બીજો રાજાઓ ૮:૧-૨૯
૮ એલિશાએ જે સ્ત્રીના દીકરાને જીવતો કર્યો હતો એ સ્ત્રીને કહ્યું:+ “તું અને તારા ઘરના લોકો અહીંથી ચાલ્યા જાઓ. જે કોઈ દેશમાં આશરો મળે ત્યાં જઈને રહો. યહોવાએ આ દેશમાં દુકાળ લાવવાનું નક્કી કર્યું છે,+ જે સાત વર્ષ સુધી ચાલશે.”
૨ સ્ત્રીએ તરત જ ઈશ્વરભક્તના કહેવા પ્રમાણે કર્યું. તે પોતાના ઘરના લોકો સાથે પલિસ્તીઓના દેશમાં ગઈ+ અને સાત વર્ષ ત્યાં રહી.
૩ સાત વર્ષ પૂરાં થયાં ત્યારે એ સ્ત્રી પલિસ્તીઓના દેશમાંથી પાછી ફરી. તે પોતાનું ઘર અને ખેતર પાછાં મેળવવા રાજા પાસે અરજ કરવા ગઈ.
૪ રાજા એ સમયે ઈશ્વરભક્તના સેવક ગેહઝી સાથે વાત કરતો હતો. રાજાએ તેને કહ્યું: “મને જણાવ તો ખરો, એલિશાએ કેવા કેવા ચમત્કારો કર્યા છે!”+
૫ રાજાને ગેહઝી જણાવવા લાગ્યો કે એલિશાએ મરેલા છોકરાને કઈ રીતે જીવતો કર્યો હતો.+ એવામાં એ સ્ત્રી આવી પહોંચી જેના દીકરાને એલિશાએ જીવતો કર્યો હતો. તેણે પોતાનું ઘર અને ખેતર પાછાં મેળવવા રાજા પાસે આવીને અરજ કરી.+ ગેહઝી બોલી ઊઠ્યો: “હે રાજાજી મારા માલિક, આ એ જ સ્ત્રી છે! આ એ જ છોકરો છે, જેને એલિશાએ જીવતો કર્યો હતો.”
૬ રાજાએ સ્ત્રીને પૂછ્યું અને સ્ત્રીએ આખો બનાવ જણાવ્યો. રાજાએ તેને મદદ કરવા દરબારના એક અધિકારીને બોલાવ્યો અને કહ્યું: “તેની બધી જ ચીજવસ્તુઓ પાછી અપાવ. આ દેશ છોડીને ગઈ ત્યારથી લઈને આજ સુધી તેના ખેતરમાં થયેલી ઊપજની આવક તેને પાછી અપાવ.”
૭ એલિશા દમસ્ક+ આવ્યો. એ સમયે સિરિયાનો રાજા બેન-હદાદ+ બીમાર હતો. રાજાને ખબર આપવામાં આવી કે “ઈશ્વરભક્ત+ અહીં આવ્યા છે.”
૮ રાજાએ હઝાએલને કહ્યું:+ “ભેટ-સોગાદો લઈને ઈશ્વરભક્ત પાસે જા.+ તેમને વિનંતી કર કે યહોવાને પૂછી જુએ, ‘હું આ બીમારીમાંથી સાજો થઈશ કે કેમ?’”
૯ હઝાએલે દમસ્કની સારી સારી વસ્તુઓ લીધી. એ બધી ૪૦ ઊંટો પર મૂકી. તે ભેટ-સોગાદો લઈને એલિશા પાસે ગયો અને કહ્યું: “તમારા દીકરા* સિરિયાના રાજા બેન-હદાદે મને મોકલ્યો છે. તે પૂછે છે: ‘હું આ બીમારીમાંથી સાજો થઈશ કે કેમ?’”
૧૦ એલિશાએ તેને કહ્યું: “જા, તેને કહે કે ‘તું ચોક્કસ સાજો થઈશ.’ પણ યહોવાએ મને બતાવ્યું છે કે તે ચોક્કસ મરી જશે.”+
૧૧ એલિશા ટગર-ટગર હઝાએલ સામે જોઈ રહ્યો. એટલે હઝાએલ શરમાઈ ગયો. પછી ઈશ્વરભક્ત રડી પડ્યો.
૧૨ હઝાએલે પૂછ્યું: “ગુરુજી, તમે કેમ રડો છો?” એલિશાએ જવાબ આપ્યો: “મને ખબર છે કે તું ઇઝરાયેલીઓના કેવા બૂરા હાલ કરીશ.+ તેઓનાં કોટવાળાં શહેરોને તું આગ લગાડીશ. તેઓના શૂરવીરોને તું તલવારથી કાપી નાખીશ. તેઓનાં બાળકોને તું પછાડીને ટુકડે-ટુકડા કરી નાખીશ. તેઓની ગર્ભવતી સ્ત્રીઓને તું ચીરી નાખીશ.”+
૧૩ હઝાએલે કહ્યું: “હું તો મામૂલી સેવક છું.* હું એવું કઈ રીતે કરી શકું?” એલિશાએ જવાબ આપ્યો: “યહોવાએ મને બતાવ્યું છે કે તું સિરિયાનો રાજા બનીશ.”+
૧૪ હઝાએલ એલિશા પાસેથી પોતાના માલિક પાસે પાછો ગયો. તેના માલિકે હઝાએલને પૂછ્યું: “એલિશાએ શું કહ્યું?” તેણે જવાબ આપ્યો: “તેમણે કહ્યું કે તમે ચોક્કસ સાજા થઈ જશો.”+
૧૫ બીજા દિવસે હઝાએલે એક ધાબળો લીધો. એને પાણીમાં પલાળીને રાજાના મોં પર દબાવી દીધો. રાજા ગૂંગળાઈને મરી ગયો.+ તેની જગ્યાએ હઝાએલ રાજા બની બેઠો.+
૧૬ આહાબના દીકરા અને ઇઝરાયેલના રાજા યહોરામના+ શાસનનું પાંચમું વર્ષ ચાલતું હતું. એ સમયે યહૂદામાં યહોશાફાટ હજુ રાજા હતો ત્યારે, તેનો દીકરો યહોરામ+ યહૂદામાં રાજ કરવા લાગ્યો.
૧૭ યહોરામ રાજા બન્યો ત્યારે ૩૨ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું.
૧૮ યહોરામ ઇઝરાયેલના રાજાઓના માર્ગે ચાલ્યો.+ આહાબના કુટુંબે જે કર્યું હતું એવું જ તેણે પણ કર્યું,+ કેમ કે આહાબની દીકરી તેની પત્ની હતી.+ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ જ યહોરામે કર્યું.+
૧૯ પણ પોતાના સેવક દાઉદને લીધે યહોવા યહૂદાનો નાશ કરવા ચાહતા ન હતા.+ તેમણે દાઉદને વચન આપ્યું હતું કે તેનો અને તેના દીકરાઓનો દીવો કદી હોલવાશે નહિ.*+
૨૦ યહોરામના સમયમાં અદોમે યહૂદા સામે બળવો કર્યો+ અને પોતાને માટે રાજા પસંદ કરી લીધો.+
૨૧ એટલે યહોરામ પોતાના બધા રથો લઈને સામે પાર સાઈર ગયો. ત્યાં અદોમીઓએ તેને અને તેના રથોના આગેવાનોને ઘેરી લીધા. યહોરામે રાતોરાત હુમલો કર્યો અને તેઓને હરાવી દીધા. અદોમીઓ પોતપોતાના તંબુઓમાં નાસી છૂટ્યા.
૨૨ તોપણ અદોમ આજ સુધી યહૂદા સામે બળવો કરે છે. એ સમયે લિબ્નાહ શહેરે+ પણ બળવો કર્યો.
૨૩ યહોરામનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.
૨૪ યહોરામ ગુજરી ગયો.* તેને પોતાના બાપદાદાઓની જેમ દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો.+ તેનો દીકરો અહાઝ્યા+ તેની જગ્યાએ રાજા બન્યો.
૨૫ આહાબના દીકરા અને ઇઝરાયેલના રાજા યહોરામના શાસનનું ૧૨મું વર્ષ ચાલતું હતું. એ સમયે રાજા યહોરામનો દીકરો અહાઝ્યા યહૂદાનો રાજા બન્યો.+
૨૬ અહાઝ્યા રાજા બન્યો ત્યારે ૨૨ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અથાલ્યા+ હતું, જે ઇઝરાયેલના રાજા ઓમ્રીની+ પૌત્રી* હતી.
૨૭ અહાઝ્યા આહાબના કુટુંબના માર્ગે ચાલ્યો.+ આહાબના કુટુંબની જેમ તેણે પણ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ જ કર્યું, કેમ કે તે આહાબના કુટુંબનો સગો હતો.+
૨૮ એટલે આહાબના દીકરા યહોરામ સાથે અહાઝ્યા પણ સિરિયાના રાજા હઝાએલ સામે લડવા રામોથ-ગિલયાદ+ ગયો. પણ સિરિયાના સૈનિકોએ યહોરામને ઘાયલ કર્યો.+
૨૯ સિરિયાના રાજા હઝાએલ સામે લડતી વખતે+ સિરિયાના સૈનિકોએ યહોરામને રામામાં* ઘાયલ કર્યો હતો. એટલે રાજા યહોરામ સાજો થવા યિઝ્રએલ પાછો ગયો.+ આહાબનો દીકરો યહોરામ ઘાયલ* થયો હોવાથી, યહૂદાના રાજા યહોરામનો દીકરો અહાઝ્યા તેને મળવા યિઝ્રએલ ગયો.
ફૂટનોટ
^ “તમારા દીકરા” કહીને વ્યક્તિ બીજાને માન આપતી.
^ મૂળ, “તમારો સેવક કૂતરા જેવો છે.”
^ અથવા, “વંશજ કાયમ રાજ કરશે.”
^ મૂળ, “તેના પિતાઓ સાથે ઊંઘી ગયો.”
^ મૂળ, “દીકરી.”
^ રામોથ-ગિલયાદનું ટૂંકું નામ.
^ અથવા, “બીમાર.”