બીજો રાજાઓ ૧:૧-૧૮

  • એલિયા અહાઝ્યાના મરણ વિશે ભાખે છે (૧-૧૮)

 આહાબના મરણ પછી મોઆબે+ ઇઝરાયેલ સામે બળવો કર્યો. ૨  એ સમયે સમરૂનમાં રાજા અહાઝ્યા ધાબા પરના ઓરડામાં લાગેલી જાળીમાંથી પડી ગયો અને ઘવાયો. તેણે માણસોને આમ કહીને મોકલ્યા: “જાઓ, એક્રોનના+ દેવ બઆલ-ઝબૂબને પૂછો કે હું આમાંથી સાજો થઈશ કે કેમ.”+ ૩  હવે યહોવાના* દૂતે તિશ્બેના વતની એલિયાને*+ કહ્યું: “ઊઠ, સમરૂનના રાજાના માણસોને મળવા જા. તેઓને પૂછ કે ‘શું ઇઝરાયેલમાં ઈશ્વર નથી કે તમે એક્રોનના+ દેવ બઆલ-ઝબૂબની સલાહ લેવા જાઓ છો? ૪  યહોવા રાજાને કહે છે: “તું જે પથારીમાં પડ્યો છે, એમાંથી પાછો નહિ ઊઠે. તારું ચોક્કસ મરણ થશે.”’” પછી એલિયા એ માણસોને મળવા ગયો. ૫  એ માણસો રાજા પાસે આવ્યા કે તરત તેણે પૂછ્યું: “તમે કેમ પાછા આવ્યા?” ૬  તેઓએ તેને જવાબ આપ્યો: “એક માણસ અમને મળવા આવ્યો. તેણે અમને કહ્યું, ‘જે રાજાએ તમને મોકલ્યા છે, તેની પાસે પાછા જાઓ અને જણાવો: “યહોવા કહે છે, ‘શું ઇઝરાયેલમાં ઈશ્વર નથી કે તું માણસો મોકલીને એક્રોનના દેવ બઆલ-ઝબૂબની સલાહ માંગે છે? એટલે તું જે પથારીમાં પડ્યો છે, એમાંથી પાછો નહિ ઊઠે. તારું ચોક્કસ મરણ થશે.’”’”+ ૭  તેણે તેઓને પૂછ્યું: “જે માણસ તમને મળવા આવ્યો અને આ બધું કહ્યું, તેનો દેખાવ કેવો હતો?” ૮  તેઓએ કહ્યું: “તેણે જાનવરના વાળનાં કપડાં પહેર્યાં હતાં+ અને કમરે ચામડાનો પટ્ટો બાંધેલો હતો.”+ રાજા તરત બોલી ઊઠ્યો: “એ તો તિશ્બેનો એલિયા છે!” ૯  રાજાએ એલિયાને બોલાવવા ૫૦ સૈનિકોના આગેવાનને તેની ટુકડી સાથે મોકલ્યો. તે ત્યાં પહોંચ્યો ત્યારે એલિયા પહાડની ટોચ પર બેઠો હતો. આગેવાને કહ્યું: “હે ઈશ્વરભક્ત,+ રાજા કહે છે કે ‘નીચે આવ.’” ૧૦  પણ એલિયાએ ૫૦ સૈનિકોના આગેવાનને જવાબ આપ્યો: “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી આગ વરસે.+ તને અને તારા ૫૦ સૈનિકોને બાળીને ભસ્મ કરી નાખે.” એટલે આકાશમાંથી આગ વરસી અને તેને તથા તેના ૫૦ સૈનિકોને બાળીને ભસ્મ કરી નાખ્યા. ૧૧  રાજાએ એલિયાને બોલાવવા બીજા ૫૦ સૈનિકોના આગેવાનને તેની ટુકડી સાથે મોકલ્યો. તેણે જઈને એલિયાને કહ્યું: “હે ઈશ્વરભક્ત, રાજા કહે છે કે ‘જલદી નીચે આવ.’” ૧૨  પણ એલિયાએ તેઓને જવાબ આપ્યો: “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી આગ વરસે. તને અને તારા ૫૦ સૈનિકોને બાળીને ભસ્મ કરી નાખે.” એટલે આકાશમાંથી ઈશ્વરની આગ વરસી અને તેને તથા તેના ૫૦ સૈનિકોને બાળીને ભસ્મ કરી નાખ્યા. ૧૩  રાજાએ ત્રીજી વાર ૫૦ સૈનિકોના આગેવાનને તેની ટુકડી સાથે મોકલ્યો. ત્રીજો આગેવાન એલિયા આગળ જઈને ઘૂંટણિયે પડ્યો અને તેને નમન કર્યું. તેણે રહેમની ભીખ માંગી: “હે ઈશ્વરભક્ત, કૃપા કરો. મારું અને તમારા આ ૫૦ સેવકોનું જીવન તમારી નજરમાં અનમોલ સાબિત થાઓ. ૧૪  આકાશમાંથી આગ વરસીને બે આગેવાનો અને તેઓની ૫૦-૫૦ની ટુકડીઓને બાળીને ભસ્મ કરી ચૂકી છે. હવે મારું જીવન તમારી નજરમાં અનમોલ સાબિત થાઓ.” ૧૫  યહોવાના દૂતે એલિયાને કહ્યું: “તેની સાથે જા. તેનાથી ડરીશ નહિ.” તે ઊઠ્યો અને તેની સાથે નીચે ઊતરીને રાજા પાસે ગયો. ૧૬  એલિયાએ રાજાને કહ્યું, “યહોવા આમ કહે છે: ‘તેં તારા માણસોને એક્રોનના+ દેવ બઆલ-ઝબૂબની સલાહ માંગવા મોકલ્યા. શું ઇઝરાયેલમાં ઈશ્વર નથી?+ તેં તેમની સલાહ કેમ ન માંગી? તેથી, તું જે પથારીમાં પડ્યો છે, એમાંથી પાછો નહિ ઊઠે. તારું ચોક્કસ મરણ થશે.’” ૧૭  એલિયા દ્વારા યહોવા જે બોલ્યા હતા, એ પ્રમાણે રાજાનું મરણ થયું. તેને કોઈ દીકરો ન હોવાથી, તેની જગ્યાએ યહોરામ*+ રાજા બન્યો. એ સમયે યહૂદામાં યહોશાફાટના દીકરા યહોરામના+ શાસનનું બીજું વર્ષ ચાલતું હતું. ૧૮  અહાઝ્યાનો+ બાકીનો ઇતિહાસ અને તેનાં કામો વિશે ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.

ફૂટનોટ

અર્થ, “યહોવા મારા ઈશ્વર છે.”
એટલે કે, અહાઝ્યાનો ભાઈ.