બીજો રાજાઓ ૬:૧-૩૩

  • એલિશા કુહાડીનું પાનું તરતું કરે છે (૧-૭)

  • એલિશા સામે સિરિયાનું લશ્કર (૮-૨૩)

    • એલિશાના સેવકની આંખો ખોલવામાં આવી (૧૬, ૧૭)

    • સિરિયાના સૈન્યને આંધળું કરવામાં આવ્યું (૧૮, ૧૯)

  • ઘેરાયેલા સમરૂનમાં ખોરાકની સખત અછત (૨૪-૩૩)

 પ્રબોધકોના દીકરાઓએ*+ એલિશાને કહ્યું: “જુઓ ને, આપણે જે જગ્યામાં રહીએ છીએ એ કેટલી નાની છે! ૨  કૃપા કરીને અમને યર્દન જવા દો. ત્યાંથી અમે દરેક જણ એક એક મોટું લાકડું લઈને રહેવા માટે ઘર બનાવીએ.” એલિશાએ કહ્યું: “હા, જાઓ.” ૩  તેઓમાંથી એકે કહ્યું: “તમે પણ અમારી* સાથે આવો ને!” એલિશાએ કહ્યું: “સારું.” ૪  એલિશા તેઓ સાથે ગયો. તેઓ યર્દન નદીએ આવ્યા અને વૃક્ષો કાપવાં લાગ્યાં. ૫  તેઓમાંથી એક જણ વૃક્ષ કાપતો હતો, એવામાં તેની કુહાડીનું પાનું પાણીમાં પડી ગયું. તેણે બૂમ પાડી: “અરેરે, મારા માલિક, આ કુહાડી તો હું માંગીને લાવ્યો હતો!” ૬  ઈશ્વરભક્તે પૂછ્યું: “પાનું ક્યાં પડ્યું?” તેણે એ જગ્યા બતાવી. એલિશાએ લાકડાનો ટુકડો કાપીને એ જગ્યાએ નાખ્યો અને કુહાડીનું પાનું પાણી પર તરતું કર્યું. ૭  એલિશાએ કહ્યું: “ઉપાડી લે.” તેણે હાથ લંબાવીને એ ઉપાડી લીધું. ૮  સિરિયાનો રાજા ઇઝરાયેલ સામે લડવા ગયો.+ તેણે પોતાના સેવકો સાથે વાતચીત કરીને કહ્યું: “હું તમારી સાથે ફલાણી ફલાણી જગ્યાએ છાવણી નાખીશ.” ૯  ઈશ્વરભક્તે+ ઇઝરાયેલના રાજાને આ સંદેશો મોકલ્યો: “આ જગ્યાએથી પસાર થતા સાવધ રહેજો. સિરિયાનું લશ્કર ત્યાં હુમલો કરવા આવવાનું છે.” ૧૦  ઈશ્વરભક્તની ચેતવણી પ્રમાણે ઇઝરાયેલના રાજાએ એ જગ્યાના લોકોને સાવધ કરી દીધા. તે રાજાને ચેતવણી આપતો રહ્યો અને રાજા એ જગ્યાથી દૂર રહ્યો. આવું એક બે વાર નહિ, અનેક વાર બન્યું.+ ૧૧  એનાથી સિરિયાના રાજાનો ગુસ્સો ભડકી ઊઠ્યો. તેણે પોતાના સેવકોને ભેગા થવાનો હુકમ કર્યો અને તાડૂકી ઊઠ્યો: “આપણામાંથી કોણ ફૂટી ગયું છે? ઇઝરાયેલના રાજાને કોણ બધી ખબર આપે છે?” ૧૨  એક સેવકે કહ્યું: “મારા માલિક, મારા રાજા, આપણામાંથી કોઈ નથી! એ તો ઇઝરાયેલનો પ્રબોધક એલિશા છે. અરે, તમે સૂવાના ઓરડામાં જે બોલો, એ પણ તે ઇઝરાયેલના રાજાને જણાવી દે છે.”+ ૧૩  તેણે કહ્યું: “જાઓ, ખબર કાઢો કે તે ક્યાં છે, જેથી તેને પકડવા માણસો મોકલું.” પછી રાજાને જણાવવામાં આવ્યું: “તે દોથાનમાં છે.”+ ૧૪  તેણે તરત જ ઘોડાઓ અને રથો સાથે મોટું લશ્કર મોકલી આપ્યું. તેઓએ રાતોરાત આવીને શહેરને ઘેરી લીધું. ૧૫  ઈશ્વરભક્તનો સેવક વહેલી સવારે ઊઠ્યો. તે બહાર નીકળ્યો અને જોયું તો ઘોડાઓ અને રથો લઈને આવેલા લશ્કરે આખું શહેર ઘેરી લીધું હતું. સેવક પોકારી ઊઠ્યો: “ગુરુજી, ગુરુજી, હવે આપણે શું કરીએ?” ૧૬  એલિશાએ કહ્યું: “ડરીશ નહિ!+ તેઓ સાથે જેટલા છે એના કરતાં આપણી સાથે વધારે છે.”+ ૧૭  એલિશા પ્રાર્થના કરવા લાગ્યો: “હે યહોવા, કૃપા કરી તેની આંખો ખોલો કે તે જુએ.”+ યહોવાએ તરત જ સેવકની આંખો ખોલી. તેણે જોયું તો એલિશાની આસપાસનો+ આખો પહાડી વિસ્તાર અગ્‍નિઘોડાઓ અને અગ્‍નિરથોથી+ ભરાઈ ગયો હતો. ૧૮  સિરિયાનું લશ્કર એલિશા પાસે આવ્યું ત્યારે તેણે યહોવાને પ્રાર્થના કરી: “કૃપા કરી આ લોકોને આંધળા કરી નાખો.”+ એલિશાની વિનંતી પ્રમાણે તેમણે તેઓને આંધળા* કરી નાખ્યા. ૧૯  એલિશાએ તેઓને કહ્યું: “તમે ખોટો રસ્તો પકડ્યો છે, આ તો બીજું શહેર છે. મારી પાછળ પાછળ આવો. તમે જે માણસને શોધો છો તેની પાસે લઈ જાઉં.” પણ તે તેઓને સમરૂન લઈ ગયો.+ ૨૦  તેઓ સમરૂન આવ્યા ત્યારે એલિશાએ કહ્યું: “હે યહોવા, તેઓની આંખો ખોલો કે તેઓ જુએ.” યહોવાએ તેઓની આંખો ખોલી. તેઓએ જોયું તો પોતે સમરૂનની વચ્ચે હતા. ૨૧  ઇઝરાયેલના રાજાએ તેઓને જોયા ત્યારે એલિશાને પૂછ્યું: “ગુરુજી, હું તેઓને મારી નાખું? તેઓને ખતમ કરી નાખું?” ૨૨  એલિશાએ કહ્યું: “ના, તેઓને મારી નાખીશ નહિ. તારી તલવાર કે ધનુષ્યના જોરે તું જેઓને કેદી બનાવે છે, તેઓને શું મારી નાખીશ? તેઓને રોટલી અને પાણી આપ, જેથી તેઓ ખાય-પીએ+ અને પોતાના માલિક પાસે પાછા જાય.” ૨૩  રાજાએ તેઓને મોટી મિજબાની આપી અને તેઓએ ખાધું-પીધું. પછી રાજાએ તેઓને વિદાય આપી. તેઓ પોતાના માલિક પાસે પાછા ગયા. ત્યાર બાદ સિરિયાના લુટારાઓની ટોળકીઓએ+ ક્યારેય ઇઝરાયેલ દેશ પર હુમલો કર્યો નહિ. ૨૪  પછી એવું બન્યું કે સિરિયાનો રાજા બેન-હદાદ પોતાનું આખું લશ્કર ભેગું કરીને સમરૂન ગયો અને એને ઘેરી લીધું.+ ૨૫  તેઓએ એને લાંબા સમય સુધી ઘેરી રાખ્યું. એના લીધે સમરૂનમાં ખોરાકની સખત અછત ઊભી થઈ.+ અરે, ગધેડાનું માથું+ ચાંદીના ૮૦ ટુકડામાં અને કબૂતરની થોડી* અઘાર ચાંદીના ૫ ટુકડામાં વેચાવાં લાગ્યાં. ૨૬  ઇઝરાયેલનો રાજા કોટ પરથી જતો હતો ત્યારે, એક સ્ત્રીએ બૂમ પાડી: “ઓ રાજાજી, મારા માલિક, મદદ કરો!” ૨૭  રાજાએ પૂછ્યું: “જો યહોવા તને મદદ ન કરે તો હું કેવી રીતે કરું? શું ખળીમાં,* દ્રાક્ષાકુંડમાં કે તેલના કુંડમાં કંઈ બચ્યું છે?” ૨૮  પછી રાજાએ પૂછ્યું: “શું થયું?” સ્ત્રીએ કહ્યું: “આ સ્ત્રીએ મને કહ્યું, ‘તારો દીકરો લાવ કે આજે આપણે એને ખાઈએ. મારો દીકરો કાલે ખાઈશું.’+ ૨૯  અમે મારા દીકરાને બાફીને ખાઈ ગયા.+ બીજા દિવસે મેં તેને કહ્યું: ‘લાવ તારો દીકરો, આપણે એને ખાઈએ.’ પણ તેણે પોતાનો દીકરો સંતાડી દીધો.” ૩૦  સ્ત્રીના શબ્દો સાંભળતાં જ રાજાએ પોતાનાં કપડાં ફાડ્યાં.+ જ્યારે તે કોટ પરથી જતો હતો, ત્યારે લોકોએ જોયું કે રાજાએ ઈશ્વરની કૃપા મેળવવા કપડાંની અંદર કંતાન પહેર્યું હતું. ૩૧  રાજાએ કહ્યું: “હું આજે શાફાટના દીકરા એલિશાનું માથું ધડથી અલગ કરી નાખીશ. જો એમ ન કરું તો ઈશ્વર મને આકરી સજા કરો.”+ ૩૨  એલિશા પોતાના ઘરમાં બેઠો હતો. તેની સાથે વડીલો બેઠા હતા. રાજાએ પોતાની આગળ એક માણસ મોકલ્યો. તે આવી પહોંચે એ પહેલાં એલિશાએ વડીલોને કહ્યું: “જુઓ, એ ખૂનીના દીકરાએ+ મારું માથું ધડથી અલગ કરવા માણસ મોકલ્યો છે. એ માણસ આવે ત્યારે સાવચેત રહેજો, દરવાજો બંધ રાખજો. તેને અંદર આવવા ન દેતા. શું તેની પાછળ પાછળ તેના માલિકનાં પગલાં સંભળાતાં નથી?” ૩૩  એલિશા હજી બોલતો હતો એવામાં એ માણસ આવી પહોંચ્યો. પછી રાજા પણ આવી પહોંચ્યો અને કહેવા લાગ્યો: “આ આફત યહોવા પાસેથી છે. તો પછી હું શા માટે યહોવાની રાહ જોઉં?”

ફૂટનોટ

‘પ્રબોધકોના દીકરાઓ’ કદાચ પ્રબોધકોના શિક્ષણ માટેની શાળાને કે પ્રબોધકોના સંગઠનને બતાવે છે.
મૂળ, “તમારા સેવકો.”
અહીં અંધાપાની વાત થતી નથી. ઈશ્વરે તેઓનાં મન આંધળાં કરી દીધાં હોય શકે.
મૂળ, “એક કાબ માપનો ચોથો ભાગ.” એક કાબ એટલે ૧.૨૨ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.