બીજો રાજાઓ ૧૧:૧-૨૧
૧૧ અહાઝ્યાની મા અથાલ્યાને+ ખબર પડી કે તેના દીકરાનું મરણ થયું છે.+ એટલે તેણે જઈને આખા રાજવંશનો સંહાર કરી નાખ્યો.+
૨ પણ રાજકુમારોની કતલ થતી હતી ત્યારે, યહોરામ રાજાની દીકરી યહોશેબાએ અહાઝ્યા રાજાના દીકરાઓમાંથી યહોઆશને+ ચોરીછૂપીથી લઈ લીધો. યહોશેબા અહાઝ્યાની બહેન હતી. તેણે યહોઆશ અને તેની ધાવ માને સૂવાના ઓરડામાં છુપાવી દીધા. તેઓએ તેને અથાલ્યાથી સંતાડી રાખ્યો અને મોતના મોંમાંથી બચાવી લીધો.
૩ યહોઆશ છ વર્ષ ધાવ મા* સાથે રહ્યો. તેને યહોવાના મંદિરમાં સંતાડી રાખવામાં આવ્યો. એ સમયે દેશમાં અથાલ્યા રાણી રાજ કરતી હતી.
૪ સાતમા વર્ષે યહોયાદા યાજકે રાજવી રક્ષકોની* અને મહેલના ચોકીદારોની+ સો સોની ટુકડીના મુખીઓને બોલાવ્યા. યહોયાદાએ તેઓને યહોવાના મંદિરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે તેઓ સાથે યહોવાના મંદિરમાં કરાર* કર્યો અને તેઓને સમ ખવડાવ્યા. પછી તેઓને રાજાનો દીકરો બતાવ્યો.+
૫ તેણે તેઓને હુકમ આપ્યો, “તમારે આમ કરવું: સાબ્બાથના દિવસે તમારી ત્રણ ટુકડીઓમાંથી એક ટુકડી ફરજ પર હશે. એ સમૂહની એક ટુકડી રાજમહેલ પર ચાંપતી નજર રાખશે.+
૬ બીજી ટુકડી પાયાના દરવાજા પાસે હશે. મહેલના ચોકીદારો ઊભા રહે છે, એની પાછળના દરવાજા પાસે ત્રીજી ટુકડી હશે. તમે વારાફરતી મંદિર* પર નજર રાખજો.
૭ સાબ્બાથના દિવસે તમારા બે સમૂહો ફરજ પર નહિ હોય. તેઓ પણ રાજાનું રક્ષણ કરવા યહોવાના મંદિર પર ચાંપતી નજર રાખે.
૮ તમારે હથિયાર લઈને તૈયાર રહેવું અને રાજાને રક્ષણ આપવા તેમની ફરતે ગોઠવાઈ જવું. જે કોઈ તમારી વચ્ચે ઘૂસવાની કોશિશ કરે તે માર્યો જાય. રાજા જ્યાં પણ જાય, તમે તેમની સાથે જ રહેજો.”
૯ યહોયાદા યાજકે જેવી આજ્ઞા કરી હતી, એવું જ સો સોની ટુકડીના મુખીઓએ+ કર્યું. દરેક ઉપરીએ સાબ્બાથના દિવસે જે માણસો ફરજ પર હતા તેઓને ભેગા કર્યા. સાથે સાથે જે માણસો ફરજ પર ન હતા તેઓને પણ ભેગા કર્યા. એ બધાને લઈને દરેક ઉપરી યહોયાદા યાજક પાસે ગયો.+
૧૦ યાજકે સો સોની ટુકડીના મુખીઓને યહોવાના મંદિરમાંથી ભાલાઓ અને ગોળ ઢાલો આપ્યાં. એ બધું રાજા દાઉદનું હતું.
૧૧ રાજમહેલના ચોકીદારો+ હથિયાર લઈને મંદિરમાં પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. તેઓ મંદિરની જમણી બાજુથી લઈને ડાબી બાજુ સુધી, વેદી*+ અને મંદિર પાસે રાજાની ફરતે ગોઠવાઈ ગયા.
૧૨ પછી યહોયાદા યાજક રાજાના દીકરાને+ બહાર લાવ્યો. તેણે તેના માથે મુગટ* પહેરાવ્યો અને તેને નિયમશાસ્ત્ર*+ આપ્યું.* તેઓએ તેને રાજા બનાવ્યો અને તેનો અભિષેક કર્યો. તેઓ તાળીઓના ગડગડાટ સાથે પોકારી ઊઠ્યા: “રાજા જુગ જુગ જીવો!”+
૧૩ અથાલ્યાને લોકોની દોડાદોડનો અવાજ સંભળાયો. તે ઝડપથી યહોવાના મંદિરમાં દોડી આવી, જ્યાં લોકો હતા.+
૧૪ ત્યાં તેણે રાજાને જોયો, જે રિવાજ પ્રમાણે સ્તંભ પાસે ઊભો હતો.+ તેની સાથે ઉપરીઓ અને રણશિંગડાં* વગાડનારાઓ+ હતા. દેશના બધા લોકો ખુશી મનાવતા હતા અને રણશિંગડાં વગાડતા હતા. એ જોઈને અથાલ્યાએ પોતાનાં કપડાં ફાડ્યાં અને બોલી ઊઠી: “આ તો દગો છે!”
૧૫ યહોયાદા યાજકે સો સોની ટુકડીના મુખીઓને,+ જેઓ સૈન્યના આગેવાનો હતા તેઓને હુકમ કર્યો: “તેને તમારી વચ્ચેથી બહાર લઈ જાઓ. જે કોઈ તેની પાછળ જાય, તેને તલવારથી મારી નાખો!” યહોયાદાએ તેઓને કહ્યું હતું કે “તેને યહોવાના મંદિરમાં મારી ન નાખતા.”
૧૬ તેઓ તેને પકડીને બહાર લઈ ગયા. જ્યાંથી ઘોડાઓ રાજમહેલમાં+ આવતા હતા, એ જગ્યાએ તે પહોંચી કે તરત જ તેઓએ તેને ત્યાં મારી નાખી.
૧૭ પછી યહોયાદા યાજકે લોકો અને રાજા પાસે યહોવા સાથે કરાર કરાવ્યો+ કે તેઓ કાયમ યહોવાની પ્રજા બની રહેશે. તેણે રાજા અને લોકો વચ્ચે પણ કરાર કરાવ્યો.+
૧૮ ત્યાર બાદ દેશના બધા લોકો બઆલના મંદિરમાં ઘૂસી ગયા અને એની વેદીઓ તોડી પાડી.+ તેઓએ એની મૂર્તિઓના ભૂકા બોલાવી દીધા.+ તેઓએ બઆલના યાજક+ માત્તાનને વેદીઓ આગળ મારી નાખ્યો.
પછી યહોયાદા યાજકે યહોવાના મંદિરની દેખરેખ રાખવા માણસો ઠરાવ્યા.+
૧૯ રાજાને યહોવાના મંદિરમાંથી લઈ આવવા, તે સો સોની ટુકડીઓના મુખીઓને,+ રાજવી રક્ષકોને* અને મહેલના ચોકીદારોને+ તેમજ દેશના બધા લોકોને લઈ ગયો. તેઓ મહેલના ચોકીદારોના દરવાજા પાસેથી રાજમહેલમાં આવ્યા. પછી યહોઆશ રાજગાદીએ બેઠો.+
૨૦ દેશના બધા લોકો ખુશખુશાલ થઈ ગયા અને શહેરમાં શાંતિ થઈ, કેમ કે તેઓએ રાજમહેલ પાસે અથાલ્યાને તલવારથી મારી નાખી હતી.
૨૧ યહોઆશ+ રાજા બન્યો ત્યારે સાત વર્ષનો હતો.+
ફૂટનોટ
^ અથવા કદાચ, “યહોશેબા.”
^ મૂળ, “કારીઓની.”
^ અથવા કદાચ, “રાજમહેલ.”
^ રાજાના માથા પર નિયમશાસ્ત્ર મૂકવામાં આવ્યું હોય શકે, જે તેને નિયમો પાળવાનું યાદ અપાવતું હતું.
^ અથવા, “સાક્ષીલેખ.” કદાચ ઈશ્વરના નિયમોનો વીંટો.
^ અથવા, “તાજ.”
^ મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.
^ મૂળ, “કારીઓને.”