બીજો રાજાઓ ૭:૧-૨૦

  • એલિશા દુકાળના અંત વિશે ભાખે છે (૧, ૨)

  • સિરિયાની છાવણીમાં પુષ્કળ ખાવાનું (૩-૧૫)

  • એલિશાની ભવિષ્યવાણી પૂરી થઈ (૧૬-૨૦)

 એલિશાએ કહ્યું: “યહોવાનો સંદેશો સાંભળો. યહોવા જણાવે છે, ‘કાલે આશરે આ સમયે સમરૂનના દરવાજે* ચાંદીના એક ટુકડામાં* એક માપ* મેંદો વેચાશે અને ચાંદીના એક ટુકડામાં બે માપ જવ વેચાશે.’”+ ૨  એ સાંભળીને રાજાના એક વિશ્વાસુ મદદનીશે ઈશ્વરભક્તને કહ્યું: “જો યહોવા આકાશની બારીઓ ખોલી દે, તોપણ શું એ શક્ય છે?”+ એલિશાએ કહ્યું: “તું તારી સગી આંખે એ જોઈશ,+ પણ એમાંથી કંઈ ખાઈ શકીશ નહિ.”+ ૩  શહેરના દરવાજે ચાર રક્તપિત્તિયા* બેઠા હતા.+ તેઓ અંદરોઅંદર વાત કરતા હતા: “મોતની રાહ જોઈને અહીં બેસી રહેવાનો શું ફાયદો? ૪  જો શહેરમાં જવાનું વિચારીએ તો દુકાળને લીધે માર્યા જઈશું.+ અહીં બેસીને તો નક્કી મરવાના જ છીએ. ચાલો સિરિયાની છાવણીમાં જઈએ. જો તેઓ જીવતદાન આપે તો બચી જઈશું. પણ તેઓ મારી નાખે તો ભલે મારી નાખે, શું ફરક પડવાનો?” ૫  તેઓ સાંજના અંધારામાં નીકળી પડ્યા અને સિરિયાની છાવણી પાસે પહોંચી ગયા. તેઓએ છાવણીની હદમાં ઘૂસીને જોયું તો કોઈ નજરે પડ્યું નહિ. ૬  યહોવાએ સિરિયાની છાવણીમાં યુદ્ધના રથો, ઘોડાઓ અને મોટા લશ્કરનો ઘોંઘાટ સંભળાવ્યો હતો.+ સિરિયાના સૈનિકોમાં અફવા ફેલાઈ ગઈ કે, “જુઓ, ઇઝરાયેલના રાજાએ આપણા પર હુમલો કરવા હિત્તીઓના રાજાઓ અને ઇજિપ્તના* રાજાઓને બોલાવ્યા છે!”* ૭  એટલે તેઓ સાંજના અંધારામાં ઉતાવળે નાસી છૂટ્યા. તેઓએ પોતાનાં તંબુઓ, ઘોડાઓ, ગધેડાઓ પડતાં મૂક્યાં. અરે, આખી છાવણી એમની એમ રહેવા દઈને જીવ લઈને ભાગ્યા. ૮  પેલા રક્તપિત્તિયા માણસો છાવણીની હદમાં ઘૂસ્યા. તેઓ એક તંબુની અંદર ગયા અને ખાવા-પીવા લાગ્યા. તેઓએ તંબુમાંથી સોનું-ચાંદી અને કપડાં ઉપાડ્યાં અને જઈને એ બધું છુપાવી દીધું. પછી તેઓ પાછા આવ્યા અને બીજા તંબુમાં ઘૂસ્યા. ત્યાંથી પણ તેઓએ ચીજવસ્તુઓ લીધી અને જઈને છુપાવી દીધી. ૯  પછી તેઓએ એકબીજાને કહ્યું: “આપણે ખોટું કરીએ છીએ. આ તો ખુશીનો દિવસ છે, આપણે બીજાઓને ખબર આપવી જોઈએ! જો ચૂપ રહીશું અને સવાર સુધી રાહ જોઈશું, તો આપણને સજા થશે. ચાલો અત્યારે ને અત્યારે રાજમહેલમાં જઈને ખબર આપીએ.” ૧૦  તેઓએ જઈને શહેરના દરવાનોને બૂમ પાડી અને જણાવ્યું કે, “અમે સિરિયાની છાવણીમાં ગયા હતા. ત્યાં ચકલુંયે ફરકતું ન હતું. અરે, ચારે બાજુ સન્‍નાટો છવાયેલો હતો! તંબુઓ એમના એમ પડેલા હતા. ફક્ત ઘોડા અને ગધેડાં બાંધેલાં હતાં.” ૧૧  દરવાનોએ તરત જ રાજમહેલના લોકોને આ ખબર આપી. ૧૨  રાજાએ ઊઠીને રાતે ને રાતે પોતાના સેવકોને કહ્યું: “સિરિયાના લોકોએ કેવી જાળ બિછાવી છે એ તમને સમજાવું. આપણે ભૂખે મરીએ છીએ એ તેઓ સારી રીતે જાણે છે.+ તેઓ છાવણીમાંથી નીકળીને ખેતરોમાં સંતાઈ રહ્યા હશે. તેઓએ ધાર્યું હશે કે, ‘ઇઝરાયેલીઓ શહેરમાંથી નીકળી આવશે અને આપણે તેઓને જીવતા પકડી લઈશું ને શહેરમાં ઘૂસી જઈશું.’”+ ૧૩  રાજાના એક સેવકે કહ્યું: “શહેરમાં અમુક ઘોડા બચ્યા છે. કૃપા કરીને અમુક માણસોને પાંચ ઘોડા લઈને જવા દો અને તપાસ કરી આવવા દો. એ માણસોની હાલત અહીં રહેલા ઇઝરાયેલીઓ જેવી જ થવાની છે. મરી ગયેલા બધા ઇઝરાયેલીઓની જેમ તેઓ પણ મરવાના જ છે.” ૧૪  તેઓએ ઘોડા જોડેલા બે રથ લીધા. રાજાએ તેઓને સિરિયાની છાવણીમાં મોકલ્યા અને કહ્યું: “જાઓ, તપાસ કરો.” ૧૫  રાજાના માણસો તપાસ કરતાં કરતાં છેક યર્દન સુધી ગયા. તેઓને આખા રસ્તે કપડાં અને વાસણો પડેલાં મળ્યાં. સિરિયાના લોકોએ નાસતી વખતે ગભરાટમાં ને ગભરાટમાં એ આમતેમ ફેંકી દીધાં હતાં. રાજાના માણસો પાછા આવ્યા અને રાજાને ખબર આપી. ૧૬  ઇઝરાયેલી લોકો શહેરમાંથી બહાર નીકળી આવ્યા અને સિરિયાની છાવણી લૂંટી લીધી. ચાંદીના એક ટુકડામાં એક માપ મેંદો વેચાયો અને ચાંદીના એક ટુકડામાં બે માપ જવ વેચાયા. યહોવાએ કહ્યું હતું એમ જ થયું!+ ૧૭  રાજાએ પોતાના વિશ્વાસુ મદદનીશને શહેરના દરવાજે ચોકી કરવા રાખ્યો હતો. પણ તે દરવાજા પાસે લોકોના પગ નીચે કચડાઈ ગયો અને મરણ પામ્યો. ઈશ્વરભક્તના શબ્દો સાચા પડ્યા. રાજા મળવા આવ્યો ત્યારે ઈશ્વરભક્તે એ શબ્દો કહ્યા હતા. ૧૮  ઈશ્વરભક્તે રાજાને જેમ કહ્યું હતું એમ જ થયું: “કાલે આશરે આ સમયે સમરૂનના દરવાજે ચાંદીના એક ટુકડામાં બે માપ જવ વેચાશે અને ચાંદીના એક ટુકડામાં એક માપ મેંદો વેચાશે.”+ ૧૯  પણ રાજાના એક વિશ્વાસુ મદદનીશે ઈશ્વરભક્તને કહ્યું હતું: “જો યહોવા આકાશની બારીઓ ખોલી દે, તોપણ શું એ શક્ય છે?” એલિશાએ કહ્યું હતું: “તું તારી સગી આંખે એ જોઈશ, પણ એમાંથી કંઈ ખાઈ શકીશ નહિ.” ૨૦  મદદનીશના એવા જ હાલ થયા. તે દરવાજા પાસે લોકોના પગ નીચે કચડાઈ ગયો અને મરણ પામ્યો.

ફૂટનોટ

અથવા, “સમરૂનનાં બજારોમાં.”
હિબ્રૂ, શેકેલ. એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
મૂળ, “શીઆ માપ.” એક શીઆ એટલે ૭.૩૩ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “કોઢિયા.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “મિસરના.”
મૂળ, “ભાડે રાખ્યા છે!”