બીજો રાજાઓ ૧૮:૧-૩૭

  • યહૂદાનો રાજા હિઝકિયા (૧-૮)

  • ઇઝરાયેલના અંત પર એક નજર (૯-૧૨)

  • સાન્હેરીબ યહૂદા પર ચઢી આવે છે (૧૩-૧૮)

  • રાબશાકેહ યહોવાને મહેણાં મારે છે (૧૯-૩૭)

૧૮  ઇઝરાયેલમાં એલાહના દીકરા હોશીઆ+ રાજાના શાસનનું ત્રીજું વર્ષ ચાલતું હતું. એ સમયે રાજા આહાઝનો+ દીકરો હિઝકિયા+ યહૂદામાં રાજા બન્યો. ૨  તે રાજા બન્યો ત્યારે ૨૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૨૯ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અબિયા* હતું અને તે ઝખાર્યાની દીકરી હતી.+ ૩  હિઝકિયા પોતાના પૂર્વજ દાઉદની જેમ યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કરતો રહ્યો.+ ૪  હિઝકિયા એવો રાજા હતો, જેણે ભક્તિ-સ્થળો કાઢી નાખ્યાં,+ ભક્તિ-સ્તંભો તોડી પાડ્યા અને ભક્તિ-થાંભલો કાપી નાખ્યો.+ અરે, મૂસાએ બનાવેલા તાંબાના સાપનો પણ ભાંગીને ભૂકો કરી નાખ્યો,+ જે તાંબાના સાપની મૂર્તિ* કહેવાતો. ઇઝરાયેલના લોકો એ સમય સુધી એની આગળ આગમાં બલિદાનો ચઢાવતા હતા. ૫  હિઝકિયાએ ઇઝરાયેલના ઈશ્વર યહોવામાં પૂરો ભરોસો રાખ્યો.+ તેના પહેલાં કે પછી યહૂદામાં તેના જેવો બીજો કોઈ રાજા થયો ન હતો. ૬  તે યહોવાને વળગી રહ્યો.+ તે તેમના માર્ગમાંથી આમતેમ ફંટાઈ ગયો નહિ. યહોવાએ મૂસાને આપેલી આજ્ઞાઓ તે પાળતો રહ્યો. ૭  યહોવા હિઝકિયાની સાથે હતા. તે બધાં કામોમાં સમજદારીથી વર્ત્યો. તેણે આશ્શૂરના રાજા સામે બળવો કર્યો અને તેના હાથ નીચે રહેવાની ના પાડી.+ ૮  તેણે ગાઝા અને એના વિસ્તારોના, ચોકી કરવાના બુરજથી તે કોટવાળા શહેર સુધીના બધા પલિસ્તીઓને હરાવી દીધા.*+ ૯  યહૂદામાં હિઝકિયા રાજાના શાસનનું ચોથું વર્ષ ચાલતું હતું. ઇઝરાયેલમાં એલાહના દીકરા હોશીઆ+ રાજાના શાસનનું સાતમું વર્ષ ચાલતું હતું. એ સમયે આશ્શૂરના રાજા શાલ્માનેસેરે સમરૂન પર ચઢાઈ કરી અને ઘેરો નાખવાનું શરૂ કર્યું.+ ૧૦  તેઓએ ત્રણ વર્ષના અંતે સમરૂન જીતી લીધું.+ હિઝકિયા રાજાના શાસનના છઠ્ઠા વર્ષે અને ઇઝરાયેલના રાજા હોશીઆના શાસનના નવમા વર્ષે એવું બન્યું. ૧૧  આશ્શૂરનો રાજા ઇઝરાયેલના લોકોને ગુલામ બનાવીને આશ્શૂર લઈ ગયો.+ તેણે તેઓને હલાહમાં, ગોઝાન નદી પાસેના હાબોરમાં અને માદીઓનાં શહેરોમાં વસાવ્યા.+ ૧૨  આવું થવાનું કારણ એ છે કે તેઓએ પોતાના ઈશ્વર યહોવાનું સાંભળ્યું નહિ. તેઓએ તેમનો કરાર તોડ્યો અને યહોવાના સેવક મૂસાએ આપેલી આજ્ઞાઓનો ભંગ કર્યો.+ તેઓએ ન તો તેમનું સાંભળ્યું, ન તો કહેવું માન્યું. ૧૩  હિઝકિયા રાજાના શાસનનું ૧૪મું વર્ષ ચાલતું હતું. એ સમયે આશ્શૂરનો+ રાજા સાન્હેરીબ યહૂદાનાં બધાં કોટવાળાં શહેરો સામે ચઢી આવ્યો અને એ જીતી લીધાં.+ ૧૪  યહૂદાના રાજા હિઝકિયાએ લાખીશમાં આશ્શૂરના રાજાને સંદેશો મોકલ્યો: “મારી ભૂલ થઈ ગઈ. તમે અહીંથી પાછા ફરો. તમે જે દંડ કરશો એ હું ભરી આપવા તૈયાર છું.” આશ્શૂરના રાજાએ યહૂદાના રાજા હિઝકિયાને ૩૦૦ તાલંત* ચાંદી અને ૩૦ તાલંત સોનાનો દંડ કર્યો. ૧૫  એટલે હિઝકિયાએ યહોવાના મંદિરમાંથી અને રાજમહેલના ભંડારોમાંથી બધી ચાંદી ભેગી કરી અને તેને આપી.+ ૧૬  એ સમયે હિઝકિયાએ યહોવાના મંદિરના દરવાજા+ અને બારસાખો કાઢી નાખ્યાં,* જે તેણે પોતે સોનાથી મઢ્યાં હતાં.+ તેણે એ બધું આશ્શૂરના રાજાને મોકલી આપ્યું. ૧૭  આશ્શૂરના રાજાએ તાર્તાન,* રાબસારીસ* અને રાબશાકેહને* લાખીશથી+ યરૂશાલેમ હિઝકિયા રાજા પાસે મોકલ્યા.+ તેઓની સાથે મોટું લશ્કર પણ મોકલ્યું. તેઓ યરૂશાલેમ આવ્યા અને તેઓએ ધોબીઘાટના માર્ગે આવેલા ઉપલા તળાવની નહેર પાસે પડાવ નાખ્યો.+ ૧૮  તેઓએ રાજાને બહાર બોલાવ્યો. એટલે તેઓને મળવા આ લોકો બહાર આવ્યા: હિલ્કિયાનો દીકરો એલ્યાકીમ+ જે મહેલનો કારભારી હતો, મંત્રી શેબ્ના+ અને આસાફનો દીકરો યોઆહ, જે ઇતિહાસકાર હતો. ૧૯  રાબશાકેહે તેઓને કહ્યું: “હિઝકિયાને જણાવો કે ‘આશ્શૂરના રાજાધિરાજ પૂછે છે, “તું કોના પર ભરોસો રાખીને બેઠો છે?+ ૨૦  તું કહે છે કે ‘મારી પાસે લડવાની તરકીબો છે અને બહુ તાકાત છે.’ પણ એ બધી ખોખલી વાતો છે. તેં કોના પર ભરોસો રાખીને મારી સામે બળવો પોકારવાની હિંમત કરી?+ ૨૧  શું તું ઇજિપ્ત પર ભરોસો રાખે છે?+ એ તો છૂંદાઈ ગયેલું બરુ છે. જો કોઈ બરુનો* આધાર લે, તો એ તૂટી પડે છે અને હથેળીમાં ઘોંચાઈ જાય છે. ઇજિપ્તનો રાજા ફારુન* એવો જ છે. જે કોઈ તેના પર ભરોસો રાખે છે, તેના તે એવા જ હાલ કરે છે. ૨૨  હવે એમ ન કહેતો કે ‘અમારા ઈશ્વર યહોવા પર અમે ભરોસો રાખીએ છીએ.’+ શું હિઝકિયાએ જ તેમનાં ભક્તિ-સ્થળો અને તેમની વેદીઓ કાઢી નાખ્યાં નથી?+ હિઝકિયા યહૂદાના અને યરૂશાલેમના લોકોને કહે છે, ‘તમારે યરૂશાલેમમાં આ વેદી આગળ જ નમન કરવું.’”’+ ૨૩  હવે ચાલ, મારા માલિક આશ્શૂરના રાજા સાથે સોદો કર: હું તને ૨,૦૦૦ ઘોડા લાવી આપું, પણ તારે એટલા ઘોડેસવારો લાવવા પડશે.+ ૨૪  જો તું આવું નથી કરી શકતો, તો અમારા સૈન્ય સામે કેવી રીતે લડી શકીશ? ભલે તું ઇજિપ્તના બધા રથો અને ઘોડેસવારો લઈ આવે, તોપણ મારા માલિકના સેવકોમાંના સૌથી મામૂલી અધિકારીને પણ તું હરાવી નહિ શકે. ૨૫  શું યહોવાની મંજૂરી વગર હું આ જગ્યાનો વિનાશ કરવા આવ્યો છું? યહોવાએ પોતે મને કહ્યું છે કે, ‘જા, આ દેશ પર ચઢાઈ કર અને એનો નાશ કર.’” ૨૬  એ સાંભળીને હિલ્કિયાના દીકરા એલ્યાકીમે, શેબ્નાએ+ અને યોઆહે રાબશાકેહને+ કહ્યું: “કૃપા કરીને તમારા સેવકો સાથે અરામિક* ભાષામાં વાત કરો.+ અમે એ ભાષા સમજી શકીએ છીએ. કોટ પરના લોકો સાંભળે એ રીતે અમારી સાથે યહૂદીઓની ભાષામાં ન બોલો.”+ ૨૭  રાબશાકેહે તેઓને કહ્યું: “શું મારા માલિકે ફક્ત તમારી સાથે અને તમારા રાજા સાથે વાત કરવા મને મોકલ્યો છે? શું કોટ પર બેઠેલા પેલા માણસો સાથે પણ વાત કરવા મોકલ્યો નથી? તમારી સાથે સાથે તેઓએ પણ પોતાનું મળ ખાવું પડશે અને મૂત્ર પીવું પડશે.” ૨૮  રાબશાકેહ મોટા અવાજે યહૂદીઓની ભાષામાં કહેવા લાગ્યો: “આશ્શૂરના રાજાધિરાજની વાત સાંભળો.+ ૨૯  રાજા કહે છે, ‘હિઝકિયાની વાતમાં આવીને ભરમાઈ ન જતા. તે તમને મારા પંજામાંથી છોડાવી શકે એમ નથી.+ ૩૦  હિઝકિયાની વાત માનીને યહોવામાં ભરોસો ન મૂકતા કે “યહોવા ચોક્કસ આપણને બચાવશે. તે આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાં જવા દેશે નહિ.”+ ૩૧  હિઝકિયાનું સાંભળશો નહિ, કેમ કે આશ્શૂરના રાજાનું કહેવું છે: “મારી સાથે સુલેહ કરો અને મારે શરણે થાઓ. એમ કરશો તો તમે તમારા પોતાના દ્રાક્ષાવેલા અને પોતાની અંજીરીનું ફળ ખાશો. તમે પોતાના કૂવાનું પાણી પીશો. ૩૨  પછી હું આવીને તમને એ દેશમાં લઈ જઈશ, જે તમારા દેશ જેવો છે.+ એ દેશમાં અનાજ, નવો દ્રાક્ષદારૂ, રોટલી, દ્રાક્ષાવાડીઓ, જૈતૂનનાં વૃક્ષો અને મધ છે. ત્યાં તમે માર્યા જશો નહિ ને જીવતા રહેશો. હિઝકિયાનું સાંભળશો નહિ, કેમ કે તે તમને આમ કહીને ભરમાવે છે: ‘યહોવા આપણને બચાવશે.’ ૩૩  શું કોઈ પણ પ્રજાઓના દેવો પોતાના દેશને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવી શક્યા છે? ૩૪  હમાથ+ અને આર્પાદના દેવો ક્યાં ગયા? સફાર્વાઈમ,+ હેના અને ઇવ્વાહના દેવો ક્યાં ગયા? શું તેઓ સમરૂનને મારા હાથમાંથી બચાવી શક્યા છે?+ ૩૫  બધા દેવોમાં એવો કોણ છે, જેણે પોતાના દેશને મારા હાથમાંથી બચાવ્યો છે? તો પછી યહોવા કઈ રીતે મારા હાથમાંથી યરૂશાલેમને બચાવશે?”’”+ ૩૬  પણ લોકો ચૂપ રહ્યા અને એકેય શબ્દ બોલ્યા નહિ. હિઝકિયા રાજાનો હુકમ હતો કે “તમારે તેને કોઈ જવાબ આપવો નહિ.”+ ૩૭  પછી હિલ્કિયાનો દીકરો એલ્યાકીમ, એટલે કે મહેલનો કારભારી, મંત્રી શેબ્ના અને આસાફનો દીકરો ઇતિહાસકાર યોઆહ પોતાનાં કપડાં ફાડીને હિઝકિયા પાસે ગયા. તેઓએ તેને રાબશાકેહની બધી વાતો જણાવી.

ફૂટનોટ

મૂળ, “અબિ.” અબિયાનું ટૂંકું રૂપ છે.
અથવા, “નહુશ્તાન.”
એટલે કે, દરેક જગ્યાએ, ભલે ત્યાં વધારે વસ્તી હોય કે ઓછી.
એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
મૂળ, “કાપી નાખ્યાં.”
અથવા, “દ્રાક્ષદારૂ પીરસનારને.”
અથવા, “દરબારીઓનો ઉપરી.”
અથવા, “સેનાપતિ.”
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
અથવા, “સિરિયાની.”