પિતરનો બીજો પત્ર ૩:૧-૧૮

  • મશ્કરી કરનારાઓ આવનાર વિનાશને ગણકારતા નથી (૧-૭)

  • યહોવા મોડું કરતા નથી (૮-૧૦)

  • વિચારો કે તમારે કેવા પ્રકારના લોકો બનવું જોઈએ (૧૧-૧૬)

    • નવાં આકાશ અને નવી પૃથ્વી (૧૩)

  • સાવચેત રહો, ખોટા માર્ગે ચઢી ન જાઓ (૧૭, ૧૮)

 વહાલા ભાઈઓ, પહેલા પત્રની જેમ આ બીજા પત્રમાં પણ હું તમને અમુક વાતો યાદ કરાવવા ચાહું છું, જેથી તમે સ્પષ્ટ રીતે વિચારવાની આવડત કેળવી શકો.+ ૨  તેમ જ, પવિત્ર પ્રબોધકોએ* અગાઉ કહેલી વાતો* અને આપણા માલિક તથા ઉદ્ધાર કરનાર ઈસુએ તમારા પ્રેરિતો દ્વારા આપેલી આજ્ઞાઓ તમે યાદ રાખી શકો. ૩  સૌથી પહેલા એ જાણો કે છેલ્લા દિવસોમાં લોકો સારી વાતોની મશ્કરી કરશે અને મનમાની કરીને ખોટાં કામ કરશે.+ ૪  તેઓ કહેશે: “તેમણે વચન આપ્યું હતું કે તે આવશે, એ વચનનું શું થયું?*+ આપણા બાપદાદાઓ મરણ પામ્યા એ સમયથી કંઈ જ બદલાયું નથી. દુનિયાનું સર્જન થયું ત્યારથી બધું એમનું એમ જ ચાલે છે.”+ ૫  તેઓ જાણીજોઈને આ હકીકત પર ધ્યાન આપતા નથી કે યુગો પહેલાં આકાશો ઉત્પન્‍ન થયાં અને ઈશ્વરની આજ્ઞાથી પૃથ્વી અને પાણી છૂટાં પડ્યાં અને પૃથ્વી પાણીની વચ્ચે સ્થિર થઈ.+ ૬  એના દ્વારા એ સમયની દુનિયા પર પૂરનું પાણી ફરી વળ્યું અને એનો નાશ થયો.+ ૭  ઈશ્વરની એ જ આજ્ઞાથી હાલનાં આકાશો અને પૃથ્વીને અગ્‍નિથી નાશ કરવા રાખી મૂક્યાં છે. ન્યાયના દિવસ સુધી અને અધર્મી માણસોનો નાશ થાય એ દિવસ સુધી તેઓને રાખી મૂકવામાં આવશે.+ ૮  પણ વહાલા ભાઈઓ, આ વાત ભૂલશો નહિ કે યહોવાની* નજરમાં એક દિવસ એક હજાર વર્ષ બરાબર છે અને એક હજાર વર્ષ એક દિવસ બરાબર છે.+ ૯  યહોવા* પોતાનું વચન પૂરું કરવામાં મોડું કરતા નથી,+ પછી ભલેને કેટલાક લોકોને એવું લાગે. પણ તે તમારી સાથે ધીરજથી વર્તે છે, કેમ કે તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.+ ૧૦  યહોવાનો* દિવસ+ ચોરની જેમ આવશે ત્યારે,+ આકાશો ગર્જના* સાથે જતાં રહેશે,+ આકાશોની અને પૃથ્વીની વસ્તુઓ સખત ગરમ થઈને પીગળી જશે તેમજ પૃથ્વી અને એના પર થયેલાં કામો ખુલ્લાં પડશે.+ ૧૧  આ સર્વ વસ્તુઓનો એ રીતે નાશ થવાનો છે, તો વિચારો કે તમારે કેવા પ્રકારના લોકો બનવું જોઈએ. તમારાં વાણી-વર્તન પવિત્ર રાખો અને ઈશ્વરની ભક્તિનાં કામ કરો. ૧૨  યહોવાનો* દિવસ આવે* એની રાહ જુઓ અને એને હંમેશાં મનમાં રાખો.*+ એ દિવસ આવશે ત્યારે, આકાશો અગ્‍નિની જ્વાળાઓથી નાશ પામશે+ અને બધી વસ્તુઓ સખત ગરમીથી પીગળી જશે! ૧૩  પણ ઈશ્વરે આપેલા વચન પ્રમાણે આપણે નવાં આકાશ અને નવી પૃથ્વીની રાહ જોઈએ છીએ,+ જ્યાં ચારે બાજુ સત્ય* હશે.+ ૧૪  તેથી વહાલા ભાઈઓ, તમે આ બધાની રાહ જોઈ રહ્યા છો ત્યારે પૂરો પ્રયત્ન કરો કે તમે ઈશ્વરની નજરમાં નિર્દોષ, કલંક વગરના અને શાંતિમાં રહેનારા લોકો સાબિત થાઓ.+ ૧૫  વધુમાં, આપણા ઈશ્વરની ધીરજને તમે ઉદ્ધાર મેળવવાની તક ગણો. આપણા વહાલા ભાઈ પાઉલે પણ ઈશ્વર પાસેથી મળેલા ડહાપણ પ્રમાણે તમને એ વિશે લખ્યું હતું.+ ૧૬  તેણે એ વિશે પોતાના બધા પત્રોમાં જણાવ્યું છે. પણ એમાંની અમુક વાતો સમજવી અઘરી છે. અજ્ઞાની* અને ઢચુપચુ* લોકો બીજાં શાસ્ત્રવચનોની જેમ એ વાતોનો પણ મારી-મચકોડીને ખોટો અર્થ કાઢે છે. એવું કરીને તેઓ પોતાનો જ નાશ નોતરે છે. ૧૭  એટલે વહાલા ભાઈઓ, તમે આ બધું જાણતા હોવાથી સાવચેત રહો, જેથી દુષ્ટોના જૂઠા શિક્ષણથી છેતરાઈને તમે તેઓની સાથે ખોટા માર્ગે ચઢી ન જાઓ. એના બદલે, તમે સ્થિર ઊભા રહો અને સત્યના માર્ગથી પડી ન જાઓ.+ ૧૮  તમે આપણા માલિક અને તારણહાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં અને અપાર કૃપામાં વધતા જાઓ. હમણાં અને સદાકાળ તેમને મહિમા મળતો રહે. આમેન.*

ફૂટનોટ

અથવા, “ભાખવામાં આવેલી વાતો.”
મૂળ, “તેમની હાજરીના વચનનું શું થયું?”
અથવા, “ધસવાના અવાજ.”
મૂળ, “હાજરીનો દિવસ આવે.”
અથવા, “આતુરતાથી ઝંખના રાખો.”
અથવા, “ન્યાયીપણું.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા, “અણસમજુ.”
અથવા, “શ્રદ્ધામાં નબળા.”