બીજો રાજાઓ ૨૫:૧-૩૦

  • નબૂખાદનેસ્સારે યરૂશાલેમ ઘેરી લીધું (૧-૭)

  • યરૂશાલેમ અને એના મંદિરનો વિનાશ, ગુલામીમાં જનારો બીજો સમૂહ (૮-૨૧)

  • ગદાલ્યાને રાજ્યપાલ બનાવ્યો (૨૨-૨૪)

  • ગદાલ્યાનું ખૂન, લોકો ઇજિપ્ત નાસી છૂટ્યા (૨૫, ૨૬)

  • બાબેલોનમાં યહોયાખીન કેદમાંથી આઝાદ કરાયો (૨૭-૩૦)

૨૫  સિદકિયા રાજાના શાસનનું નવમું વર્ષ ચાલતું હતું. એના દસમા મહિનાના દસમા દિવસે બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર+ પોતાના આખા સૈન્ય સાથે યરૂશાલેમ પર ચઢી આવ્યો.+ તેણે એની સામે છાવણી નાખી અને એને ઘેરી લેવા શહેર ફરતે દીવાલ ઊભી કરી.+ ૨  તેણે સિદકિયા રાજાના શાસનના ૧૧મા વર્ષ સુધી શહેરને ઘેરી રાખ્યું. ૩  એ વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે શહેરમાં દુકાળ એટલો આકરો હતો+ કે લોકો માટે કંઈ જ ખાવાનું ન હતું.+ ૪  દીવાલમાં બાકોરું પાડવામાં આવ્યું.+ રાજાના બગીચા પાસે બે દીવાલો વચ્ચે દરવાજો હતો. રાજા પોતાના બધા સૈનિકો સાથે રાતોરાત એમાંથી નાસી છૂટ્યો. ખાલદીઓએ શહેરને ઘેરી રાખ્યું હોવા છતાં, સિદકિયા રાજા અરાબાહને રસ્તે ભાગી નીકળ્યો.+ ૫  પણ ખાલદીઓના લશ્કરે રાજાનો પીછો કર્યો. તેઓએ યરીખોના ઉજ્જડ પ્રદેશમાં તેને પકડી પાડ્યો. તેનું આખું સૈન્ય તેની પાસેથી વિખેરાઈ ગયું. ૬  તેઓએ સિદકિયાને પકડી લીધો.+ તેઓ તેને રિબ્લાહમાં બાબેલોનના રાજા પાસે લઈ ગયા અને તેને સજા ફટકારી. ૭  તેઓએ સિદકિયાની નજર આગળ તેના દીકરાઓને રહેંસી નાખ્યા. પછી નબૂખાદનેસ્સારે સિદકિયાની આંખો ફોડી નાખી, તેને તાંબાની બેડીઓ પહેરાવી અને બાબેલોન લઈ ગયો.+ ૮  બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના શાસનનું ૧૯મું વર્ષ ચાલતું હતું. એના પાંચમા મહિનાના સાતમા દિવસે બાબેલોનના રાજાનો સેવક, રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન+ યરૂશાલેમ આવ્યો.+ ૯  તેણે યહોવાનું મંદિર,+ રાજાનો મહેલ+ અને યરૂશાલેમનાં બધાં ઘરો બાળી નાખ્યાં.+ તેણે દરેક જાણીતા માણસોનાં ઘરો પણ બાળી નાખ્યાં.+ ૧૦  રક્ષકોના ઉપરી સાથે આવેલા ખાલદીઓના આખા લશ્કરે યરૂશાલેમ ફરતેની દીવાલો જમીનદોસ્ત કરી નાખી.+ ૧૧  શહેરમાં બચેલા લોકો, બાબેલોનના રાજાના પક્ષમાં ભળી ગયેલા લોકો અને બાકીની વસ્તીને રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન ગુલામ બનાવીને લઈ ગયો.+ ૧૨  રક્ષકોનો ઉપરી ત્યાંના એકદમ ગરીબ લોકોમાંથી અમુકને દ્રાક્ષાવાડીમાં કામ કરવા અને કાળી મજૂરી કરવા મૂકી ગયો.+ ૧૩  યહોવાના મંદિરમાં તાંબાના જે સ્તંભો+ હતા, એના ખાલદીઓએ ટુકડે-ટુકડા કરી નાખ્યા. તેઓએ યહોવાના મંદિરની લારીઓ*+ અને તાંબાના હોજના+ પણ ટુકડે-ટુકડા કરી નાખ્યા. એનું બધું તાંબું તેઓ બાબેલોન ઉપાડી ગયા.+ ૧૪  તેઓ ડોલ, પાવડા, કાતરો, પ્યાલાઓ અને મંદિરમાં વપરાતી તાંબાની બધી વસ્તુઓ પણ લઈ ગયા. ૧૫  રક્ષકોનો ઉપરી ચોખ્ખાં સોના-ચાંદીનાં+ અગ્‍નિપાત્રો* અને વાટકા લઈ ગયો. ૧૬  યહોવાના મંદિર માટે સુલેમાને બનાવેલાં બે સ્તંભો, હોજ અને લારીઓમાં* પણ ઘણું તાંબું વપરાયું હતું. એમાં એટલું તાંબું વપરાયું હતું કે એના વજનનો કોઈ હિસાબ ન હતો.+ ૧૭  દરેક સ્તંભની ઊંચાઈ ૧૮ હાથ* હતી.+ એના પર તાંબાનો કળશ* હતો, જેની ઊંચાઈ ત્રણ હાથ હતી. કળશ ફરતેની જાળી અને દાડમો તાંબાનાં હતાં.+ બીજો સ્તંભ અને એની જાળી પણ એવાં જ હતાં. ૧૮  રક્ષકોનો ઉપરી પોતાની સાથે મુખ્ય યાજક* સરાયાને,+ સહાયક યાજક સફાન્યાને+ અને ત્રણ દરવાનોને પણ લઈ ગયો.+ ૧૯  તે શહેરમાંથી એક રાજદરબારીને લઈ ગયો, જે સૈનિકોનો ઉપરી હતો. તેને શહેરમાંથી રાજાના પાંચ સલાહકારો મળી આવ્યા અને સેનાપતિનો મંત્રી પણ મળી આવ્યો, જે દેશના લોકોને લશ્કરમાં ભરતી કરતો હતો. તેઓને અને શહેરમાંથી મળી આવેલા બીજા ૬૦ લોકોને પણ તે પકડીને લઈ ગયો. ૨૦  રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન+ તેઓને પકડીને રિબ્લાહમાં બાબેલોનના રાજા પાસે લઈ ગયો.+ ૨૧  બાબેલોનના રાજાએ તેઓને હમાથ દેશના રિબ્લાહમાં મારી નાખ્યા.+ આ રીતે યહૂદાએ પોતાનું વતન છોડીને પારકા દેશમાં ગુલામ થવું પડ્યું.+ ૨૨  બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદામાં અમુક લોકોને રહેવા દીધા હતા.+ તેણે ગદાલ્યાને+ તેઓ પર આગેવાન બનાવી દીધો. તે અહીકામનો+ દીકરો અને શાફાનનો+ પૌત્ર હતો. ૨૩  બધા સેનાપતિઓ અને તેઓના માણસોએ સાંભળ્યું કે બાબેલોનના રાજાએ ગદાલ્યાને આગેવાન બનાવ્યો છે. તેઓ તરત જ ગદાલ્યાને મળવા મિસ્પાહ આવ્યા. તેઓમાં નથાન્યાનો દીકરો ઇશ્માએલ, કારેઆહનો દીકરો યોહાનાન, નટોફાહના તાન્હુમેથનો દીકરો સરાયા, માઅખાથના એક માણસનો દીકરો યાઅઝાન્યા અને તેઓના માણસો હતા.+ ૨૪  ગદાલ્યાએ તેઓ સામે અને તેઓના માણસો સામે સમ ખાઈને કહ્યું: “ખાલદીઓના સેવકો બનવાથી ગભરાશો નહિ. આ દેશમાં રહો અને બાબેલોનના રાજાને તાબે થાઓ. એનાથી તમારું જ ભલું થશે.”+ ૨૫  સાતમા મહિનામાં અલિશામાના દીકરા નથાન્યાનો દીકરો ઇશ્માએલ+ પોતાના દસ માણસોને લઈને આવ્યો. તે રાજવંશમાંથી હતો. તેઓએ ગદાલ્યાને મારી નાખ્યો. તેઓએ મિસ્પાહમાં ગદાલ્યા સાથે જે યહૂદીઓ અને ખાલદીઓ હતા, તેઓને પણ મારી નાખ્યા.+ ૨૬  પછી નાના-મોટા બધા જ લોકો, અરે સેનાપતિઓ પણ ઇજિપ્ત નાસી છૂટ્યા,+ કેમ કે તેઓને ખાલદીઓનો ડર લાગ્યો.+ ૨૭  યહૂદાનો રાજા યહોયાખીન+ ગુલામીમાં ગયો એને ૩૭મું વર્ષ ચાલતું હતું. એ સમયે એવીલ-મરોદાખ બાબેલોનનો રાજા બન્યો. એ જ વર્ષના ૧૨મા મહિનાના ૨૭મા દિવસે તેણે યહૂદાના રાજા યહોયાખીનને કેદમાંથી આઝાદ કર્યો.+ ૨૮  તેણે યહોયાખીન સાથે પ્રેમથી વાત કરી. તેણે પોતાની સાથેના બાબેલોનના બીજા રાજાઓ કરતાં તેને વધારે સન્માન આપ્યું.* ૨૯  યહોયાખીનને કેદખાનાનાં કપડાંને બદલે નવાં કપડાં આપવામાં આવ્યાં. તેણે જિંદગીભર બાબેલોનના રાજા આગળ ભોજન લીધું. ૩૦  યહોયાખીનને આખી જિંદગી બાબેલોનના રાજા પાસેથી દરરોજ ભોજન પૂરું પાડવામાં આવ્યું.

ફૂટનોટ

અથવા, “જળગાડીઓ.”
અથવા, “જળગાડીઓમાં.”
એક હાથ એટલે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
મૂળ, “તેને વધારે ઊંચી રાજગાદી આપી.”