બીજો રાજાઓ ૨૩:૧-૩૭

  • યોશિયાએ દેશમાં સુધારા કર્યા (૧-૨૦)

  • પાસ્ખા ઊજવવામાં આવ્યું (૨૧-૨૩)

  • તેણે દેશમાં હજુ વધારે સુધારા કર્યા (૨૪-૨૭)

  • યોશિયાનું મરણ (૨૮-૩૦)

  • યહૂદાનો રાજા યહોઆહાઝ (૩૧-૩૩)

  • યહૂદાનો રાજા યહોયાકીમ (૩૪-૩૭)

૨૩  એટલે યોશિયા રાજાએ સંદેશો મોકલીને યહૂદા અને યરૂશાલેમના બધા વડીલોને બોલાવ્યા.+ ૨  યોશિયા રાજા પોતાની સાથે યહૂદાના બધા લોકો, યરૂશાલેમના બધા રહેવાસીઓ, યાજકો અને પ્રબોધકો, નાના-મોટા બધાને લઈને યહોવાના મંદિરમાં ગયો. યહોવાના મંદિરમાંથી+ મળેલા કરારના+ પુસ્તકમાંથી તેણે લોકોને બધું વાંચી સંભળાવ્યું.+ ૩  પછી રાજા સ્તંભ પાસે ઊભો રહ્યો. તેણે યહોવા આગળ કરાર* કર્યો+ કે કરારના પુસ્તકમાં લખ્યા પ્રમાણે પોતે કરશે અને યહોવાના માર્ગમાં ચાલશે. તેમની આજ્ઞાઓ, તેમનાં સૂચનો અને કાયદા-કાનૂન પૂરા દિલથી અને પૂરા જીવથી પાળશે. બધા લોકો એ કરાર સાથે સહમત થયા.+ ૪  રાજાએ પ્રમુખ યાજક હિલ્કિયાને,+ બીજા યાજકોને અને દરવાનોને હુકમ કર્યો: યહોવાના મંદિરમાંથી એ બધી વસ્તુઓ બહાર કાઢી લાવો, જે બઆલની અને ભક્તિ-થાંભલાની+ પૂજા કરવા તેમજ આકાશમાં જે કંઈ છે એ બધાની* પૂજા કરવા વપરાય છે. તેણે એ બધી વસ્તુઓ યરૂશાલેમ બહાર કિદ્રોનના ઢોળાવો પર બાળી નાખી અને એની રાખ બેથેલ લઈ ગયો.+ ૫  યોશિયાએ બીજા દેવોની પૂજા કરતા યાજકોને કાઢી મૂક્યા, જેઓને યહૂદાના રાજાઓએ રાખ્યા હતા. એ યાજકો યહૂદા અને યરૂશાલેમની આસપાસનાં શહેરોમાં ભક્તિ-સ્થળોએ આગમાં બલિદાનો ચઢાવતા હતા. તેણે એવા લોકોને પણ કાઢી મૂક્યા, જેઓ બઆલને, સૂર્ય-ચંદ્રને, રાશિનાં નક્ષત્રોને અને આકાશમાં જે કંઈ છે એ બધાને આગમાં બલિદાનો ચઢાવતા હતા.+ ૬  તે યહોવાના મંદિરમાંથી ભક્તિ-થાંભલો+ બહાર કાઢી લાવ્યો. તે એને યરૂશાલેમની બહાર આવેલી કિદ્રોન ખીણ પાસે લઈ ગયો અને એમાં બાળી નાખ્યો.+ તેણે એનો ભૂકો કર્યો અને મામૂલી લોકોની કબરો પર નાખ્યો.+ ૭  યહોવાના મંદિરમાં એવા પુરુષોનાં ઘરો હતાં, જેઓને બીજા પુરુષો સાથે જાતીય સંબંધ બાંધવા રાખ્યા હતા.+ એ ઘરો રાજાએ તોડી પાડ્યાં. અગાઉ એમાં સ્ત્રીઓ ભક્તિ-થાંભલા માટે તંબુઓ બનાવતી હતી. ૮  પછી રાજા બધા યાજકોને યહૂદાનાં શહેરોમાંથી બહાર લઈ આવ્યો. તેણે ગેબાથી+ બેર-શેબા+ સુધીનાં બધાં ભક્તિ-સ્થળો અશુદ્ધ કર્યાં,* જ્યાં યાજકો આગમાં બલિદાનો ચઢાવતા હતા. તેણે એ ભક્તિ-સ્થળો પણ તોડી પાડ્યાં, જે શહેરના મુખી યહોશુઆના દરવાજા પાસે હતાં. શહેરના દરવાજાથી અંદર આવતા ડાબી તરફ એ ભક્તિ-સ્થળો હતાં. ૯  ભક્તિ-સ્થળોના યાજકો યરૂશાલેમમાં યહોવાની વેદીએ સેવા આપતા ન હતા.+ પણ તેઓ બીજા યાજકો* સાથે ખમીર* વિનાની રોટલી ખાતા હતા. ૧૦  હિન્‍નોમની ખીણમાં*+ આવેલા તોફેથને*+ તેણે ઉપાસના માટે અશુદ્ધ કર્યું.* એ માટે કે મોલેખ* આગળ કોઈ પોતાના દીકરા કે દીકરીને આગમાં બલિ ન ચઢાવે.+ ૧૧  યહૂદાના રાજાઓએ સૂર્ય-પૂજા માટે ઘોડાઓ રાખ્યા* હતા. થાંભલાવાળી પરસાળમાં અધિકારી નાથાન-મેલેખનો ઓરડો* હતો. એની પાસેથી ઘોડાઓ યહોવાના મંદિરમાં આવજા કરતા. રાજાએ એ બંધ કરાવ્યું. તેણે સૂર્ય-પૂજા માટેના રથો બાળી નાખ્યા.+ ૧૨  યહૂદાના રાજાઓએ આહાઝના ઉપરના ઓરડાના ધાબા પર વેદીઓ બાંધી હતી.+ મનાશ્શાએ યહોવાના મંદિરનાં બે આંગણાંમાં વેદીઓ બાંધી હતી.+ યોશિયા રાજાએ એ બધી વેદીઓ તોડી નાખી. તેણે એનો ભાંગીને ભૂકો કરી નાખ્યો અને કિદ્રોન ખીણમાં ફેંકી દીધો. ૧૩  રાજાએ યરૂશાલેમ આગળ આવેલાં ભક્તિ-સ્થળોને અશુદ્ધ કર્યાં, જેથી એમાં ઉપાસના ન થાય. વિનાશના પર્વતની* દક્ષિણે* એ આવેલાં હતાં. ઇઝરાયેલના રાજા સુલેમાને એ ભક્તિ-સ્થળો સિદોનીઓની ધિક્કારપાત્ર દેવી આશ્તોરેથ માટે, મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માટે અને આમ્મોનીઓના ધિક્કારપાત્ર દેવ+ મિલ્કોમ+ માટે બાંધ્યાં હતાં. ૧૪  તેણે ભક્તિ-સ્તંભોના ટુકડે-ટુકડા કરી નાખ્યા અને ભક્તિ-થાંભલાઓ કાપી નાખ્યા.+ તેઓની જગ્યાઓ મનુષ્યોનાં હાડકાંથી ભરી દીધી. ૧૫  રાજાએ બેથેલમાંનાં ભક્તિ-સ્થળ અને વેદી તોડી પાડ્યાં. એ નબાટના દીકરા યરોબઆમે બનાવ્યાં હતાં. એનાથી યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે પાપ કરાવ્યાં હતાં.+ વેદી અને ભક્તિ-સ્થળ તોડી પાડ્યાં પછી, રાજાએ ભક્તિ-સ્થળ બાળી નાખ્યું અને એનો ભૂકો કરી નાખ્યો. તેણે ભક્તિ-થાંભલો પણ બાળી નાખ્યો.+ ૧૬  યોશિયાએ પાછા ફરીને જોયું તો તેને પહાડ પર કબરો દેખાઈ. તેણે કબરોમાંથી હાડકાં કઢાવ્યાં અને વેદી પર બાળ્યાં. આ રીતે વેદીને ઉપાસના માટે અશુદ્ધ કરી. યહોવાના શબ્દો પ્રમાણે આ બધું થયું. તેમના ઈશ્વરભક્તે ભવિષ્યવાણી કરી હતી કે એ બનાવો બનશે.+ ૧૭  પછી તેણે પૂછ્યું: “મને કબર પરનો પેલો પથ્થર દેખાય છે, એ કોની કબર છે?” શહેરના માણસોએ તેને કહ્યું: “એ તો યહૂદાના ઈશ્વરભક્તની કબર છે.+ તમે બેથેલની વેદીના જે હાલ કર્યા છે, એ વિશે તેમણે જ ભવિષ્યવાણી કરી હતી.” ૧૮  રાજાએ કહ્યું: “કોઈ તેમનાં હાડકાંને અડકે નહિ, એને રહેવા દો.” એટલે તેઓએ ઈશ્વરભક્તનાં હાડકાં એમનાં એમ રહેવાં દીધાં. સમરૂનથી જે પ્રબોધક આવ્યો હતો, તેનાં હાડકાં પણ તેઓએ રહેવાં દીધાં.+ ૧૯  ઇઝરાયેલના રાજાઓએ સમરૂનનાં શહેરોમાં આવેલાં ભક્તિ-સ્થળોએ મંદિરો બાંધ્યાં હતાં.+ એમ કરીને તેઓએ ઈશ્વરને ભારે રોષ ચઢાવ્યો હતો. યોશિયાએ એ બધાંનો નાશ કર્યો અને એના એવા હાલ કર્યા, જેવા તેણે બેથેલનાં ભક્તિ-સ્થળોના કર્યા હતા.+ ૨૦  ભક્તિ-સ્થળોએ જે યાજકો હતા, એ બધાનું તેણે ત્યાંની વેદીઓ પર બલિદાન ચઢાવી દીધું. તેણે વેદીઓ પર મનુષ્યોનાં હાડકાં બાળ્યાં.+ ત્યાર બાદ તે યરૂશાલેમ પાછો આવ્યો. ૨૧  રાજાએ બધા લોકોને હુકમ આપ્યો: “કરારના પુસ્તકમાં લખ્યું છે તેમ,+ તમારા ઈશ્વર યહોવા માટે પાસ્ખાનો* તહેવાર ઊજવો.”+ ૨૨  ઇઝરાયેલમાં ન્યાયાધીશો ન્યાય કરતા હતા ત્યાર પછી આવું પાસ્ખા ઊજવવામાં આવ્યું ન હતું. અરે, ઇઝરાયેલના અને યહૂદાના રાજાઓના રાજમાં પણ આવું પાસ્ખા ઊજવવામાં આવ્યું ન હતું.+ ૨૩  પણ યોશિયા રાજાના શાસનના ૧૮મા વર્ષે યરૂશાલેમમાં યહોવા માટે પાસ્ખા ઊજવવામાં આવ્યું. ૨૪  હિલ્કિયા યાજકને યહોવાના મંદિરમાંથી જે પુસ્તક મળ્યું હતું,+ એમાં લખેલા નિયમો પ્રમાણે+ જ યોશિયાએ કર્યું. મરેલા સાથે વાત કરનાર ભૂવાઓને અને ભવિષ્ય ભાખનારાઓને+ તેણે દેશમાંથી કાઢી મૂક્યા. કુળદેવતાઓની મૂર્તિઓ*+ અને ધિક્કારપાત્ર મૂર્તિઓ* પણ કાઢી નાખી. તેણે યહૂદા અને યરૂશાલેમમાંથી એ બધી ચીજવસ્તુઓ કાઢી નાખી જે ધિક્કારપાત્ર હતી. ૨૫  મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે યોશિયાએ પૂરા દિલથી અને પૂરા જીવથી+ અને પૂરી શક્તિથી યહોવાની ભક્તિ કરી. તેના જેવો કોઈ રાજા થયો ન હતો અને તેના પછી પણ કોઈ થયો નહિ. ૨૬  તોપણ યહૂદા પર ભભૂકી ઊઠેલો યહોવાનો કોપ શાંત પડ્યો નહિ, કેમ કે મનાશ્શાએ ઘણાં દુષ્ટ કામો કરીને તેમને રોષ ચઢાવ્યો હતો.+ ૨૭  યહોવાએ કહ્યું: “મેં ઇઝરાયેલના લોકોને જેમ મારી નજર આગળથી દૂર કર્યા છે,+ તેમ યહૂદાના લોકોને પણ કરીશ.+ મારા પસંદ કરેલા યરૂશાલેમ શહેરનો હું ત્યાગ કરીશ. એ મંદિરનો પણ ત્યાગ કરીશ, જેના વિશે મેં કહ્યું હતું કે ‘મારું નામ ત્યાં કાયમ રહેશે.’”+ ૨૮  યોશિયાનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે. ૨૯  તેના દિવસોમાં ઇજિપ્તનો રાજા ફારુન* નકોહ યુફ્રેટિસ* નદી પાસે આશ્શૂરના રાજાને મળવા આવ્યો. રાજા યોશિયા નકોહની સામે લડવા ગયો. પણ નકોહે તેને જોયો અને મગિદ્દોમાં તેને મોતને ઘાટ ઉતારી દીધો.+ ૩૦  યોશિયાના સેવકો તેની લાશ રથમાં મૂકીને મગિદ્દોથી યરૂશાલેમ લઈ આવ્યા. તેઓએ તેની કબરમાં તેને દફનાવ્યો. પછી દેશના લોકોએ યોશિયાના દીકરા યહોઆહાઝનો અભિષેક કર્યો અને તેના પિતાની જગ્યાએ તેને રાજા બનાવ્યો.+ ૩૧  યહોઆહાઝ+ રાજા બન્યો ત્યારે ૨૩ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું.+ તે લિબ્નાહના વતની યર્મિયાની દીકરી હતી. ૩૨  યહોવાની નજરમાં જે ખરાબ હતું એ યહોઆહાઝ કરવા લાગ્યો. તેણે પોતાના બાપદાદાઓની જેમ જ કર્યું.+ ૩૩  તેને યરૂશાલેમ પર રાજ કરતો અટકાવવા, ઇજિપ્તના રાજા* નકોહે+ તેને હમાથ દેશના રિબ્લાહમાં કેદ કર્યો.+ નકોહે યહૂદા દેશને ૧૦૦ તાલંત* ચાંદી અને એક તાલંત સોનાનો દંડ કર્યો.+ ૩૪  ઇજિપ્તના રાજા નકોહે યોશિયાના દીકરા એલ્યાકીમને તેના પિતાની જગ્યાએ રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પણ તે યહોઆહાઝને ઇજિપ્ત લઈ ગયો,+ જ્યાં તે મરણ પામ્યો.+ ૩૫  યહોયાકીમે ઇજિપ્તના રાજાને સોના-ચાંદી આપ્યાં. પણ તેણે દેશ પર કરવેરો નાખવો પડ્યો, જેથી ઇજિપ્તના રાજાએ કરેલી ચાંદીની માંગને પહોંચી વળે. તેણે દેશના દરેક પાસેથી નક્કી કરેલાં સોના-ચાંદી ઉઘરાવ્યાં અને ઇજિપ્તના રાજા નકોહને આપ્યાં. ૩૬  યહોયાકીમ+ રાજા બન્યો ત્યારે ૨૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૧ વર્ષ રાજ કર્યું.+ તેની માનું નામ ઝબીદાહ હતું. તે પદાયાની દીકરી હતી, જે રૂમાહનો વતની હતો. ૩૭  યહોવાની નજરમાં જે ખરાબ હતું એ યહોયાકીમ કરતો રહ્યો.+ તેણે પોતાના બાપદાદાઓની જેમ જ કર્યું.+

ફૂટનોટ

અથવા, “ફરીથી કરાર.”
મૂળ, “આકાશના આખા સૈન્યની.”
કદાચ તેણે ત્યાં હાડકાં નાખ્યાં અને ઉકરડો બનાવ્યો.
મૂળ, “પોતાના ભાઈઓ.”
મૂળ, “હિન્‍નોમના દીકરાઓની ખીણમાં.” શબ્દસૂચિમાં “ગેહેન્‍ના” જુઓ.
યરૂશાલેમ બહારની એક જગ્યા, જ્યાં ઈશ્વર-વિરોધી ઇઝરાયેલીઓ બાળકનું બલિદાન ચઢાવતા.
કદાચ તેણે ત્યાં હાડકાં નાખ્યાં અને ઉકરડો બનાવ્યો.
અથવા, “અર્પણ કર્યા.”
અથવા, “ભોજનખંડ.”
એટલે કે, જૈતૂન પર્વત, ખાસ કરીને દૂર દક્ષિણનો ભાગ ગુનાનો પર્વત પણ કહેવાતો.
મૂળ, “જમણે.” એટલે કે, પૂર્વ તરફ મોં કરીને ઊભા રહો તો દક્ષિણે આવે.
આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
અથવા, “ફ્રાત.”
એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “ફારુન.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.