બીજો શમુએલ ૧:૧-૨૭

  • દાઉદ શાઉલના મરણ વિશે સાંભળે છે (૧-૧૬)

  • શાઉલ અને યોનાથાન માટે દાઉદનું વિલાપગીત (૧૭-૨૭)

 હવે શાઉલનું મરણ થયું હતું. દાઉદ અમાલેકીઓને હરાવીને* પાછો ફર્યો અને સિકલાગમાં+ બે દિવસ રહ્યો. ૨  ત્રીજા દિવસે એમ થયું કે એક માણસ શાઉલની છાવણીમાંથી આવ્યો. તેણે પોતાનાં કપડાં ફાડ્યાં હતાં અને માથા પર ધૂળ નાખેલી હતી.* તે દાઉદ પાસે આવ્યો ત્યારે, તેણે જમીન સુધી માથું નમાવીને નમન કર્યું. ૩  દાઉદે તેને પૂછ્યું: “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો: “હું ઇઝરાયેલની છાવણીમાંથી નાસી છૂટ્યો છું.” ૪  દાઉદે તેને પૂછ્યું: “ત્યાં શું બન્યું, એ મને જણાવ.” તેણે કહ્યું: “યુદ્ધમાંથી લોકો નાસી છૂટ્યા છે અને ઘણા લોકો મોતને ભેટ્યા છે. શાઉલ અને તેમનો દીકરો યોનાથાન પણ માર્યા ગયા છે.”+ ૫  સમાચાર લાવનાર યુવાનને દાઉદે પૂછ્યું: “તને કેવી રીતે ખબર પડી કે શાઉલ અને તેમનો દીકરો યોનાથાન માર્યા ગયા છે?” ૬  પેલા યુવાને જવાબ આપ્યો: “હું ગિલ્બોઆ+ પર્વત પર હતો. મેં જોયું કે શાઉલ રાજા બહુ ઘવાયેલા હતા અને ભાલાનો ટેકો લઈને માંડ માંડ ઊભા હતા. રથો અને ઘોડેસવારો ઝડપથી તેમની નજીક આવી રહ્યા હતા.+ ૭  રાજાએ પાછળ ફરીને મને જોયો અને બૂમ પાડી. મેં કહ્યું: ‘બોલો માલિક!’ ૮  તેમણે મને પૂછ્યું: ‘તું કોણ છે?’ મેં જવાબ આપ્યો: ‘હું એક અમાલેકી+ છું.’ ૯  તેમણે કહ્યું: ‘મારી પાસે આવીને મને મારી નાખ, કેમ કે મને ભારે પીડા થાય છે અને જલદી મોત પણ આવતું નથી.’ ૧૦  હું જાણતો હતો કે તે ઘવાયેલા હોવાથી નીચે પડશે કે તરત મરણ પામશે. એટલે તેમની પાસે જઈને મેં તેમને મારી નાખ્યા.+ મેં તેમના માથા પરનો મુગટ* અને હાથ પરનું કડું લઈ લીધાં. હું એ બધું અહીં મારા માલિક પાસે લઈ આવ્યો છું.” ૧૧  એ સાંભળીને દાઉદે પોતાનાં કપડાં ફાડ્યાં અને તેની સાથેના બધા માણસોએ પણ એમ જ કર્યું. ૧૨  તેઓએ ભારે વિલાપ કર્યો અને તેઓ પોક મૂકીને રડ્યા. તેઓએ શાઉલ અને તેના દીકરા યોનાથાન માટે, યહોવાના* લોકો અને ઇઝરાયેલના ઘરના માટે+ સાંજ સુધી ઉપવાસ કર્યો,+ કારણ કે એ બધા તલવારથી માર્યા ગયા હતા. ૧૩  દાઉદે ખબર લાવનાર યુવાનને પૂછ્યું: “તું ક્યાંનો છે?” તેણે કહ્યું: “હું પરદેશીનો દીકરો, એટલે અમાલેકી છું.” ૧૪  એટલે દાઉદે તેને કહ્યું: “તારી આટલી હિંમત કે યહોવાના અભિષિક્તને* મારી નાખવા તેં હાથ ઉઠાવ્યો?”+ ૧૫  એમ કહીને દાઉદે પોતાના એક યુવાનને બોલાવ્યો અને કહ્યું: “જા, તેના પર તૂટી પડ.” તેણે પેલા અમાલેકીને માર્યો અને તે મરી ગયો.+ ૧૬  દાઉદ બોલ્યો: “તારું લોહી તારા માથે. તેં તારા મોઢે પોતાના વિરુદ્ધ સાક્ષી પૂરી છે કે ‘મેં યહોવાના અભિષિક્તને મારી નાખ્યા છે.’”+ ૧૭  પછી દાઉદે શાઉલ અને તેના દીકરા યોનાથાન માટે વિલાપગીત* ગાયું.+ ૧૮  એ ગીત યાશારના પુસ્તકમાં+ લખવામાં આવ્યું, જેનો વિષય છે, “ધનુષ્ય.” દાઉદે કહ્યું કે યહૂદાના લોકોને આ વિલાપગીત શીખવવામાં આવે: ૧૯  “હે ઇઝરાયેલ, તારા ગૌરવવાન લોકો તારા પર્વતો પર કતલ થઈને પડ્યા છે.+ શૂરવીરો કેવા માર્યા ગયા છે! ૨૦  ગાથમાં એ કહેશો નહિ;+આશ્કલોનની શેરીઓમાં એ જાહેર કરશો નહિ,નહિતર પલિસ્તીઓની દીકરીઓ ખુશી મનાવશે,એ સ્ત્રીઓ* ફુલાઈ જશે. ૨૧  હે ગિલ્બોઆના પર્વતો,+તમારા પર ન ઝાકળ પડે કે ન વરસાદ વરસે,તમારાં ખેતરોમાં પવિત્ર દાનો માટે કશું ન ઊપજે,+કેમ કે ત્યાં શૂરવીરોની ઢાલનું અપમાન થયું છે,શાઉલની ઢાલ ત્યાં તેલ ચઢાવ્યા વગર પડેલી છે. ૨૨  દુશ્મનોનું લોહી વહેવડાવવાથી અને યોદ્ધાઓની ચરબી વીંધવાથી,ન તો યોનાથાનનું ધનુષ્ય પાછું પડતું,+ન તો શાઉલની તલવાર પાછી ફરતી.+ ૨૩  શાઉલ અને યોનાથાન,+ જિંદગીભર લોકોને પ્રિય અને વહાલા હતા. મરતી વખતે પણ એકબીજાથી જુદા ન થયા.+ તેઓ ગરુડો કરતાં વેગવાન+અને સિંહો કરતાં બળવાન હતા.+ ૨૪  હે ઇઝરાયેલની દીકરીઓ, શાઉલ માટે વિલાપ કરો,જેણે તમને લાલ રંગનાં સુંદર કપડાંથીઅને સોનાનાં ઘરેણાંથી શણગારી. ૨૫  હે ઇઝરાયેલ, યુદ્ધમાં શૂરવીરો કેવા માર્યા ગયા છે! યોનાથાન તારા પર્વતો પર કતલ થયો છે!+ ૨૬  હે યોનાથાન મારા ભાઈ, તારા શોકમાં મારું દિલ તૂટી ગયું છે;તું મને જીવથી પણ વહાલો હતો.+ મારા પર તારો પ્રેમ સ્ત્રીઓના પ્રેમ કરતાંય અનમોલ હતો.+ ૨૭  શૂરવીરો કેવા માર્યા ગયા છે,યુદ્ધનાં હથિયારોનો કેવો નાશ થયો છે!”

ફૂટનોટ

અથવા, “મારી નાખીને.”
શબ્દસૂચિમાં “શોક” જુઓ.
અથવા, “તાજ.”
અથવા, “શોકગીત.”
મૂળ, “બેસુન્‍નત માણસોની દીકરીઓ.”