બીજો રાજાઓ ૨:૧-૨૫

  • વંટોળિયામાં એલિયાને આકાશમાં લઈ લેવાયો (૧-૧૮)

    • એલિયાનો ઝભ્ભો એલિશાને મળે છે (૧૩, ૧૪)

  • એલિશા યરીખોના પાણીને શુદ્ધ કરે છે (૧૯-૨૨)

  • બેથેલના છોકરાઓને રીંછડીઓએ ફાડી નાખ્યા (૨૩-૨૫)

 હવે એ સમય આવી ગયો હતો જ્યારે યહોવા વંટોળિયામાં+ એલિયાને+ આકાશમાં લઈ લેવાના હતા. એલિયા અને એલિશા+ ગિલ્ગાલથી+ નીકળી પડ્યા. ૨  એલિયાએ એલિશાને કહ્યું: “કૃપા કરીને તું અહીં રહે, કારણ કે યહોવા મને બેથેલ મોકલે છે.” પણ એલિશા બોલ્યો: “યહોવાના સમ* અને તમારા સમ, હું તમારો સાથ નહિ છોડું.” એટલે તેઓ બંને બેથેલ ગયા.+ ૩  બેથેલમાંના પ્રબોધકોના દીકરાઓ* એલિશા પાસે આવ્યા અને કહેવા લાગ્યા: “શું તને ખબર છે કે આજે યહોવા તારા ગુરુને લઈ લેવાના છે અને તું તેમની છત્રછાયા ગુમાવી દેવાનો છે?”+ એલિશાએ કહ્યું: “શાંતિ રાખો, મને ખબર છે.” ૪  એલિયાએ એલિશાને કહ્યું: “એલિશા, કૃપા કરીને તું અહીં રહે, કારણ કે યહોવા મને યરીખો મોકલે છે.”+ પણ તે બોલ્યો: “યહોવાના સમ* અને તમારા સમ, હું તમારો સાથ નહિ છોડું.” એટલે તેઓ યરીખો આવ્યા. ૫  યરીખોમાંના પ્રબોધકોના* દીકરાઓ એલિશા પાસે આવ્યા અને કહેવા લાગ્યા: “શું તને ખબર છે કે આજે યહોવા તારા ગુરુને લઈ લેવાના છે અને તું તેમની છત્રછાયા ગુમાવી દેવાનો છે?” એલિશાએ કહ્યું: “શાંતિ રાખો, મને ખબર છે.” ૬  એલિયાએ એલિશાને કહ્યું: “કૃપા કરીને તું અહીં રહે, કારણ કે યહોવા મને યર્દન મોકલે છે.” પણ તે બોલ્યો: “યહોવાના સમ* અને તમારા સમ, હું તમારો સાથ નહિ છોડું.” એટલે તેઓ બંને આગળ ચાલ્યા. ૭  પ્રબોધકોના ૫૦ દીકરાઓ પણ તેઓની પાછળ ગયા અને દૂર ઊભા ઊભા જોવા લાગ્યા. એલિયા અને એલિશા હવે યર્દનને કિનારે પહોંચી ગયા હતા. ૮  એલિયાએ પોતાનો ઝભ્ભો ઉતાર્યો+ ને એનો વીંટો વાળીને પાણી પર ઘા કર્યો. પાણી જમણે અને ડાબે એમ બે ભાગમાં વહેંચાઈ ગયું. વચ્ચેની કોરી ભૂમિ પર ચાલીને તેઓ બંને નદી ઓળંગી ગયા.+ ૯  નદીની પેલે પાર ગયા કે તરત એલિયાએ એલિશાને પૂછ્યું: “મને તારી પાસેથી લઈ લેવામાં આવે એ પહેલાં, બોલ હું તારા માટે શું કરું?” એલિશાએ કહ્યું: “શું મને તમારી શક્તિનો બમણો ભાગ મળી શકે?”+ ૧૦  એલિયાએ જવાબ આપ્યો: “તેં ભારે માંગણી કરી છે. જો તું મને તારી પાસેથી લઈ લેવાતો જુએ, તો એ માંગણી પૂરી થશે. પણ જો તું નહિ જુએ તો એ માંગણી પૂરી નહિ થાય.” ૧૧  તેઓ ચાલતાં ચાલતાં વાતો કરતા હતા. અચાનક અગ્‍નિરથ અને અગ્‍નિઘોડાઓએ+ તેઓ બંનેને જુદા પાડી દીધા. વંટોળિયાએ એલિયાને આકાશમાં ઉઠાવી લીધો.+ ૧૨  એ જોતાં જોતાં એલિશાએ બૂમ પાડી: “ઓ મારા પિતા, ઓ મારા પિતા! ઇઝરાયેલનો રથ અને એના ઘોડેસવારો!”+ એલિયા તેની નજરથી ગાયબ થઈ ગયો ત્યારે, એલિશાએ પોતાનો ઝભ્ભો ફાડીને બે ભાગ કરી નાખ્યા.+ ૧૩  એલિયા પાસેથી નીચે પડી ગયેલો ઝભ્ભો એલિશાએ ઉપાડી લીધો.+ પછી તે યર્દન નદીને કિનારે જઈને ઊભો રહ્યો. ૧૪  એલિયા પાસેથી નીચે પડી ગયેલા ઝભ્ભાથી એલિશાએ પાણી પર ઘા કર્યો. તેણે કહ્યું: “એલિયાના ઈશ્વર યહોવા ક્યાં છે?” તેણે પાણી પર ઘા કર્યો ત્યારે, પાણી જમણે અને ડાબે એમ બે ભાગમાં વહેંચાઈ ગયું. એલિશા નદી ઓળંગીને સામે પાર ગયો.+ ૧૫  યરીખોમાં પ્રબોધકોના દીકરાઓએ દૂરથી એલિશાને જોયો. તેઓએ કહ્યું: “એલિયાની શક્તિ એલિશા પર ઊતરી આવી છે.”+ તેઓ તેને મળવા સામે ગયા અને તેની આગળ ઘૂંટણિયે પડીને ભૂમિ સુધી નમન કર્યું. ૧૬  તેઓએ એલિશાને કહ્યું: “તમારા સેવકોમાંથી ૫૦ શક્તિશાળી માણસો અહીં છે. કૃપા કરીને તેઓને તમારા ગુરુજીની શોધ કરવા જવા દો. યહોવાની શક્તિએ* કદાચ તેમને ઉઠાવીને કોઈ પર્વત પર કે ખીણમાં મૂકી દીધા હોય.”+ પણ તેણે કહ્યું: “તેઓને મોકલવાની જરૂર નથી.” ૧૭  જોકે તેઓએ તેને એટલી વિનંતી કરી કે એલિશા કંટાળી ગયો. તેણે કહ્યું: “સારું, મોકલો.” તેઓએ ૫૦ માણસો મોકલ્યા. ત્રણ દિવસ સુધી તેઓ એલિયાને શોધતા રહ્યા, પણ તે મળ્યો નહિ. ૧૮  તેઓ પાછા આવ્યા અને યરીખોમાં રોકાયેલા એલિશા પાસે ગયા.+ તેણે તેઓને કહ્યું: “મેં તમને જવાની ના પાડી હતી ને!” ૧૯  અમુક સમય પછી શહેરના માણસો એલિશા પાસે આવ્યા અને કહ્યું: “ગુરુજી, તમે જુઓ છો કે શહેર સુંદર જગ્યાએ છે,+ પણ અહીંનું પાણી સારું નથી અને ભૂમિ ઉજ્જડ છે.”* ૨૦  એલિશાએ કહ્યું: “મારી પાસે એક નાનો નવો કટોરો લાવો અને એમાં મીઠું નાખો.” તેઓ તેની પાસે એ લાવ્યા. ૨૧  પછી તે પાણીના ઝરા પાસે ગયો અને એમાં મીઠું નાખ્યું.+ તેણે કહ્યું: “યહોવા કહે છે, ‘મેં આ પાણી શુદ્ધ કર્યું છે. હવેથી ન કોઈ મરશે, ન કોઈ વાંઝણી થશે.’”* ૨૨  એલિશાના કહેવા પ્રમાણે આજ સુધી એ પાણી શુદ્ધ છે. ૨૩  ત્યાંથી એલિશા બેથેલ ગયો. તે જતો હતો ત્યારે, શહેરમાંથી અમુક છોકરાઓ બહાર નીકળી આવ્યા. તેઓ તેની મશ્કરી કરવા લાગ્યા+ અને કહેવા લાગ્યા: “ઓ ટાલિયા, ઉપર જા! ઓ ટાલિયા, ઉપર જા!” ૨૪  આખરે તેણે ફરીને તેઓ તરફ જોયું અને યહોવાના નામે શ્રાપ આપ્યો. જંગલમાંથી બે રીંછડીઓ+ નીકળી આવી અને તેઓમાંથી ૪૨ છોકરાઓને ફાડી નાખ્યા.+ ૨૫  તે ત્યાંથી ચાલતો ચાલતો કાર્મેલ પર્વત પર ગયો.+ ત્યાંથી તે સમરૂન પાછો ફર્યો.

ફૂટનોટ

મૂળ, “યહોવાના જીવના સમ.”
“પ્રબોધકોના દીકરાઓ” કદાચ પ્રબોધકોના શિક્ષણ માટેની શાળાને કે પ્રબોધકોના સંગઠનને બતાવે છે.
મૂળ, “યહોવાના જીવના સમ.”
મૂળ, “યહોવાના જીવના સમ.”
અથવા, “પવને.”
અથવા કદાચ, “અને એનાથી કસુવાવડ થાય છે.”
અથવા કદાચ, “ન કસુવાવડ થશે.”