બીજો રાજાઓ ૧૪:૧-૨૯
૧૪ ઇઝરાયેલમાં યહોઆહાઝના દીકરા યહોઆશ+ રાજાના શાસનનું બીજું વર્ષ ચાલતું હતું. એ સમયે રાજા યહોઆશનો દીકરો અમાઝ્યા યહૂદામાં રાજા બન્યો.
૨ તે રાજા બન્યો ત્યારે ૨૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૨૯ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યહોઆદ્દીન હતું અને તે યરૂશાલેમની હતી.+
૩ યહોવાની નજરમાં જે ખરું હતું એ અમાઝ્યા કરતો રહ્યો, પણ પોતાના પૂર્વજ દાઉદની જેમ નહિ.+ અમાઝ્યાએ બધું પોતાના પિતા યહોઆશની જેમ કર્યું.+
૪ પણ ભક્તિ-સ્થળો કાઢી નાખવામાં આવ્યાં ન હતાં.+ લોકો હજુ પણ ભક્તિ-સ્થળોએ આગમાં બલિદાનો ચઢાવતા હતા.+
૫ અમાઝ્યાના હાથમાં રાજ્ય સ્થિર થયું કે તરત તેણે પોતાના પિતાની, એટલે કે રાજાની કતલ કરનારા તેના ચાકરોને મારી નાખ્યા.+
૬ પણ તેણે એ હત્યારાઓના દીકરાઓને મારી નાખ્યા નહિ, કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં* યહોવાએ આ આજ્ઞા આપી હતી: “દીકરાઓનાં પાપ માટે પિતાઓને મારી ન નાખો અને પિતાઓનાં પાપ માટે દીકરાઓને મારી ન નાખો. જે માણસ પાપ કરે, તે જ માર્યો જાય.”+
૭ અમાઝ્યાએ અદોમીઓ+ સામે લડાઈ કરી. તેણે મીઠાની ખીણમાં+ તેઓના ૧૦,૦૦૦ માણસો મારી નાખ્યા અને સેલા જીતી લીધું.+ એ શહેર આજ સુધી યોક્તએલ નામે ઓળખાય છે.
૮ પછી અમાઝ્યાએ ઇઝરાયેલના રાજા યહોઆશને સંદેશો મોકલ્યો, જે યહોઆહાઝનો દીકરો અને યેહૂનો પૌત્ર હતો. અમાઝ્યાએ કહ્યું: “આવી જા યુદ્ધના મેદાનમાં!”+
૯ ઇઝરાયેલના રાજા યહોઆશે યહૂદાના રાજા અમાઝ્યાને જવાબ આપ્યો: “લબાનોનના ઝાંખરાએ લબાનોનના દેવદારને સંદેશો મોકલ્યો: ‘મારા દીકરા સાથે તારી દીકરી પરણાવ.’ પણ લબાનોનનું એક જંગલી જાનવર ત્યાંથી પસાર થયું અને ઝાંખરાને કચડી નાખ્યું.
૧૦ એ વાત સાચી છે કે તેં અદોમને હરાવી દીધું છે.+ એટલે તું ફુલાઈ ગયો છે. જીતનો જલસો માણ, પણ છાનોમાનો તારા ઘરમાં* બેસી રહે. શા માટે તું આફત વહોરી લે છે અને તારી સાથે યહૂદાનો પણ વિનાશ નોતરે છે?”
૧૧ પણ અમાઝ્યા માન્યો નહિ.+
એટલે ઇઝરાયેલનો રાજા યહોઆશ લડવા નીકળી પડ્યો. તે અને યહૂદાનો રાજા અમાઝ્યા યહૂદાના+ બેથ-શેમેશમાં+ સામસામે યુદ્ધે ચઢ્યા.
૧૨ ઇઝરાયેલીઓએ યહૂદાના લોકોને હરાવ્યા અને એના સૈનિકો પોતપોતાનાં ઘરે* નાસી છૂટ્યા.
૧૩ ઇઝરાયેલના રાજા યહોઆશે યહૂદાના રાજા અમાઝ્યાને બેથ-શેમેશમાં પકડ્યો. અમાઝ્યા યહોઆશનો દીકરો અને અહાઝ્યાનો પૌત્ર હતો. પછી તેઓ યરૂશાલેમ આવ્યા. યહોઆશે યરૂશાલેમની દીવાલનો અમુક ભાગ તોડી પાડ્યો. એ ભાગ એફ્રાઈમના દરવાજાથી+ ખૂણાના દરવાજા સુધી+ ૪૦૦ હાથ* હતો.
૧૪ યહોઆશે યહોવાના મંદિરમાંથી સોના-ચાંદી અને બધાં વાસણો લઈ લીધાં. તે રાજમહેલના ભંડારો પણ લૂંટી ગયો. પછી તે કેદીઓને લઈને સમરૂન ચાલ્યો ગયો.
૧૫ યહોઆશનો બાકીનો ઇતિહાસ ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. તેણે જે કંઈ કર્યું, તેનાં પરાક્રમી કામો અને યહૂદાના રાજા અમાઝ્યા સામે તેણે કરેલી લડાઈ વિશે એમાં જણાવ્યું છે.
૧૬ યહોઆશ ગુજરી ગયો. ઇઝરાયેલના રાજાઓની જેમ તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો.+ તેનો દીકરો યરોબઆમ*+ તેની જગ્યાએ રાજા બન્યો.
૧૭ ઇઝરાયેલના રાજા યહોઆહાઝના દીકરા+ યહોઆશના+ મરણ પછી, યહૂદાનો રાજા યહોઆશનો દીકરો અમાઝ્યા+ ૧૫ વર્ષ જીવ્યો.
૧૮ અમાઝ્યાનો બાકીનો ઇતિહાસ યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે.
૧૯ યરૂશાલેમમાં અમાઝ્યા વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું.+ એટલે તે લાખીશ શહેર ભાગી ગયો. તેઓએ ત્યાં પણ તેની પાછળ માણસો મોકલ્યા અને તેને મારી નાખ્યો.
૨૦ તેઓ તેને ઘોડા પર નાખીને યરૂશાલેમ લઈ આવ્યા અને તેને તેના બાપદાદાઓની જેમ દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો.+
૨૧ પછી યહૂદાના બધા લોકોએ ૧૬ વર્ષના+ અઝાર્યાને*+ તેના પિતા અમાઝ્યાની જગ્યાએ રાજા બનાવ્યો.+
૨૨ તેણે રાજા અમાઝ્યાના મરણ પછી+ યહૂદા માટે એલાથ ફરી જીતી લીધું અને એ શહેર ફરીથી બાંધ્યું.+
૨૩ યહૂદામાં યહોઆશના દીકરા અમાઝ્યા રાજાના શાસનનું ૧૫મું વર્ષ ચાલતું હતું. એ સમયે યહોઆશ રાજાનો દીકરો યરોબઆમ+ ઇઝરાયેલમાં રાજા બન્યો. તેણે સમરૂનમાંથી ૪૧ વર્ષ રાજ કર્યું.
૨૪ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ યરોબઆમ કરતો રહ્યો. નબાટના દીકરા યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે જે પાપ કરાવ્યાં હતાં,+ એ તેણે છોડ્યાં નહિ.
૨૫ યરોબઆમે લીબો-હમાથથી*+ અરાબાહ સમુદ્ર*+ સુધીની ઇઝરાયેલની સરહદ પાછી કબજે કરી લીધી. ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ પોતાના સેવક યૂના+ દ્વારા જે કહ્યું હતું એવું જ થયું. યૂના પ્રબોધક તો અમિત્તાયનો દીકરો અને ગાથ-હેફેરનો વતની હતો.+
૨૬ યહોવાએ જોયું હતું કે ઇઝરાયેલે કેટલો બધો જુલમ સહેવો પડે છે.+ ઇઝરાયેલને મદદ કરનાર કોઈ બાકી રહ્યું ન હતું. અરે, કોઈ લાચાર કે કમજોર પણ બચી ગયો ન હતો!
૨૭ યહોવાએ વચન આપ્યું હતું કે પોતે પૃથ્વી પરથી ઇઝરાયેલનું નામ ભૂંસાઈ જવા નહિ દે.+ એટલે યહોઆશના દીકરા યરોબઆમ દ્વારા તેમણે તેઓને બચાવી લીધા.+
૨૮ યરોબઆમનો બાકીનો ઇતિહાસ ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. તેણે જે કંઈ કર્યું, તેનાં પરાક્રમી કામો અને તેની લડાઈઓ વિશે એમાં જણાવ્યું છે. એમાં એ પણ જણાવ્યું છે કે તેણે દમસ્ક+ અને હમાથ+ કેવી રીતે યહૂદા તથા ઇઝરાયેલ માટે પાછાં મેળવ્યાં.
૨૯ યરોબઆમ ગુજરી ગયો. તેને ઇઝરાયેલના રાજાઓની જેમ દફનાવવામાં આવ્યો. તેનો દીકરો ઝખાર્યા+ તેની જગ્યાએ રાજા બન્યો.
ફૂટનોટ
^ અથવા, “મહેલમાં.”
^ મૂળ, “તંબુએ.”
^ આશરે ૧૭૮ મી. (૫૮૪ ફૂટ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ એટલે કે, યરોબઆમ બીજો.
^ અર્થ, “યહોવાએ મદદ કરી છે.” ૨રા ૧૫:૧૩; ૨કા ૨૬:૧-૨૩; યશા ૬:૧ અને ઝખા ૧૪:૫માં તેને ઉઝ્ઝિયા કહેવામાં આવ્યો છે.
^ અથવા, “હમાથના પ્રવેશદ્વારથી.”
^ એટલે કે, ખારો સમુદ્ર અથવા મૃત સરોવર.