂટનોટ

સિલાસ પણ કહેવાતો.
અથવા, “સંકટો.”